Home /News /politics /

બીજેપીને હરાવવા માટે શિવસેનાને જોઈએ છે મુસ્લિમોનો સાથ!

બીજેપીને હરાવવા માટે શિવસેનાને જોઈએ છે મુસ્લિમોનો સાથ!

  શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'મરાઠાઓ સાથે ધાંગડ, કોળી અને મુસ્લિમોને પણ અનામત આપવામાં આવશે.' તેમને કહ્યું, 'શિવસેના આ બાબત પર રાજ્ય અને કેન્દ્ર સરકારનું સમર્થન કરી શકે છે. મુસ્લિમોને આપવામાં આવી રહેલ અનામતને લઈને ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો મુસ્લિમ સમુદાય તરફથી યોગ્ય માંગ ઉઠવવામાં આવી રહી છે તો તેમના વિશે પણ વિચારવું જોઈએ.'

  શિવસેનાએ મહારાષ્ટ્રમાં પોતાના સહયોગી બીજેપીની સરકારનો વિરોધ કરતાં કહ્યું કે, તેઓ બોમ્બે હાઈકોર્ટ દ્વારા મુસ્લિમોને 5 ટકા આપવામાં આવી રહેલા આદેશને અવગણે છે.

  શું કહેવા માંગે છે આ નિવેદન?

  શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તરફથી મુસ્લિમોને અનામત આપવાના સમર્થનમાં આપનાર આ નિવેદન પ્રથમ નજરમાં ચોકાવનાર છે. બાળા સાહેબ ઠાકરેની પાર્ટી શિવસેના મરાઠી અસ્મિતા સાથે-સાથે હિન્દુત્વની કટ્ટર લાઈન પર ચાલે છે. અહી સુધી કે, કેટલાક મુદ્દાઓ પર શિવસેનાએ બીજેપી વિરૂદ્ધ પણ કડક વલણ અપનાવ્યો છે.

  પરંતુ હવે, શું કારણ છે કે શિવસેના તરફથી મુસ્લિમોના ક્વોટા માટે પક્ષ લેવામાં આવી રહ્યો છે? શું કારણ છે કે, અચાનક શિવસેનાના દિલમાં મુસ્લિમો વિશે પ્રેમ જાગી ગયો છે? તે ઉપરાંત હવે તો તેમની વાતનું સમર્થન અસદ્દુદ્દીન ઓવેસીની પાર્ટી AIMIAMની તરફથી પણ થવા લાગ્યું છે.

  બીજેપીને હરાવવા માટે કંઈપણ કરશે શિવસેના

  આના પાછળ રાજનીતિ ખુબ જ રસપ્રદ છે. શિવસેનાના એજેન્ડામાં હાલના સમયે સૌથી ઉપર બીજેપીને માત આપવાની રણનીતિ છે. જેના માટે શિવસેના તેના તરફથી બધી જ કોશિશો કરી છૂટતી નજરે પડી રહી છે, જેથી બીજેપીને માત આપી શકાય. શિવસેના ભલે હાલના સમયે કેન્દ્ર અને મહારાષ્ટ્રની સરકારમાં બીજેપીની સહયોગી છે, પરંતુ એક સમયે બીજેપીની સીનિયર પાર્ટનર બનીને રહેનાર શિવસેનાને જૂનિયર પાર્ટનરના રૂપમાં સરકારમાં રહેવું વધારે હેરાન કરી રહ્યું છે.

  બંને વચ્ચે એટલી ખાઈ વધી ગઈ છે કે, શિવસેનાએ પહેલાથી જ લોકસભા ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય કરી લીધો છે. રાજ્યની કુલ 48 લોકસભા સીટોમાં બીજેપીનો 23 જ્યારે શિવસેનાનો 18 સીટો પર કબ્જો છે. શિવસેનાને લાગે છે કે, જો બીજેપીથી અલગ થઈને ઈલેક્શન લડશે તો તેનું સીધું નુકશાન બીજેપીને થશે.

