પંચમહાલ: ગોધરા ફાયર બ્રિગેડ વિભાગની સરહાનીય કામગીરીનો વીડિયો સામે આવ્યો છે. ફાયર વિભાગની ટીમ દ્વારા દોરીમાં ફસાયેલી જળકુકડીને બચાવવા રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. ગોધરાના રામસાગર તળાવમાં પતંગની દોરીમાં જળકુકડી ફસાઈ હતી. ફાયર વિભાગની ટીમે કડકડતી ઠંડીની ચિંતા કર્યા વિના દિલધડક રેસ્ક્યૂ હાથ ધરીને જળકુકડીને બચાવી લીધી હતી. દોરીથી બચાવી લેવાયેલી જળકૂકડીને પરત તળાવમાં છોડી દેવાઇ હતી. આમ, પતંગની દોરીને કારણે અનેક જગ્યાએ પક્ષીઓ ઘવાયાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.
રાજકોટમાંદોરીથી 358થી વધુ પક્ષીઓ ઘાયલ થયા
રાજકોટમાં ઉત્તરાયણના પર્વ પર પતંગની દોરીથી 358થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે. કરૂણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓની સારવાર ચાલી રહી છે. વન વિભાગ સાથે NGOની ટીમ પણ કાર્યરત છે. શહેરમા અલગ અલગ જગ્યા પર રેસ્ક્યૂ સેન્ટર બનાવવામાં આવ્યા છે. ઘાયલ પક્ષીઓમાં કબૂતર, ચકલીની સંખ્યા વધારે છે. અત્યાર સુધીમાં 352 કબૂતર ઘાયલ થયા છે. અન્ય પક્ષીઓ ઘાયલ થવાની પણ ઘટના સામે આવી છે.
પતંગોત્સવની મજા અબોલ જીવ માટે સજા બની છે. બોટાદમાં કરુણા અભિયાન હેઠળ અબોલ જીવને સારવાર આપવામાં આવી રહી છે. કરુણા અભિયાન હેઠળ 36 પક્ષીઓને સારવાર આપવામાં આવી છે. પતંગ દોરીથી ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે. આગામી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન શરુ રહેશે.
108ને 4261 ઇમરજન્સી કોલ આવ્યા
ઉત્તરાયણના તહેવાર પર અનેક દુર્ઘટનાઓના સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે ઉત્તરાયણ પર અકસ્માતની સંખ્યા વધી છે. ઉત્તરાયણ પર 108ને આવતા ઈમરજન્સી કોલમાં વધારો થયો છે. આ વખતે 108ને 4261 ઇમરજન્સી કોલ આવ્યા છે. રાજ્યમાં દોરી વાગવાના 92 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં અકસ્માતના 820 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ધાબા પરથી પડવાના 368 કેસ નોંધાયા છે. દોરી વાગવાના સૌથી વધુ 42 કેસ અમદાવાદમાં આવ્યા છે.