Prashant Samtani, panchmahal - દાન માત્ર પૈસાથી જ થઈ શકે છે, તે વાત તદ્દન ખોટી છે. ખરું દાન તો નિસ્વાર્થ ભાવે જ્યારે કોઈ વ્યક્તિ બીજાનું જીવન બચાવે તેને કહેવાય, પૈસાથી પણ વધુ મહત્વનું દાન એ રક્તદાન અને અંગદાન છે, જેનાથી જરૂરીયાતમંદ વ્યક્તિને નવજીવન મળતું હોંય છે. થેલેસેમીયા જેવા રોગથી પીડાતા વ્યક્તિનું જીવન રક્તદાન પર જ નિર્ભિત હોંય છે. ઉપરાંત ઘણા અકસ્માતોમાં ઈજા પામનાર વ્યક્તિને જો સમયસર લોહી ના મળે તો તે પોતાનું જીવન પણ ગુમાવી દે છે. સામાવાળા વ્યક્તિને જોયા, ઓળખ્યા તથા તેની સાથેનો કોઈ પણ સીધો સંબંધ ના હોવા છતાં જ્યારે રક્તદાતા પોતાના શરીરનું લોહી તે અજાણ્યા માટે દાન કરે છે તે દુનિયાનું સૌથી મોટું દાન છે.
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના એક પ્રતિષ્ઠિત વેપારી આજે સમગ્ર ગોધરાની જનતા તેમજ સમગ્ર માનવ જાત માટે પ્રેરણારૂપ ઉદાહરણ બન્યા છે, હોતચંદભાઈ ધમવાણી 18 વર્ષની ઉમરથી જ રક્તદાન કરે છે અને આજે જયારે તેઓ 54 વર્ષના થયા છે. ત્યારે તેમને અત્યાર સુધીમાં 141 વખત રક્ત દાન કરી 141 લોકોના જીવનને દાન આપ્યું છે. “રક્ત દાન એ મહાદાન“ના સુત્રને મશાલ બનાવી હોતચંદ ધમવાણી દર ત્રણ મહીને અચૂક પણે રક્તદાન કરતા હોય છે, તેમ છતાં તેઓ બિલકુલ તંદુરસ્ત રહે છે. જેના થી પ્રેરાઈને તેમની દીકરી,તેમના પત્ની તેમજ તેમના ઘરના અન્ય સભ્યો પણ રક્તદાન કરવા પ્રેરિત થતા હોય છે.
હોતચંદ ધમવાણીની નોંધ ખુદ ગુજરાત રાજ્ય સરકારે પણ લીધેલી છે,ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ પી કોહલી દ્વારા હોતચંદ ધમવાણીને તેમના આ માનવતાના મહાન કાર્યને એવોર્ડ આપી બિરદાવામાં આવેલા છે,આ ઉપરાંત ઘણી બધી સંસ્થાઓ જેમકે લાઈન્સ ક્લબ,રોટરી ક્લબ,સપ્તક ક્લબ વગેરે દ્વારા ઘણા બધા પુરસ્કારો અને અવાર્ડ્સ આપી હોતચંદ ધમવાણીને સન્માનિત કરવામાં આવેલા છે. આમ આખા ગોધરા શહેરમાં હોતચંદ ધમવાણીને હવે બ્લડ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે.
નવી પેઢી માટે રક્તદાનનું મહત્વ સમજવા હોતચંદ ભાઈ અવારનવાર દરેક કોલેજોમાં જઈ રક્તદાન કરવાના ફાયદાઓ તેમજ તેની આવશ્યકતા સમજવા સેમિનારો પણ કરતા હોય છે, હોતચંદજીના આ મહાન કાર્યને સમગ્ર ગોધરાની જનતા બિરદાવે છે અને બ્લડ મેનનું બિરુદ આપી પ્રોત્સાહન આપે છે.