  સૂત્રો અનુસાર, શિવસેનાના એજેન્ડામાં હાલમાં બીજેપીને નુકશાન પહોંચાડવાનું છે. જોકે, સત્યતા તે છે કે, શિવસેના બીજેપીથી અલગ થઈને ચૂંટણી લડે છે અને બીજી તરફ કોંગ્રેસ-એનસીપી ગઠબંધન કરી લે છે તો પછી બીજેપીની સાથે-સાથે શિવસેનાને પણ નુકશાન ભોગવવું પડશે.

  કેમ ડરી ગઈ છે શિવસેના?

  બે મહિના પહેલા પાલઘર લોકસભાના પેટાચૂંટણીમાં શિવસેનાએ બીજેપીને હરાવવા માટે એડીચોટીનો જોર લગાવી દીધો હતો. બીજેપીની સરકારમાં ભાગીદારી હોવા છતાં પણ શિવસેનાએ બીજેપીને લોકસભાની પેટાચૂંટણીમાં પડકાર આપ્યો હતો. જોકે, પાલઘરમાં પણ શિવસેનાએ હારનો સામનો કરવો પડ્યો હતો. તે પછી શિવસેના વધારે ડરી ગઈ છે. તેને લાગે છે કે, બીજેપી સાથે રહેવાથી તેને વધારે નુકશાન થઈ રહ્યું છે અને બીજેપી તેની જગ્યા લઈ રહી છે.

  આ પહેલા મુંબઈ અને થાને વિસ્તારમાં પણ બીજેપીએ શિવસેનાના કિલ્લામાં ભંગાણ કરી દીધું છે. બીજેપીએ મુંબઈ મહાનગરપાલિકામાં ભલે શિવસેનાને સમર્થન આપ્યો હોય પરંતુ શિવસેનાના 84 કૉર્પોરેન્સ સામે બીજેપીના 82 કૉર્પોરેન્સ જીતીને આવ્યા હતા. આ આખા વિસ્તારમાં 36માંથી 15 ધારાસભ્ય બીજેપીના જ છે.

  આમ શિવસેનાનું ગઢ મુંબઈ અને થાણામાં પણ બીજેપીએ પોતાની પકડ બનાવી દીધી છે. શિવસેના આ વાતને લઈને વધારે ડરી ગઈ છે કે આવનારા દિવસોમાં ફરીથી બીજેપી સાથે ગઠબંધન થાય છે તો ધીરે-ધીરે તેઓ સત્તા ગુમાવી દેશે.

  હિન્દુત્વની જમીન પર શિવસેનાની પકડ પડી ઢીલી

  અસલમાં બાળા સાહેબ ઠાકરે જ્યારે જીવીત હતા, ત્યારે શિવસેના મરાઠીઓ ઉપરાંત હિન્દુત્વના એજન્ડાના માટે ઓળખાતી હતી. પરંતુ બાળા સાહેબના નિધન અને બીજી તરફ બીજેપીમાં 'મોદી-યુગ'ના આવ્યા પછી હવે હિન્દુત્વના એજન્ડા ઉપર અને શિવસેનાની સત્તા પર ધીમે-ધીમે બીજેપીઓ પોતાનો કબ્જો જમાવવાનું શરૂ કરી દીધું.

  આખા મહારાષ્ટ્રમાં શિવસેનાની સામે બીજેપીએ ભગવા બ્રિગેડમાં પોતાનો પગપેસારો સારો એવો કરી લીધો. તે પછી શિવસેના પોતાની તરફથી દરેક કોશિશ કરી રહી છે જેનાથી તેઓ પોતાના ખસી રહેલા જનાધાર રોકી શકે.

  શું રાહુલ-ઉદ્ધવ થઈ શકે એક?

  પરંતુ, શિવસેના આવું કરવાની જગ્યાએ પોતાની રણનીતિથી એકદમ ઉંધી દિશામાં જઈને મુસ્લિમોને અનામત આપવાનું સમર્થન કરી રહી છે. તો શું શિવસેના આવનારા દિવસોમાં કોંગ્રેસ-એનસીપી સાથે પણ જઈ શકે છે તેવા પ્રશ્ન પણ ઉભા થવા લાગ્યો છે. આના પર ચર્ચા તે માટે થી રહી છે કેમ કે, શિવસેના તરફથી અવાર-નવાર રાહુલ ગાંધીના ભાષણ અને તેમના વખાણ કરવામાં આવી રહ્યાં છે. બદલામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 27 જુલાઈએ ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવી હતી.

