Home /News /panchmahal /Panchmahal: અંગ્રેજોને હંફાવનાર કોણ છે શહીદ રૂપસિંહ નાયક? શું છે ઈતિહાસ

Panchmahal: અંગ્રેજોને હંફાવનાર કોણ છે શહીદ રૂપસિંહ નાયક? શું છે ઈતિહાસ

પંચમહાલના જાંબુઘોડાના રાજા શહીદ રૂપસિંહ નાયકની રસપ્રદ કહાની.

જાંબુઘોડાના રાજા રૂપસિંહ નાયકની યાદમાં પ્રધાનમંત્રી નરેંદ્રભાઈ મોદી દ્વારા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કાકરોલીયા ખાતેથી શહિદ રૂપસિંહ નાયક પ્રતિમા અને શાળાનુ ઈ-લોકાર્પણ કરવામાં આવશે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Panch Mahals, India
  Prashant Samtani, Panchmahal: ભવિષ્યમાં બાળકો રૂપસિંહ નાયકના બલિદાન વિશે માહિતગાર થાય તેમજ નાયકીરાજના પ્રણેતા અને જાંબુઘોડાના રાજા રૂપસિંહ નાયકની યાદમાં પ્રધાનમંત્રી નરેંદ્રભાઈ મોદી દ્વારા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કાકરોલીયા ખાતેથી શહિદ રૂપસિંહ નાયક પ્રતિમા અને શાળાનુ ઈ-લોકાર્પણ કરવામાં આવશે.

  આવો જાણીએ શહીદ રૂપસિંહ નાયકના ઇતિહાસ વિશે.

  પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના નાથપરી ગામે નાયકીરાજના પ્રણેતા રૂપસિંહ નાયકનો જન્મ વર્ષ 1815માં થયો હતો. તેમનું મૂળ વતન જાંબુઘોડા તાલુકાનું દાંડિયાપુરા ગામ હતું. સ્થાનિક લોકવાયકાઓમાં રૂપસિંહ નાયકને જાંબુઘોડા ના રાજા તરીકે રજૂ કરવામાં આવે છે. રૂપસિંહ નાયક સ્થાનિક ગિરાસદાર હતા. તેમની પાસે દાંડિયાપુરા ગામે મેડીબંધ ઘર અને સેંકડોની સંખ્યામાં ઘેટા-બકરા, ગાયો-ભેંસો અને ઊંટ-ઘોડા જેવા પશુઓ હતા.  રૂપસિંહ નાયકના પિતા ગોબર નાયકએ ગીરાસી ઝઘડામાં નારુકોટના જાગીરદાર જગતા બારીયાના પિતાનું ખૂન કરેલું હતું. તેના બદલા રૂપે છોટાઉદેપુરના રાજાએ તેના બે ભાઈઓ સાથે ભેગા મળી ગોબર નાયકનું ખૂન કર્યું હતું. આ જાગીરના વિવાદમાં નારુકોટના જાગીરદાર જગતસિંહ બારીયા સાથે રૂપસિંહ નાયક સંઘર્ષમાં આવ્યા હતા. તેનો પ્રારંભ વર્ષ 1838માં થયો હતો. તેઓ ગીરાસી હક અને વારસાગત વેરની તડપ પૂરી કરવા માંગતા હતા. નાયક આદિવાસીઓ અન્યાય અને વેરભાવ સહન કરી શકતા નથી માટે પરિણામોની ચિંતા કર્યા વગર રૂપસિંહ નાયકએ પણ વર્ષ 1838 થી નારુકોટ રાજ્ય અને તેની રખેવાળ એવી અંગ્રેજ સરકાર સામે જંગ શરૂ કર્યો હતો.  રૂપસિંહ નાયક એ નારુકોટમાં જગત બારીયા અંગ્રેજો અને ગાયકવાડનો આશ્રિત હોવા છતાં તેની સત્તા કદી સ્વીકારી ન હતી. વેરની તડપમાં તેમણે જાંબુઘોડા પંથકને હચમચાવી નાખ્યો હતો. નારુકોટનો જાગીરદાર પણ રૂપસિંહ નાયક અને તેમની સંગઠિત નાયક શક્તિની સામે લાચાર હતો તેમનાથી બચવા તેણે ગાયકવાડ અને અંગ્રેજ સરકારને તેની ઉપજનો અડધો ભાગ લખી આપ્યો હતો. જેમાં ગાયકવાડી શાસનને તો નારુકોટને નાયકોથી બચાવવામાં સરેઆમ નિષ્ફળતા મળી હતી.  વર્ષ 1838 ના વિદ્રોહ વખતે રૂપસિંહ નાયક કે નાયક પ્રજાને વિશેષ સફળતા હાથ લાગી ન હતી પરંતુ રૂપસિંહ નાયક ઝુંઝારું આદિવાસી નેતા હોવા ઉપરાંત મુત્સદી અને સમય પારખું હતા. તેમનું મનોબળ અને ઈચ્છાશક્તિ ઘણા મજબૂત હતા. વર્ષ 1838 પછી તેઓ અંદાજે બે દાયકા સુધી શાંત રહ્યા હતા. વર્ષ 1857માં અંગ્રેજો વિરુદ્ધ સંગ્રામ શરૂ થયો. જેમાં સમય પારખી રૂપસિંહ નાયકએ પણ ઝંપલાવ્યું. તાત્યા ટોપેના લશ્કર, સ્થાનિક મકરાણીઓ વગેરેનો સાથ મેળવી તેમણે અંદાજે વર્ષ સુધી હાલોલથી દેવગઢબારિયા સુધીના વિસ્તારોમાં તોફાન મચાવી દીધું. સ્થાનિક લશ્કર કે અંગ્રેજો પણ તેમના આંદોલનને નાથવા સક્ષમ ન હતા. વર્ષ ૧૮૫૭ ના સંગ્રામમાં રૂપસિંહ નાયકની સેનાએ સુબેદાર સહિત સાત માણસોને માર્યા હતા, કેપ્ટન હેવર્ડ સહિત 11 માણસોને ઘાયલ કર્યા હતા.  રૂપસિંહએ આ આરપારનો સંઘર્ષ 18 ઓક્ટોબર1858 થી 7 માર્ચ 1859 સુધી એટલે કે છ મહિના સુધી ચલાવ્યો હતો આ સમયે રૂપસિંહ સાથે અંદાજે 5000 જેટલા મરણીયાઓ ઝનૂનપૂર્વક લડતા હતા. તેઓ તીરકામઠા ઉપરાંત દેશી બંદૂકોથી સજજ હતા. તેમના ખોફનો ભોગ અંગ્રેજો ઉપરાંત જમીન જાગીરદારો અને સ્થાનિક શરાફો પણ બન્યા હતા. આ સમયે નાયકાઓનું જોર એટલું પ્રચંડ હતું કે સ્થાનિક રજવાડાઓ તો તેમનાથી થરથર કાપતા હતા જેને દબાવી દેવા બે યુરોપિયન અધિકારીઓ સહિત વડોદરા, દેવગઢબારિયા, છોટાઉદેપુર જેવા રાજ્યોની સેના બોલાવવામાં આવી હતી જેના પરથી રૂપસિંહ નાયકની તાકાત અને અંગ્રેજો તેમને કેટલી ગંભીરતાથી લેતા હતા તેના પરિચય મળે છે આખરે રૂપસિંહ નાયકના સંઘર્ષનો અંત કેપ્ટન રિચાર્ડ બોર્નરે આણ્યો હતો. રૂપસિંહ નાયક અને નાયક ક્રાંતિકારીઓને પંચમહાલ ભીલ સેનાની મદદથી પકડવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક બાબત એ હતી કે વર્ષ 1857માં અંગ્રેજોનો પરસેવો પાડી દેનાર રૂપસિંહ નાયકને અંગ્રેજ શાસને માફી બક્ષી હતી.

