Home /News /politics /

એ પાંચ ભારતીય નારીઓ જેમણે દેશમાં મહિલાઓની લડતનો ઇતિહાસ સર્જ્યો!

એ પાંચ ભારતીય નારીઓ જેમણે દેશમાં મહિલાઓની લડતનો ઇતિહાસ સર્જ્યો!

ડાબી બાજુ શાહબાનો અને જમણે ભવરીદેવી (ફાઇલ તસવીર)

  ગૌરાંગ જાની

  છેલ્લા ઘણા સમયથી દેશભરમાં મુસ્લિમ મહિલાઓને સ્વતંત્રતા મામલે ત્રિપલ તલાકનો મુદ્દો ચર્ચામાં છે. સંસદનાં ચોમાસુ સત્રમાં સરકાર મુસ્લિમ વુમન બિલ (ટ્રિપલ તલાક બિલ) લાવવાની છે. ભારત દેશમાં મહિલાઓના અધિકાર મામલે એક લાંબી સંઘર્ષ ગાથા રહી છે.

  વર્તમાન ભારતના કે ભારતના ઈતિહાસમાં એક નોંધપાત્ર વાસ્તવિકતા એ છે કે ભારતીય નારીના મૃત્યુ, બળાત્કારની ઘટનાઓ બાદના વ્યાપક વિરોધને કારણે મહિલા અધિકારના કાનૂન બન્યા છે. ૧૯મી સદીમાં રાજા રામમોહનરાયની ભાભી સતી થઈ અને એ સમયે સતી થવાનો રીવાજ સામે સુધારા આંદોલન શરૃ થયું. પરિણામે સતી પ્રતિબંધક કાનૂન આવ્યો. આજે પણ આધુનિક ભારતમાં જ્યાં સુધી કોઈ મહિલા પર અત્યાચાર ના થાય કે તેનું મોત ના થાય ત્યાં સુધી કાનૂન બનવો જાણે અશક્ય છે. આજે આપણે એવી પાંચ મહિલાઓના જીવન વિશે જાણીશું જેઓએ એ દેશમાં ક્રાંતિકારી મહિલા કાનૂન અને સુધારણાના દ્વાર ખોલી આપ્યા. સવાલ એ છે કે એ પાંચે મહિલાઓએ ક્યાં તો જીવ ગુમાવ્યા ક્યાં તો પીડા, અન્યાય, અત્યાચાર સહન કર્યા.

  બળાત્કાર એ મહિલા પરના અત્યાચારનું એક જંગલિયત વર્તન છે. શું ગામ કે શું શહેર કે શું દેશની રાજધાની? સર્વત્ર બળાત્કારના બનાવો આધુનિક 'ભારતનું કલંક' છે. આ કલંક અને તેના પરિણામોની દેશમાંથી ચર્ચાઓ અને વિરોધ શરૃ થયો વર્ષ ૧૯૭રમાં. મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના દેસાઈગંજ પોલીસ સ્ટેશનમાં ૧૯૭રમાં બે પોલીસોએ મથુરા નામની યુવા આદિવાસી મહિલા પર બળાત્કાર કર્યો. આ ઘટનામાં મહિનાઓ સુધી આદિવાસી યુવતીને ન્યાય ના મળ્યો. અંતે દેશની સર્વોચ્ચ અદાલતે દરમ્યાનગીરી કરી અને તેના પરિણામે ભારતીય બળાત્કાર કાનૂનમાં સુધારો દાખલ કરવામાં આવ્યો. આ બીજો સુધારો અને તેના આધારે 'ધ ઈન્ડિયન રેપ લો વામા ધ ક્રિમિનલ લો (સેકન્ડ એમેન્ડમેન્ટ) કાનૂન, ૧૯૮૩ અમલમાં આવ્યો.' દેશભરની મહિલા સંસ્થાઓ અને અગ્રણી મહિલા કર્મશીલોએ સતત વિરોધ પ્રદર્શનો દ્વારા કાનૂની પરિવર્તન આણ્યું. દેશના ખ્યાતનામ ન્યાયવિદ પ્રો. ઉપેન્દ્ર બક્ષીએ 'મથુરા કેસ'માં પાયાનું કાનૂની પ્રદાન આપ્યું હતું. તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વિસટી, સુરતમાં કુલપતિ પણ હતા.

