Home /News /panchmahal /ઘોઘંબાનો આ યુવાન ‘નિરાધારોનો આધાર’, રસ્તે રઝડતા વૃદ્ધોનો સેવાશ્રમમાં મૂકી સહારો બન્યો

ઘોઘંબાનો આ યુવાન ‘નિરાધારોનો આધાર’, રસ્તે રઝડતા વૃદ્ધોનો સેવાશ્રમમાં મૂકી સહારો બન્યો

ઇન્સેટમાં શિવરાજસિંહ પરમારની તસવીર

ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘માનવસેવા એ જ પ્રભુસેવા’. ગોધરા જિલ્લાના ઘોઘંબા તાલુકાના ભાણપુરા ગામનો યુવાનની કામગીરી આ કહેવતને સાર્થક કરી બતાવે છે. આવો જાણીએ સમગ્ર કહાણી...

    રાજેશ જોષી, ઘોઘંબાઃ ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘માનવસેવા એ જ પ્રભુસેવા’. ગોધરા જિલ્લાના ઘોઘંબા તાલુકાના ભાણપુરા ગામનો યુવાનની કામગીરી આ કહેવતને સાર્થક કરી બતાવે છે. એકબાજુ હાલના સમાજમાં કેટલાક સંતાનો માતા-પિતા વૃદ્ધ થતા તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે અથવા તેમને તેમની રીતે જીવવા માટે મજબૂર કરી દેતા હોય છે. તેવામાં ભાણપુરા ગામનો વકીલ યુવાન શિવરાજસિંહ પરમાર એક અનોખી રીતે આવા વૃદ્ધ માતા-પિતાની સેવા કરે છે.

    શિવરાજસિંહ જ્યારે પણ વ્યવસાય અર્થે પ્રવાસમાં હોય ત્યારે રસ્તામાં જોવા મળતા દરિદ્રનારાયણ લોકોને જોઈને તેમની પાસે પહોંચી જાય છે અને તેમની સાથે વાતચીત કરીને આપવીતી જાણવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારબાદ તેમને સમજાવીને આશરો આપવા માટે કહે છે. તેઓ જ્યારે પણ આવા કોઈ વ્યક્તિને મળે તો બિલકુલ ખચકાટ અનુભવતા નથી. તેમના કપડાં મેલા થઈ ગયા હોય અને દુર્ગંધ આવતી હોય તો પણ તેમને સૂગ ચડતી નથી.

    આ પણ વાંચોઃ લોકસાહિત્યકાર દેવાયત ખવડની જામીન અરજી નામંજૂર

    નિરાશ્રિતોને સેવાશ્રમમાં પહોંચાડે છે


    આ યુવાન આવી હાલતમાં જીવતા વૃદ્ધોના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરે છે. તેઓ વૃદ્ધ સહિત માનસિક રીતે અસ્વસ્થ લોકોને પણ મદદ કરે છે. તેઓ અસ્તવ્યસ્ત હાલતમાં રહેતા વૃદ્ધોને નવડાવીને નવા કપડાં આપે છે. તેટલું જ નહીં, તેમને આશ્રય સ્થાન સુધી પણ પહોંચાડે છે. આમ, આશ્રિતો પણ શિવરાજને પોતાનો જ દીકરો માને છે અને નવજીવન મળ્યાનો આનંદ અનુભવે છે.

    શિવરાજને આ પ્રકારની મદદ કરવાની ઇચ્છા કેવી રીતે થઈ તે અંગે પૂછતા તેઓ જણાવે છે કે, ઘોઘંબાના ભાણપુરા ગામે એક નિઃસંતાન મહિલાના પતિના અવસાન બાદ તેમની પરિસ્થિતિ કથળી ગઈ હતી. આ બધું જોઈને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે. શિવરાજસિંહ પ્રાથમિક તબક્કે આ મહિલાને તમામ મદદ કરતા હતા અને ત્યારપછી તેમને સેવાશ્રમમાં મૂકવા ગયા હતા. આ ઘટના બાદ શિવરાજસિંહ નિરાધારનો આધાર બનવાના સેવાકાર્યમાં જોડાઈ ગયા હતા.


    સમયાંતરે નિરાશ્રિતોને મળવા જાય છે


    અત્યાર સુધીમાં શિવરાજે અંદાજે 6થી વધુ નિરાધારોને મદદ કરી તેમને સેવાશ્રમમાં મૂક્યાં છે. તેટલેથી ન અટકતાં, તેઓ સમયાંતરે સેવાશ્રમમાં આશ્રિતોની મુલાકાતે પણ જાય છે અને તેમને પ્રોત્સાહિત કરે છે. તેમની જીવનજરિયાતની ચીજવસ્તુઓ પણ લાવી આપતા હોય છે. શિવરાજસિંહ કહે છે કે, તેઓ કામ માનવસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને ચરિતાર્થ કરવા માટે કરી રહ્યા છે.

    શિવરાજસિંહની સેવા એ સાચી માનવસેવાઃ વૃદ્ધાશ્રમના ગૃહપતિ


    ગોધરાના કાંકણપુર ખાતે આવેલા વૃદ્ધાશ્રમના ગૃહપતિ પણ શિવરાજસિંહની સેવાને બિરદાવતા જણાવી રહ્યા છે કે, સમાજમાં સંતાનો મા-બાપને તરછોડી દેતા હોય છે જે સંજોગોમાં શિવરાજસિંહ જે કાર્ય કરી રહ્યા છે તે ખરેખર બિરદાવવા લાયક છે. શિવરાજસિંહ આશ્રમમાં મૂકવામાં આવેલા વ્યક્તિઓની અચૂક મુલાકાત લેતા હોય છે. તેમની પૂછપરછ પણ કરતા હોય છે. આમ, શિવરાજસિંહ આ ઉમદા કાર્ય થકી ખરેખર એક સાચી માનવસેવાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Godhra news, Panchmahal News