રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે ગત 16 એપ્રિલના રોજ રાત્રે 12 વાગ્યાના સમયે ખૂની ખેલ ખેલાયો હતો. રાણાવાવ નગરપાલિકાના ભાજપના સભ્ય અને આદિત્યાણાના રહેવાસી હાજા વિરમ ખુંટી (ઉંમર 40) અને તેના મિત્ર કાના રણમલ કડછા (ઉંમર 45) પર 8 શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બંનેના મોત થયા હતા.
ચૂંટણીના મન દુઃખમાં હુમલો
અંગત અદાવત અને ચૂંટણીના મન દુઃખને લઈને આરોપી વિંજા મોઢવાડીયા અને તેના સાત સાગરીતીઓ આ હુમલો કર્યો હતો. વિંજા મોઢવાડિયા રાણાવાવ નગરપાલિકાનો ભાજપનો વિપક્ષનો નેતા છે. તેણે કરણ ઓડેદરા, જયમલ ઓડેદરા, કાના ઓડેદરા, હમીર મોઢવાડીયા, માલદે ઓડેદરા, કેશુ ઓડેદરા અને એક અજાણ્યા શખ્સની મદદ લઈને આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો.
કેવી રીતે થયો હુમલો?
આરોપીઓએ પ્રથમ કાના કડછાના ઘરે ધસી જઈને હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન વચ્ચે પડેલા પુત્ર અને પિતા પણ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ગામના ચોકમા બાઈક પર ઉભેલા પાલિકાના સભ્ય હાજા ખુંટી પર આ આરોપીઓ તૂટી પડ્યા હતા, ઢોર માર મારીને તેનું મોત નિપજાવ્યું હતું.
આ ઘટનાએ મૃતકના પરિવારજનો અને સંબંધીઓને હતપ્રત કરી દીધા છે. મૃતક કાના કડછાની પુત્રી નીતાબેન કડછા પણ આ ઘટના સમયે ત્યાં હાજર હતી. રડતીં આંખે નીતાએ કહ્યું હતું કે, આરોપી વિંજા મોઢવાડીયા સહિતના શખ્સો દ્વારા હવે તેમના પરિવારને જીવથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે.
પોલીસે આ કેસમાં 8 પૈકી 5 આરોપીઓને ગણતરીની કલાકોમાં જ દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મારે ન્યાય જોઈએ છે. વિંજા રામદે મોઢવાડીયાએ મારી નજરની સામે મારા પિતાને છરીથી માર્યા છે. મારા પપ્પા જીવવા માટે તડપતા હતા. મારે ન્યાય જોઈએ. મારા પરિવારને કંઈ પણ થયું તો તો તેના માટે વિંજો મોઢવાડીયા અને તેના માણસો જવાબદાર રહેશે. કૂતરાના મોતે મારા પપ્પાને માર્યો છે. મારા પપ્પા નિર્દોષ હતા. હવે અમે પપ્પા વગર શું કરીશું. - નીતા કડછા, મૃતકની દીકરી
"બંને મૃતક મારા નજીકના સબંધી છે. આ ઘટના જે બની છે તે ખૂબ જ ક્રુર અને ખરાબ છે. આ ઘટના રાજકીય નથી પણ કોઈ અગંત કારણોસર બની હોય એમ લાગે છે. બંને ભાજપના માણસો છે." - કરશન ઓડેદરા, પૂર્વ ધાસભ્ય, રાણાવાવ-કુતિયાણા
"આદિત્યાણા ડબલ મર્ડર કેસની ફરિયાદ નોંધાઈ ગઈ છે. આ કેસમા પાંચ આરોપીઓને ધરપકડ કરી લેવામા આવી છે. આગળની તપાસ ચાલુ છે." - આર.ડી.પટેલ, એ.એસ.પી, પોરબંદર