  (સત્યરાની ચઢ્ઢા) સત્યરાનીના સંઘર્ષે ભારતમાં દહેજ મૃત્યુના કાનૂનને વધુ મજબૂત અને અસરકારક બનાવવાની દિશામાં અતિ મહત્ત્વનું પ્રદાન કર્યું.


  બીજી સંઘર્ષશીલ મહિલાનું નામ છે સત્યરાની ચઢ્ઢા. સત્યરાનીના સંઘર્ષે ભારતમાં દહેજ મૃત્યુના કાનૂનને વધુ મજબૂત અને અસરકારક બનાવવાની દિશામાં અતિ મહત્ત્વનું પ્રદાન કર્યું. વર્ષ ૧૯૭૯માં તેમની પુત્રીને સાસરિયાઓએ દહેજ માટે જીવતી સળગાવી અને તેનું મૃત્યું થયું. સત્યરાનીએ પુત્રીની હત્યા દહેજ માટે થઈ હોવાને કારણે દેશભરમાં દહેજ વિરોધી કાનૂન સંદર્ભે અભિયાન આદર્યું. તેઓની સાથે અનેક મહિલા સંસ્થાઓ જોડાઈ. પરિણામે દહેજ મૃત્યુના ગુનેગારોમાં પતિ ઉપરાંત સાસરિયાની પણ ભૂમિકા છે અને તેઓ પણ ઔસજાને પાત્ર છે એ કલમ કાનૂનમાં ઉમેરાઈ, સત્યરાનીનું અવસાન વર્ષ ર૦૧પમાં થયું.

  ત્રીજી મહિલા જેણે મુસ્લિમોમાં છૂટાછેડાના મુદ્દે મહિલાઓના અધિકાર અર્થે કાનૂની મોરચો ખોલ્યો. શાહબાનો કેસ તરીકે દેશ અને દુનિયામાં ચર્ચામાં રહ્યો. સંઘર્ષની જનક શાહબાનોને કેમ ભૂલાય ? ર૩ એપ્રિલ, ૧૯૮પના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતે એક શકવર્તી ચુકાદો આપ્યો. ૬ર વર્ષીય શાહબાનો બેગમ જે પાંચ સંતાનોની માતા હતી તેને પતિએ છૂટાછેડા આપ્યા. ક્રિમીનલ પ્રોસિજર કોડની સેકશન ૧રપ હેઠળ છૂટાછેડા અપાયા. સર્વોચ્ચ અદાલતે શાહબાનોને પતિ તરફથી ખાધા ખોરાકી આપવાનો હુકમ કર્યો. આવો ચુકાદો ભારતના ઈતિહાસમાં અને તે પણ મુસ્લિમોના સંદર્ભે સૌ પ્રથમ હતો. પરંતુ એ સમયે કેટલાક રૃઢિવાદી મુસ્લિમોએ ભારે વિરોધ કર્યો. એ સમયની કોંગ્રેસ સરકાર કે જેની પાસે લોકસભામાં પૂર્ણ બહુમતી હોવા છતાં રૃઢિવાદી મુસ્લિમો સામે ઝૂકી ગઈ. સર્વોચ્ચ અદાલતના ક્રાંતિકારી ચુકાદાને બિનઅસરકાર બનાવી દેવાયો. એ સમયની લોકસભાએ 'ધ મુસ્લિમ વિમેન (પ્રોટેકશન ઓફ રાઈટસ ઓન ડિવોર્સ) એકટ, ૧૯૮૬', કાનૂન પાસ કરાવ્યો જેને પરિણામે છૂટાછેડા લીધેલ મહિલા માત્ર ઈદતના સમયગાળામાં એટલે કે છૂટાછેડા પછીના ૯૦ દિવસ માટે ભરણપોષણ મેળવવા હકદાર બની. આ કાનૂન ઈસ્લામના કાનૂનને આધારે તૈયાર થયો. ભારતની મુસ્લિમ મહિલાઓએ ભરણપોષણ માટેના અધિકારની એક મોટી તક એ સમયે ગુમાવી એમ કહીએ તો અતિશયોક્તિ નથી.

