પંચમહાલ: પંચમહાલમાં કાલોલના વેજલપુર ગામે વૃદ્ધા હત્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. પંચમહાલમાં કાલોલના વેજલપુર ગામે ઓધવજી ફળિયામાં હત્યાનો બનાવ બન્યો છે. વહેલી સવારે વૃદ્ધાની એકલતાનો લાભ લઇ અજાણ્યા શખ્સે લૂંટ ચલાવી હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. હત્યા બાદ લૂંટારું ફરાર થઇ ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને હત્યા કરનાર શખ્સ કેટલા હતા અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.
વૃદ્ધાની ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની આશંકા
આજે વહેલી સવારે કાલોલના વેજલપુર ગામે ઓધવજી ફળિયામાં હત્યાનો બનાવ બન્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, વૃદ્ધાની હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી હતી. લૂંટારુઓએ વૃદ્ધાની એકલતાનો લાભ લઇને ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓ લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસ્યા હતા, જ્યારે લૂંટ ચલાવી વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરાઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વહેલી સવારે બનેલી આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે લૂંટારુંઓનું પગેરું શોધવા તજવીજ હાથ ધરી છે. હત્યા કરનારા શખ્સો કેટલા હતા, કોણ હત્યા સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. સાથે જ ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે, એકલા રહેતા વૃદ્ધોને નિશાન બનાવતી ઘટનાઓ વધી રહી છે. લૂંટારુંઓ એકલા રહેતા લોકોને નિશાન બનાવી આવી રીતે લૂંટ ચલાવતાં હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.