ગોધરાઃ શહેરના મોદીની વાડી 2 વિસ્તારમાંથી એલસીબીએ 247 ચાઈનીઝ દોરાનો 47000ની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો છે. રહેણાંક મકાનમાં દોરાનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવતો હોવાની જાણકારીને આધારે પોલીસે છાપો મારી હાલ બે આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ અન્ય વધુ એક આરોપીની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે.
ઉતરાયણ પર્વ પૂર્વે ચાઈનીઝ દોરાના ઉપયોગથી કેટલાય નિર્દોષ વ્યક્તિઓ અને નિર્દોષ પંખીઓના ભોગ લેવાઇ રહ્યા છે. હાલ રાજ્યભરમાંથી આવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે પોલીસ તંત્ર પણ ચાઈનીઝ દોરાના વેચાણ સામે લાલ આંખ કરી છે અને ચાઇનીઝ દોરા વેચાણ અંગેની ઠેર ઠેર તપાસ કરવામાં આવી રહી છે.
બાળકોને ચાઇનીઝ દોરી વેચતા હતા
પોલીસની બાજ નજર હોવા છતાં ચાઈનીઝ દોરાનો જથ્થો યેનકેન પ્રકારે વેચવા માટે કેટલાક વેપારીઓ સક્રિય હોવાનું જે રીતે ચાઈનીઝ દોરાનો જથ્થો મળી આવે છે. ગોધરા શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ચાઈનીઝ દોરાને વેચાણ અંગેની ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. પરંતુ વેપારીઓ દ્વારા ચાઈનીઝ દોરાનું વેચાણ ખૂબ જ સાવચેતીપૂર્વક ખાનગી જગ્યાઓ પર તેમજ માત્રને માત્ર બાળકોને જ વેચવામાં આવતો હોવાનું સામે રહ્યું છે.
બાતમીને આધારે LCBએ કાર્યવાહી કરી
આ દરમિયાન ગત મોડી રાત્રે ગોધરા એલસીબી પીઆઇને બાતમી મળી હતી કે, ગોધરા શહેરના મોદીની વાડી-2 વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનો જથ્થો રાખી ખાનગીમાં વિતરણ કરવામાં આવી રહ્યો છે. બાતમી આધારે એલસીબી ટીમે છાપો માર્યો હતો અને તપાસ દરમિયાન રહેણાંક મકાનમાંથી 247 ફિરકા ચાઈનીઝ દોરાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે બે આરોપીઓ માધવ પટેલ અને હર્ષિલ પટેલ ધરપકડ કરી ચાઈનીઝ દોરાનો જથ્થો કબ્જે લીધો હતો.
આ ચાઈનીઝ દોરાનો વેપાર કરતા એક પતંગના દુકાનદાર રવિ મનસુખ રાણાની પણ સંડોવણી બહાર આવતા પોલીસે તેની સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પણ પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં ચાઈનીઝ દોરાના વેચાણને અટકાવવા માટે તપાસ માટેની ડ્રાઇવ જારી રાખવામાં આવી છે.