Prashant Samtani, Panchmahal: પંચમહાલ નું ગોધરા મથક ખાસ કરીને જુદા જુદા પ્રકારના હિન્દુ તહેવારોની ઉજવણી માટે રાજ્યભરમાં પ્રખ્યાત છે . ગણતરીના દિવસોમાં જ હિન્દુ ધર્મનો મહાપર્વ દિવાળી આવી રહી છે , ત્યારે સમગ્ર પંથકમાં જાણે ખુશીની લહેરવી વ્યાપી ગઈ છે. કોઈ વ્યક્તિને ઓફિસ માંથી બોનસ મળી રહ્યું છે, તો કોઇક વ્યક્તિ પોતાના ધંધાના સ્થળની સાફ-સફાઈ કરી રહ્યું છે. ગૃહિણીઓ સોના ચાંદીના દાગીનાઓની ખરીદી કરી રહી છે અને બાળકો દિવાળીમાં કયા-કયા ફટાકડા ફોડવા તેની યાદી બનાવી રહ્યા છે.
દિવાળી આવે એટલે ઘરમાં ખુશીનો માહોલ છવાઈ જાય , પરિવારો દ્વારા નવા કપડાં ખરીદી શરૂ કરી દેવામાં આવે અને સાથે સાથે ફટાકડા તો ખરા જ. દિવાળીથી પાંચ સાત દિવસ પહેલા જ નાના નાના બાળકો જુદા જુદા પ્રકારના ફટાકડા ખરીદીને, ફોડવાના શરૂ કરી દેતા હોય છે અને ફટાકડાનો આનંદ માણતા હોય છે. પરંતુ શું આ વર્ષે પણ દિવાળીના તહેવારમાં ફટાકડા બજારમાં તેજી છે ખરી?
કોરોના કાળના બે વર્ષ દરમિયાન લોકોના વેપાર ધંધા બિલકુલ તૂટી ભાંગ્યા હતા. આ વર્ષે જ્યારે બજાર ફરીથી પહેલાની જેમ શરૂ થવા લાગ્યું છે, ત્યારે ફટાકડા બજારમાં 30 થી 40% નો ભાવ વધારોએ ફટાકડાના વેપારીઓમાં ચિંતા નો વિષય બન્યો છે.
ગોધરા શહેરમાં ભૂતકાળથી જ ફટાકડા બજારનું મુખ્ય કેન્દ્ર એ બસસ્ટેન્ડ વિસ્તારથી લઈને બાવાની મઢી એટલે કે, બગીચા રોડને માનવામાં આવે છે. પરંતુ ભૂતકાળમાં ઘણી વખત ફટાકડાની દુકાનોમાં આગ લાગવાના ઘણા બનાવો બન્યા છે, જેને ધ્યાનમાં લઈને નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે ફટાકડા બજારને ખુલ્લા મેદાનમાં સુરક્ષિત ખસેડવાની ગણતરી થી શહેરના બસસ્ટેન્ડ ની પાછળ આવેલા, લાલબાગ ગ્રાઉન્ડ ખાતે ખસેડવામાં આવેલ છે.
ગોધરા નગરપાલિકા દ્વારા લાલબાગ ગ્રાઉન્ડ ખાતે અંદાજિત 22 જેટલા ફટાકડાના સ્ટોલ મૂકવામાં આવેલ છે. જેમાં ગોધરા શહેર તથા આજુબાજુના ગામના ફટાકડાના હોલસેલ તથા રિટેલ વેપારીઓએ ભાડાપટ્ટે નગરપાલિકા પાસેથી ફટાકડા નો સ્ટોલ કરાર આધારિત લેવામાં આવ્યો છે. ઉપરાંત દરેક સ્ટોલની બહાર પાણીથી ભરેલું પીપળું મૂકવું ફરજિયાત છે અને આગ ઓલવવા માટે ના સાધનો પણ ઉપલબ્ધ રાખવા એ સંચાલક માટે જરૂરી છે.
નગરપાલિકા દ્વારા સ્ટોલ દીઠ 20 દિવસ માટે વેપારીઓ પાસેથી 8260 રૂપિયા (જીએસટી સાથે) ભાડાપટ્ટે વસૂલવામાં આવે છે. જેની સામે સુવિધાઓના ભાગરૂપે નગરપાલિકા દ્વારા મંડપ અને પતરાના સ્ટોલ બનાવી આપવા, જેમાં લાઈટનું મીટર તથા દરેક સ્ટોલો વચ્ચે એક ફાયર ફાઈટર અને એક એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા ગોઠવવી . ઉપરાંત નગરપાલિકા દ્વારા ફટાકડા બજાર માં આવતા લોકો માટે પાર્કિંગ ના હેતુથી સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા ગોઠવવાની ખાતરી આપવામાં આવેલ હતી. પરંતુ વેપારીઓના મતે નગરપાલીકા સુરક્ષિતતાની દ્રષ્ટિએ સુવિધાઓ પૂરી પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોય તેમ જણાય આવ્યું હતું. ફટાકડાની દુકાન ના વેપારી ભાર્ગવ જયસ્વાલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ,અમે વેપાર કરવા માટે નગરપાલિકા દ્વારા આયોજિત ફટાકડા બજારમાં ત્રણ દુકાન ભાડે રાખેલ છે .જેના દુકાનની જમીનના ભાડા પેટે અમે એક દુકાન ના 8260 રૂપિયા નગરપાલિકાને આપેલ છે .ઉપરાંત સ્ટોલ જેમાં મંડપ પતરા વગેરેનું ભાડું અમારી પાસેથી અલગથી લેવામાં આવે છે .આ ઉપરાંત લાઈટનું મીટર પણ અમે જાતે જ અલગથી લગાવેલ છે. કોરોના કાળના બે વર્ષ સીઝનેબલ ધંધાનું માર્કેટ બિલકુલ ઠપ થઈ ગયા પછી , આ વર્ષે ફટાકડાની કિંમતમાં 30 થી 40% જેટલો ભાવ વધારો નોંધાયો છે .જેના કારણે ફટાકડાના ગ્રાહકો પણ ખૂબ ઓછી સંખ્યામાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે, આ વર્ષે અમારા દ્વારા ફટાકડામાં કરવામાં આવેલું રોકાણ પણ જો નીકળી જાય તો તે , પણ અમારા માટે ખૂબ સારું કહેવાય તેમ છે.
ગોધરા શહેરના સામાજિક કાર્યકર્તા નિતેશ ગંગારામણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે , નગરપાલિકા દ્વારા આગના બનાવ ન બને તે માટે ખુલ્લા મેદાનમાં ફટાકડા બજારનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ ફટાકડા બજારમાં કોઈ પણ પ્રકારની ફાયર ફાઈટરની સુવિધા ઉભી કરવામાં આવેલ નથી,ઉપરાંત અહીં એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ નથી. જો અહીં કોઈ અણબનાવ બને તો લોકોની સુરક્ષિતતા જોખમાય તેમ છે. નગરપાલિકા દ્વારા સ્ટોલ સંચાલકો પાસેથી ભાડું તો ચોક્કસ ઉઘરાવવામાં આવે છે, પરંતુ તેની સામે કોઈ સવલત પૂરી પાડવામાં આવેલ નથી. નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ફટાકડા બજાર ખાતે ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા ગોઠવવામાં આવે તે હિતાવહ છે.