Prashant Samtani, panchmahal: ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિવિલ જજની પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતભરમાંથી કાયદાના સ્નાતક થયેલા યુવક યુવતીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો. પરીક્ષાના મુખ્યત્વે ત્રણ ચરણ હોય છે, જેમાં પ્રથમ પ્રિલિમ્સ પરીક્ષા,ત્યારબાદ મેન્સ અને અંતિમ ચરણમાં ઇન્ટરવ્યૂ હોય છે . ત્રણ ચરણ પાસ કરનાર વ્યક્તિ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની પદવી મેળવીને સિવિલ જજ બને છે. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા મુજબ ટ્રેનિંગ અને પોસ્ટિંગ આપવામાં આવતું હોય છે. આ સમગ્ર પરીક્ષાનું સંચાલન ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવતું હોય છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની દીકરી પંક્તિ સોનીએ પ્રથમ પ્રયાસ જ સિવિલ જજ બનીને ગોધરા શહેરને ગૌરવ અપાવ્યું છે. પંક્તિ સોનીના પિતા પ્રદિપ સોની અને માતા કેતકી સોની સામાન્ય પરિવારમાંથી આવે છે.
પિતા પ્રદિપ સોનીએ જણાવ્યું હતું કે , નાનપણથી જ મારી દીકરી ભણવામાં ખૂબ હોશિયાર હતી. જેથી અમને ખૂબ ગર્વ થતો હતો. મારી દીકરીએ શાળાકીય અભ્યાસ ગોધરાની જ શારદા મંદિર સ્કૂલ બામરોલી રોડ ખાતેથી કરેલ છે . સામાન્ય રીતે પંક્તિ શાળામાં દરેક ધોરણમાં પ્રથમ નંબરે જ આવતી હતી. ઉપરાંત નાનપણથી જ તેનું સ્વપ્ન હતું કે તે ગવર્મેન્ટ નોકરી કરશે અને પોતાના પરિવારનું નામ રોશન કરશે.
યુનિવર્સિટીમાં રેન્કર બન્યા હતાં
શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પંક્તિએ ગુજરાત યુનિવર્સિટીમાં બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (બીબીએ) માં પ્રવેશ લીધો. ત્યારબાદ ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી ખાતે એમબીએની પદવી હાંસિલ કરી. નોંધનીય બાબત છે કે ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી ખાતે પંક્તિ બીબીએ અને એમબીએમાં યુનિવર્સિટી રેન્કર બની, ગોધરા શહેરનું તેમજ પોતાના પરિવારનું નામ રોશન કર્યું હતું.
યુનિવર્સિટીમાં મોટાભાગે નિયમ હોય છે કે, જે વિધાર્થી યુનિવર્સિટી રેન્કર બનતા હોય તો તેમને યુનિવર્સિટી સો ટકા ફી પરત આપે છે . એ જ રીતે પંક્તિ યુનિવર્સિટી રેન્કર બનવાથી તેણે ભરેલી સો ટકા ફી પંક્તિને પરત મળી હતી. પંક્તિ થોડામાં માનવા વાળી દીકરી હતી જ નહીં, તેને કંઈક કરી ચૂકવાની ભાવના તેને આગળ અભ્યાસ માટે પ્રેરિત કરતી ગઈ.
એલએલબીમાં ગોલ્ડ મેડલ જિત્યો
એમબીએ ની પદવી મેળવ્યા પછી ,પંક્તિએ ફરીથી ગોધરા આવીને અભ્યાસ કરવાનું નક્કી કર્યું અને ગોધરા ખાતે આવેલી લો કોલેજમાં (એલએલબી) બેચલર ઓફ લોનો અભ્યાસ શરૂ કર્યો. આમ તો પંક્તિએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટરની પદવી મેળવી હતી અને ત્યારબાદ આખી ફિલ્ડ જ બદલીને જ્યારે કાયદાના વિષયમાં પગ મૂક્યો, ત્યારે બધાને ચોંકાવીને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે એલએલબીમાં ગોલ્ડ મેડલ સાથે પદવી હાંસલ કરી.
નાનપણથી જ પંક્તિને ભણાવવાનો અને ભણવાનો બંનેનો ખૂબ શોખ હતો. જેથી પંક્તિ એલએલબીના અભ્યાસની સાથે સાથે ગોધરા ખાતે આવેલી કોમર્સ કોલેજ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. આ ઉપરાંત અન્ય ઘણી એવી સંસ્થાઓ ખાતે વિદ્યાર્થીઓને ભણાવવા માટે પંક્તિને પ્રોફેસર તરીકેની ઓફરો પણ આવવા લાગી.
અંતે સપનું થયું સાકાર
એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પંક્તિ એ ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ સિવિલ જજની પરીક્ષામાં પ્રથમ પ્રયાસે જ પરીક્ષા આપીને પ્રથમ, દ્વિતીય અને અંતે ઇન્ટરવ્યૂમાં પાસ થઈને સિવિલ જજ તરીકેની પદવી મેળવી છે. ત્યારે સમગ્ર ગોધરા શહેર અને દેશની તમામ દીકરીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Exam, Gujarat hight court, Judge, Local 18, Panchmahal