Prashant samtani panchmahal - સિંધી લોકો પોતાના ખોરાકને કારણે જાણીતા હોય છે. ખાસ કરીને તેમના સમાજમાં જે વિવિધ ઘરગથ્થુ વાનગીઓ બનાવવામાં આવે છે તેનો સ્વાદ એક વખત માણવા જેવો હોય છે. ત્યારે અમે તમને આજે શીખવીશું કે કેવી રીતે સિંધી ગૃહિણીઓ દ્વારા મસ્ત મજાની સ્વાદિષ્ટ સિંધી સાઇભાજી કેવી રીતે બનાવવામાં આવે છે.
સાઇભાજી બનાવવા માટેની સામગ્રી - (તમે તમારી જરૂરિયાત મુજબ સામગ્રી લઈ શકો છો. જેનો અંદાજ ખાવા વાળા વ્યક્તિઓની સંખ્યાથી લઈ શકાય છે.
બે જુડી પાલક. એક જુડી સુવા. 1/2 કપ ચણા દાળ. એક નંગ ડુંગળી. 2 થી 3 કળી લસણ. ટુકડો આદુ. 3 થી 4 નંગ ટામેટા. ત્રણથી ચાર નંગ લીલા મરચા. એક ટીસ્પૂન હળદર. એક ટીસ્પૂન લાલ મરચા પાવડર. એક ટીસ્પૂન ધાણા પાવડર. નમક સ્વાદ અનુસાર.
સાઇભાજીના વઘાર માટેની સામગ્રી-
તેલ બે ટી સ્પૂન. 8 થી 10 કળી સમારેલી લસણ.
સિંધી સ્ટાઇલ થી સાઇભાજી બનાવવાની પ્રક્રિયા-
જે દિવસે તમારી સાઇભાજી બનાવવાનો વિચાર હોય, તેનાથી એક દિવસ પહેલા રાત્રે સુતા પહેલા ચણાની દાળ પાણીમાં પલાડી રાખવાની હોય છે.
સાઇભાજી બનાવવા માટે સૌપ્રથમ કુકરમાં એક ટીસ્પૂન તેલ મૂકી તેમાં લસણની બે થી ત્રણ કળીઓ નાખવી.
ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખવી. ડુંગળી આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી તેને સાંતળવી.
પછી તેમાં પલાળેલી ચણાની દાળ અને કાપેલા પાલક અને સુવાની જોડી નાખવી અને ધીમી આંચ પર તેને પાંચ મિનિટ સુધી સાંતળવું.
પછી તેમાં કાપેલા ટામેટા , લીલા મરચા , હળદર નાખીને પાંચ મિનિટ સુધી ધીમા તાપમા ને સાંતળવું.
પાલકમાંથી પાણી છૂટું થાય પછી તેમાં બે થી ત્રણ કપ પાણી ઉમેરવું. ત્યારબાદ તેને કુકરમાં 5 થી 6 સીટીઓ સુધી બાફવા દેવું.
દાળ એકદમ બફાઈ જાય પછી જો તેમાં વધારાનું પાણી રહેલું હોય તો તેને તપેલા માં નિતારી દેવું ( જે આગળ ઉપયોગમાં લેવું ). ત્યારબાદ કુકરમાં જ ભાજીને ધીમે ધીમે અધકચરી મેષ કરવી.
ત્યારબાદ ધીમા તાપે ગેસ પર કુકર મુકીને જોઈતા પ્રમાણે તેમાં નીતારેલું પાણી એડ કરવું . જે જરૂરિયાત પ્રમાણે નાખવાનું રહે છે. ત્યારબાદ તેમાં નમક , લાલ મરચા પાવડર , ધાણા પાવડર નાખી હલાવી થોડીવાર તેને ચડવા દેવું.
બીજી બાજુ વઘાર માટે વઘારણીમાં તેલ લઈ તેને ગરમ કરી, તેમાં સમારેલી લસણ નાખવી . લસણ જ્યાં સુધી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને સાંતળવી . બ્રાઉન કલર થઈ ગયા બાદ તેમાં લાલ મરચા પાવડર ઉમેરી તરત જ તેનો વઘાર કરી દેવો.
આમ તૈયાર થઈ જશે તમારી સિંધી સ્ટાઇલથી બનેલી સાઇભાજી જેને તમે પોતાના પરિવાર સાથે મજા માણી શકો છો.
સિંધી સમુદાયના લોકો ખાસ કરીને દર મહિનાની બીજના દિવસે સાઈબાજી પોતાના ઘરે રાંધીને પરિવાર સાથે તેની મજા માણતા હોય છે.
ખાસ કરીને સિંધી સમુદાયના લોકો સાઇભાજી સાથે ભાત અને મીઠાભાત ખાતા હોય છે. જેને મુસ્લિમ સમુદાયના લોકો જરદા તરીકે પણ ઓળખે છે. એની સાથે સાઇભાજી ખાવાનો આનંદ કંઈક અનેરો જ હોય છે . જો તમારે પણ કોઇ સિંધી હશે તો તમે પણ આ મસ્ત સ્વાદિસ્ટ ભાજી ચાખી જ હશે. એક વખત ભાજી ખાધા પછી તમે તેને પોતાના ઘરે બનાવ્યા વગર રહી જ નઈ શકો. જો આ પદ્ધતિથી આ સાઇભાજી બનાવવામાં આવે તો તમે પણ મસ્ત મજાની સિંધી સ્ટાઇલ થી સાઇભાજી નો આનંદ માણી શકો છો.