Home /News /panchmahal /ઘોઘંબાના ખાનપાટલા ગામે અનોખો ચાડિયાનો મેળો, સંતાન મેળવવા ઇચ્છતા દંપતીઓ માટે ખાસ પરંપરા
ઘોઘંબાના ખાનપાટલા ગામે અનોખો ચાડિયાનો મેળો, સંતાન મેળવવા ઇચ્છતા દંપતીઓ માટે ખાસ પરંપરા
ખાનપાટલા ગામે યોજાતો પરંપરાગત ચાડિયાનો મેળો
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ખાનપાટલા ગામે ચાડિયાનો પરંપરાગત મેળો યોજાયો હતો. જેમાં ગામના સંતાનપ્રાપ્તિવાંચ્છુ દંપતીએ શ્રીફળ અને પાઘડી પૂજા-અર્ચના બાદ વૃક્ષ ઉપર બાંધ્યા હતા.
રાજેશ જોષી, ઘોઘંબાઃ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ખાનપાટલા ગામે ચાડિયાનો પરંપરાગત મેળો યોજાયો હતો. જેમાં ગામના સંતાનપ્રાપ્તિવાંચ્છુ દંપતીએ શ્રીફળ અને પાઘડી પૂજા-અર્ચના બાદ વૃક્ષ ઉપર બાંધ્યા હતા. જેને અન્ય ગામના સંતાનવાંચ્છુ યુવકે સફળતાપૂર્વક વૃક્ષ ઉપર ચડી નીચે ઉતારી પોતાની માનતા પૂરી કરી હતી. જો કે, આ દરમિયાન ગામની યુવતીઓ દ્વારા વૃક્ષ ઉપર શ્રીફળ લેવા ચઢેલા યુવકને શેરડીના સોટા વડે મીઠો માર મારવામાં આવ્યો હતો.
ચાડિયાના મેળામાં હોય છે અનોખી પરંપરા
પંચમહાલ જિલ્લામાં હોળી પર્વ બાદ પરંપરાગત મેળા યોજતા હોય છે. આ મેળાઓમાં મનોરંજન સાથે સાથે આસ્થાઓ પણ સંકળાયેલી છે અને જે વર્ષોથી આજે પણ અકબંધ જોવા મળી રહી છે. ઘોઘંબા તાલુકાના ખાનપાટલા ગામે હોળીના ચોથા દિવસે ચાડિયાનો મેળો યોજવામાં આવતો હોય છે. આ મેળો વર્ષોથી હોલિકાદહન સ્થળ ઉપર યોજાય છે અને ત્યાં એક ટીંબરવાનું ઊંચું વૃક્ષ આવેલું છે. આ વૃક્ષની પૂજા કરી ગામના એક યુવક દ્વારા પ્રથમ દોરડું બાંધવામાં આવે છે. ત્યારબાદ ગામના સંતાનપ્રાપ્તિવાંચ્છુ દંપતી દ્વારા અહીં પૂજા-અર્ચના કરવામાં આવે છે અને ગામના અગ્રણીઓ દ્વારા આ યુવકને પાઘડીમાં શ્રીફળ અને કંકુ ચોખા બાંધી આપવામાં આવે છે. જે લઈ યુવક ટીંબરવાના વૃક્ષ ઉપર ચઢી પાઘડી સહિત શ્રીફળ બાંધી નીચે ઉતરી પોતાની માનતા પૂરી કરે છે. જ્યારે અન્ય ગામનો યુવક પણ સંતાનપ્રાપ્તિની માનતા માટે ગામના યુવકે બાંધેલા શ્રીફળ અને પાઘડીને લેવા માટે ઉપર ચઢતો હોય છે. આ પ્રસંગે ખૂબ જ ઉત્તેજના સભર દ્રશ્યો જોવા મળતા હોય છે.
ચાડિયાના મેળામાં એક ખાસ પરંપરા છે કે, જે યુવક સંતાનપ્રાપ્તિની માનતા લેવા માટે વૃક્ષ ઉપર ચડતો હોય છે. તેને અહીંની કુંવારિકાઓ શેરડીના સોટા વડે ઉપર ચડતી વેળા અને નીચે ઉતરતી વેળા મીઠો માર મારતી હોય છે. અહીંની કુંવારીકાઓ પણ યુવક વૃક્ષ ઉપર ચઢે પૂર્વે સૈનિકની જેમ શેરડીના સોટા લઇ એકદમ સતર્ક જોવા મળતી હોય છે. આવી સ્થિતિ વચ્ચે પણ યુવક પણ સફળતાપૂર્વક વૃક્ષ પર ચઢવામાં સફળ થતો હોય છે. વૃક્ષ પરથી નીચે ઉતરતી વેળા યુવક-યુવતીઓના મીઠા મારમાંથી બચવા માટે છલાંગ પણ લગાવતા હોય છે. જો કે, તેમ છતાં પણ આ યુવક કુંવારીકાઓના મીઠા મારમાંથી બચી શકતો નથી.
ચાડિયાના મેળામાં એક સાથે બે સંતાનવાંચ્છુઓની માનતા પૂર્ણ થતી હોવાની પરંપરા છે અને જે ક્યારેય પણ નિષ્ફળ નહીં જતી હોવાનું અહીંના સ્થાનિકોનું માનવું છે. તેથી આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. આસપાસના ગામલોકો પણ અહીં માનતા રાખી શકે છે. જે યુવક માનતા સાથે શ્રીફળ અને પાઘડી લઈને વૃક્ષ ઉપરથી નીચે ઉતરે છે અને ત્યારબાદ ઢોલ અને પોતાના સાથીઓ સાથે હોળી દહન સ્થળની પાંચ વાર પ્રદક્ષિણા કરે છે. તેને અચૂક સંતાનપ્રાપ્તિ થાય છે.