Home /News /panchmahal /પાવાગઢમાં શ્રીફળ વધેરવાના મશીન શોભાના ગાંઠિયા સમાન! ભક્તો રસ્તામાં જ ફોડી રહ્યા છે નારિયેળ
પાવાગઢમાં શ્રીફળ વધેરવાના મશીન શોભાના ગાંઠિયા સમાન! ભક્તો રસ્તામાં જ ફોડી રહ્યા છે નારિયેળ
હવેથી પાવાગઢમાં છોલ્યા વગરનું જ શ્રીફળ લાવવાનું રહેશે અને તેને મશીમાં જ વધેરવાનું રહેશે
Pavagadh news: આજ સવારથી રાજ્ય અને રાજ્ય બહારથી આવતા ભક્તો આ નિર્ણયને માની ન રહ્યા હોય તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે. ભક્તો પહેલા જ્યાં શ્રીફળ વધેરતા હતા ત્યાં આજે પણ વધેરી રહ્યાં છે.
ગોધરા: આજથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થઇ રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ પાવાગઢ યાત્રાધામમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવી રહ્યા છે. પાવાગઢ મંદિરમાં સ્વચ્છતા રહે તે માટે બે દિવસ પહેલાં જ એટલે 20 માર્ચનાં રોજ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, હવેથી પાવાગઢમાં છોલ્યા વગરનું જ શ્રીફળ લાવવાનું રહેશે અને તેને મશીમાં જ વધેરવાનું રહેશે. પરંતુ આજ સવારથી રાજ્ય અને રાજ્ય બહારથી આવતા ભક્તો આ નિર્ણયને માની ન રહ્યા હોય તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે. ભક્તો પહેલા જ્યાં શ્રીફળ વધેરતા હતા ત્યાં આજે પણ વધેરી રહ્યાં છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, અહીં શ્રીફળ કેમ વધેરો છો તો જવાબમાં તેમણે સહજતાથી કહી દીધું હતુ કે, અમને આ નિર્ણય અંગે ખબર જ નથી. ત્યારે બીજી બાજુ શ્રીફળ વધેરવાની માચી ખાતે જ્યાં વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં સૂમસામ હતું.
'અમારી બાધા પુરી કરવા માટે આવ્યા છે'
આ અંગે જ્યારે અમારા સંવાદદાતાએ માઇભક્તોને પૂછ્યું કે, તમે ટ્રસ્ટનાં નિર્ણય બાદ પણ રસ્તામાં જ કેમ શ્રીફળ વધેરો છો? તો તેના જવાબમાં મોટાભાગનાં લોકોએ કહ્યું કે, અમને આ નિર્ણય અંગે કાંઇ ખબર જ નથી. તો કોઇએ કહ્યું કે, તંત્રએ સારી વ્યવસ્થા કરી છે. તેને પાળવી જોઇએ. તેનાથી અહીં રસ્તા પર સ્વચ્છતા જળવાશે. તો કોઇએ કહ્યું કે, અમારી બાધા અહીં આવીને માતાજીનાં દર્શન કરીને શ્રીફળ વધેરવાની હતી. તો અમે અમારી બાધા પુરી કરવા માટે આવ્યા છીએ. તો કોઇએ એવું પણ કહી દીધું કે, અહિં બધા નારિયેળ ફોડે છે તો અમે પણ ફોડી દીધું.
હવેથી પાવાગઢમાં છોલ્યા વગરનું જ શ્રીફળ લાવવાનું રહેશે અને તેને મશીમાં જ વધેરવાનું રહેશે
બે સેકન્ડમાં શ્રીફળ વધેરાઇને પ્રસાદી મળશે
પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણય બાદ ભક્તોની સુવિધા માટે માચીમાં એક મશીન મુકવામાં આવ્યું છે. જેમાં મશીનમાં શ્રીફળ મુકતાની સાથે માત્ર બે સેકન્ડમાં જ આખું શ્રીફળ વધેરાઇને પ્રસાદીરૂપે પાછું મળે છે. મંદિરમાં શ્રીફળ પોતે જ માતાજીને ધરાવીને જો ચૂંદડી ચઢાવી હોય તો એ પણ સાથે ઘરે લાવવાની રહેશે.
હવેથી પાવાગઢમાં છોલ્યા વગરનું જ શ્રીફળ લાવવાનું રહેશે અને તેને મશીમાં જ વધેરવાનું રહેશે
પાવાગઢ ડુંગર ઉપર મહાકાલી માતાજીને શ્રીફળ અર્પણ કરીને દર્શન કરનારા માઈભક્તો આ શ્રીફળ લઈને માંચી ખાતે આવ્યા બાદ માતાજી પ્રત્યેની અપાર આસ્થાની લાગણીઓ હૈયે રાખીને જાતે શ્રીફળ વધેરવાના બદલે મંદિર ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવેલા આ મશીનમાં શ્રીફળ મુકશે એટલે આ શ્રીફળ વધેરાઈ જશે. આ મશીનની વિષેશતા એવી છે કે, આમાં છોલેલું શ્રીફળ મુકી નહીં શકાય માત્ર છોલ્યા વગરનું જ નારિયેળ મુકી શકશો. આ આખી પરિસ્થિતિમાં તંત્રએ ભક્તોને શ્રીફળ પહેલાની જગ્યાએ ન વધેરવા માટે આજે રોક્યા નથી કે તેમના દ્વારા કોઇને અટકાવીને માહિતી પણ આપી નથી.
તો જોવાનું એ રહ્યું કે, નવરાત્રીનાં આગામી દિવસોમાં પણ પરિસ્થિતિ આવી જ રહેશે કે સુધરશે. મંદિર ટ્રસ્ટ પોતાના નિર્ણય પર અડલ રહેશે કે ભક્તોની આસ્થાની આડે નહીં આવે.