Shivam Purohit, Panchmahal: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આગામી તા. ૨૦ એપ્રીલે દાહોદના ખરોડ ખાતે યોજાનારા કાર્યક્રમ સંદર્ભે રાજ્યના પોલીસ મહાનિદેશક આશીષ ભાટીયાએ આજે કાર્યક્રમ સ્થળના સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ સંદર્ભે યોજાયેલી બેઠકમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા ઉપસ્થિત રહ્યાં હતા. આ સહિત પંચમહાલ જિલ્લામાં ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા, જાંબુઘોડા, ઘોઘંબા, મોરવા હડફ તાલુકાઓમાં પણ પોલીસ સહિત તંત્રમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
રાજ્યના પોલીસ મહાનિદેશક આશીષ ભાટીયાએ કાર્યક્રમ સ્થળ સહિતની વ્યવસ્થાઓની સમીક્ષા કરી
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યના પોલીસ મહાનિદેશક આશીષ ભાટીયાએ કાર્યક્રમ સ્થળ, હેલીપેડ સ્થળની વ્યવસ્થા, પાર્કિગ સહિત ઉપસ્થિત રહેનાર જનમેદની સહિતની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. તેમણે પંચમહાલ રેન્જ આઇજી એમ.એસ. ભરાડા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાને જરૂરી સૂચનાઓ આપી હતી. એસપી મીણાએ કાર્યક્રમ સ્થળ તેમજ આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અંગેની માહિતી આપી હતી. તેમજ સભાખંડ, ટ્રાફિક, પાર્કિગ સહિતની વ્યવસ્થાઓ વિશે વિગતે માહીતી આપી હતી.
અધિકારીઓએ હેલીપેડ સહિતના સ્થળોની મુલાકાત લઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતીનું નિરીક્ષણ કર્યું
રાજ્યના પોલીસ મહાનિદેશક સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હેલીપેડ સહિતના સ્થળોની મુલાકાત લઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતીનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.બેઠકમાં અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) નરસિમ્હા કોમાર, આઇજી (સીઆઈડી ક્રાઇમ) સુભાષ ત્રિવેદી, એ.એસ.પી વિજયસિંહ તેમજ એ.એસ.પી સિદ્ધાર્થ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાનાં હોવાથી પીએમ પ્રોટોકોલ પ્રમાણે આસપાસનાં જિલ્લા તાલુકાઓમાં પણ પોલીસ તંત્ર તેમજ એડમીનીસ્ટ્રેશને કમર કસી છે. તેમજ પ્રધાનમંત્રીનાં આગમન થી દાહોદ જિલ્લા સહિત આસપાસના વિસ્તારોના રોડ રસ્તાનું સુધારકામ થઈ અન્ય દેખાઈ આવતી સુવીધાઓ થી સજ્જ થઈ ચૂક્યા છે.