  'વિશાખા માર્ગર્દિશકા' કે વિશાખા ગાઈડલાઈન તરીકે દેશભરમાં મહિલાઓને કામના સ્થળે સલામતી બક્ષતી સર્વોચ્ચ અદાલતની માર્ગર્દિશકા કે કાનૂન પાછળ રાજસ્થાનની સામાજિક કાર્યકર ભંવરી દેવીનો સંઘર્ષ છે. વર્ષ ૧૯૯રમાં રાજસ્થાનમાં ભંવરી દેવી સામૂહિક બળાત્કારનો ભોગ બની. ગામમાં સામાજિક કાર્ય કરતી આ ગરીબ મહિલાએ અને તેના પતિએ સ્વૈચ્છિક સંસ્થાનો સાથ લઈ કામના સ્થળે મહિલાઓ પર થતા બળાત્કારને રોકવા કમર કસી. 'વિશાખા' નામની મહિલા સંસ્થાએ છેક સર્વોચ્ચ અદાલત સુધી લડત આપી અને ૧૩ ઓગસ્ટ, ૧૯૯૭ના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા ભારતની મહિલાઓને મોટું સુરક્ષાકવચ પૂરું પાડયું. ગામમાં, ખેતરમાં કે શહેરની ફેક્ટરીઓમાં કે પછી શાળા-કોલેજ, ઓફિસ એવી તમામ કામની જગ્યાઓ પર મહિલાઓની છેડતી કે તેમના પરનો અત્યાચાર ગુનો છે. આ ગુનાને રોકવા સર્વોચ્ચ અદાલતના આદેશ પ્રમાણે કામના સ્થળે મહિલા જેની અધ્યક્ષ હોય તેવી કમિટી રચવી અને તેને કાર્યરત રાખવી અનિવાર્ય છે. પરંતુ આજે વિશાખા ગાઈડલાઈનનું કેટલું અને કેવું પાલન થાય છે એ સૌ જાણે છે.

  દેશની મહિલાઓને 'નિર્ભય' બનાવવા જેણે સંઘર્ષ ખેલ્યો એવી નિર્ભયા પરના દુષ્કર્મનો દેશના ખૂણે ખૂણે વિરોધ થયો. ૧૬ ડિસેમ્બર, ર૦૧રના રોજ દિલ્હીની ફિઝિયોથેરાપીની વિર્દ્યાર્થિની પર સામુહિક

  બળાત્કાર થયો હતો. બળાત્કારનો ભોગ બનેલી નિર્ભયા પરના ઘાતકી શારીરિક હુમલાને પરિણામે તેનું અવસાન થયું. લોકવિરોધ અને તેને વાચા આપનાર માધ્યમોને પરિણામે ર૦૧૩માં બળાત્કારના કાનૂનમાં સુધારો કરવામાં આવ્યો. ત્રણ આરોપીમાંથી એક કિશોરવયનો હતો. તેને લઈને દેશમાં વ્યાપક ચર્ચાઓ થઈ કે શું કિશોરાવસ્થામાં આચરેલા ગુનાની સજા વયસ્કની સજા જેટલી હોવી જોઈએ ? આ ચર્ચાના પરિણામે ૭ મે, ર૦૧પના રોજ સંસદે ધ જુવેનાઈલ જસ્ટિસ એકટ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) બિલ, ર૦૧૪માં પસાર કર્યું એટલે કે હવે ૧૬ થી ૧૮ વયના કિશોરોને પણ મોટેરાઓ જેવી સજા થઈ શકશે.

  અત્રે ચર્ચેલી આ પાંચ મહિલા સંઘર્ષની કથાઓએ ભારતની કાનૂન વ્યવસ્થાને અને તેમાં પણ મહિલાઓને સલામતી આપતા કાનૂનોને પાયાથી બદલવાનું ઐતિહાસિક પ્રદાન કર્યું છે. એ નોંધવા જેવું છે કે 'મથુરા' એક આદિવાસી, શાહબાનો એક મુસ્લિમ, ભંવરીદેવી એક ગ્રામિણ મહિલા, સત્યરાની એક કાનૂનવિદ અને નિર્ભયા એક આધુનિક વિર્દ્યાર્થિની, એમ ભિન્ન ભિન્ન પશ્ચાદભૂમિ ધરાવતી મહિલાઓના સંઘર્ષે એક નૂતન ભારતના નિર્માણની દિશાઓ ખોલી આપી છે. આ સૌને લાખ લાખ સલામ !

  (ગૌરાંગ જાની ગુજરાત યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના અદ્યાપક છે)
  Published by:Sanjay Vaghela
  First published:

  આગામી સમાચાર