  રૂપસિંહ નાયકના વારસાગત હક્કો પચાવી પાડવામાં અને તેના પિતાના ખૂનના ગુનામાં નારૂકોટ ઉપરાંત છોટાઉદેપુર, દેવગઢ બારિયા જેવા સ્થાનિક રજવાડાઓ પણ સમાન રીતે દોષિત હતા. બ્રિટિશ સત્તા આદિવાસીઓ વિરુદ્ધ રજવાડા- જાગીરદારોરૂપી સામંત સાહી પરિબળોને પોશતી હતી. જે રૂપસિંહ નાયક માટે દેશી ઉપરાંત પરદેશી સામ્રાજ્યવાદીઓ સામે લડવાનું મહત્વપૂર્ણ કારણ બન્યું હતું. રૂપસિંહ નાયક વ્યક્તિગત અન્યાય ઉપરાંત નાયકા, બારીયાઓના હિતોનો પણ રખેવાળ હતો. સામંતશાહી અર્થતંત્રનો મજબૂત પાયો વેઠપ્રથા હતી. રૂપસિંહ આવા આર્થિક શોષણના વિરોધની આગેવાની લીધી હતી. જેથી નાયકા અને બારીયાઓની સંગઠિત તાકાત તેની સાથે હતી.

  નાયકી આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી ?

  ટૂંકમાં, સામાજિક અન્યાય અને આર્થિક શોષણ વિરુદ્ધ રૂપસિંહ નાયકના નેતૃત્વમાં નાયકો પોતાનું આંદોલન ચલાવી રહ્યા હતા જેનો પ્રારંભ વર્ષ1838 થી થયો હતો જેનો અંત વર્ષ1868માં નાયકોની શહીદી અને પાંચ નાયકોની ફાંસી સાથે આવ્યો.

  શહીદ રૂપસિંહ નાયકનું અવસાન!

  2 ફેબ્રુઆરી 1868થી 14ફેબ્રઆરી1868 વચ્ચેના 12 દિવસોમાં તેમણે અંગ્રેજ અને દેશી રજવાડાઓના લશ્કરો ઉપર હુમલાઓ કરી ત્રાહિમામ કર્યા એમની વિરુદ્ધ બ્રિટિશ સત્તાએ કરેલી લશ્કરી કાર્યવાહીમાં આદિવાસી અને બારીયા યુવાનો શહીદ થયા. અનેક નાયક આદિવાસીઓ સાથે રૂપસિંહ નાયકને પણ જીવતા પકડવામાં આવ્યા. વડેક ની લડાઈ પછી તેઓ નાસી છૂટ્યા હતા. તેઓની પકડાવાની કોઈ શક્યતા ન હતી પણ તેમના ભાઈ રાવલ ગોબરને તાજનો સાક્ષી બનાવી તેની મદદથી રૂપસિંહને જંગલમાંથી પકડવામાં આવ્યા હતા. તેમની ઉપર ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 121, કલમ 125મુજબ ખાસ અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો. બ્રિટિશ સત્તા સામે ત્રણ દાયકાઓથી હિંમતભેર લડી રહેલા રૂપસિંહ નાયક ને 16 એપ્રિલ 1868ના દિવસે ફાંસીની સજા ફટકારવામાં આવી. 16 એપ્રિલ 1868ના દિવસે પાંચ યોદ્ધાઓને ફાંસી આપવાથી તેમની યાદમાં દર વર્ષે ૧૬ એપ્રિલને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Freedom Fighters, King, Panchmahal

  विज्ञापन
  विज्ञापन