  રાહુલ ગાંધી સાથે ઉદ્ધવ ઠાકરેની મિત્રતાની વાત કરવામાં આવે તો તે ઉતાવળ ગણાશે, પરંતુ બે વિપરીત વિચારધારાવાળી પાર્ટીઓનો મોદી (બીજેપી)ના વિરોધના નામ પર એક થવું ભવિષ્યની રાજનીતિના સંકેત આપી રહ્યું છે.

  આ સંકેત તે માટે પણ મહત્વપૂર્ણ છે કેમ કે, આ પહેલા 20 જૂલાઈએ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન શિવસેનાના સરકારના પક્ષમાં વ્હિપ રિલીઝ કર્યા છતાં પોતાના બધા સાંસદોની સંસદમાં ગેરહાજરી રાખી હતી. બીજેપી સાથે સરકારમાં સત્તામાં સામેલ શિવસેનાના આ પગલાએ બીજેપી સાથે તેમના સંબંધ વધુ વણસી ગયા હતા.

  સરકારમાં રહીને સરકારનો વિરોધ

  શિવસેનાએ ઘણા બધા મુદ્દાઓમાં સરકારમાં રહીને પણ સરકારનો વિરોધ કર્યો છે. ખેડૂતોના મુદ્દા પર શિવસેના પહેલાથી જ બીજેપી પર હુમલા કરતી આવી છે. અહી સુધી કે મરાઠા અનામતના મુદ્દા પર પણ તેમના વલણમાં ઘણો પરિવર્તન આવ્યો છે. પહેલા બાળા સાહેબ ઠાકરેના સમયથી આવી અનામતને લઈને શિવસેનાનું વલણ કંઈક અલગ રહેતો હતો, પરંતુ હવે શિવસેના આ મુદ્દા પર અનામતનું સમર્થન કરી રહી છે. શિવસેનાની બદલાયેલી રણનીતિ બીજેપીને ઘેરવાની જ છે, ભલે પછી મુદ્દો કોઈપણ હોય.

  બીજેપીની પણ 'એકલા ચાલોની' તૈયારી

  હવે બંને પાર્ટીઓ વચ્ચેના સંબંધોમાં આવેલા પરિવર્તન સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. શિવસેનાના અવિશ્વાસ પ્રસ્તાવ પર બતાવવામાં આવેલ તેવર પછી બીજેપી અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રના પ્રવાસ વખતે પોતાની પાર્ટીના નેતાઓને અલગ થઈને ચૂંટણી લડવાનો મંત્ર આપી દીધો છે. જોકે, આનાથી પહેલા ઉદ્ધવ ઠાકરેને મનાવવાની કોશિશ કરી હતી, પરંતુ આની કંઈ ખાસ અસર થઈ નહતી.

  શિવસેનાની રણનીતિના કેન્દ્રમાં હાલમાં દુશ્મન નંબર વન બીજેપી છે, જેને હરાવવા માટે રણનીતિ બનાવામાં આવી રહી છે. શિવસેના કોઈપણ હદ્દ સુધી જઈ શકે છે. તે માટે શિવસેના પોતાનું પણ નુકશાન કરાવી શકે છે, આનાથી કોંગ્રેસ-એનસીપીને ફાયદો પણ થઈ શકે છે, તે છતાં પણ ગમે તેમ કરીને બીજેપીને પાડી દેવાના મૂડમાં છે. મુસ્લિમોના કોટાના મુદ્દે શિવસેનાના તેવર તેની બદલાયેલી રણનીતિની ઝલક રજૂ કરી દીધી છે. જો કે, શિવસેનાને સાવચેત થઈને ચાલવું પડશે, નહી તો હિન્દુત્વનો બધો જ એજન્ડા બીજેપીના હાથમાં પરોસીને સત્તારૂપી જમીનથી પોતે બેદખલ થઈ જશે.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Muslims, Shivsena

  આગામી સમાચાર