Home /News /panchmahal /પંચમહાલ : દૂધ મંડળીઓના સેક્રેટરીઓ દ્વારા 14 લાખ કરતાં વધારે રૂપિયાનો અંધેર વહીવટ
પંચમહાલ : દૂધ મંડળીઓના સેક્રેટરીઓ દ્વારા 14 લાખ કરતાં વધારે રૂપિયાનો અંધેર વહીવટ
દૂધ મંડળીઓ નાં રૂપિયા પોતાના અંગત કામ માટે વાપર્યા, કાલોલ
Panchmahal news - ગોધરા ખાતે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓના ઓડિટર દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં કાલોલ તાલુકાની ત્રણ દૂધ મંડળી અને ગોધરા તાલુકાની એક દૂધ મંડળી મળીને ચાર દૂધ મંડળીઓમાં ઉચાપત મામલે બે ફરિયાદો નોંધાવી
પંચમહાલ: કાલોલ તાલુકાના (Kalol)સુરેલી, પરુણા અને આથમણા ગામની દૂધ મંડળીઓના સેક્રેટરીઓ દ્વારા 10.47 લાખની ઉચાપત કરાઇ છે. જ્યારે ગોધરા (Godhra)તાલુકાના ભીમા દૂધ મંડળીમાં રૂ. ૪.૪૫ લાખની ઉચાપત થઇ છે. ચારેય વિરુદ્ધ વેજલપુર પોલીસ મથકે (Vejalpur police station)ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગોધરા ખાતે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓના ઓડિટર દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં કાલોલ તાલુકાની ત્રણ દૂધ મંડળી અને ગોધરા તાલુકાની એક દૂધ મંડળી મળીને ચાર દૂધ મંડળીઓમાં ઉચાપત મામલે બે ફરિયાદો નોંધાવી છે. જે ફરિયાદની વિગતો મુજબ કાલોલ તાલુકાના સુરેલી ગામની ધી સુરેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી કિરીટસિંહ છગનસિંહ પરમાર દ્વારા ૦૧/૦૪/૧૮ થી ૩૧/૦૩/૧૯ના સમયના ઓડીટ દરમ્યાનની રૂ. ૭,૬૪,૭૦૦. ૩૭ની રકમ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી હોવાની વિગતો બહાર આવી હતી જે ઉચાપત અંગે સેક્રેટરી દ્વારા પોતે દૂધ મંડળીની રકમ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી હોવાનું સ્વીકાર્યું હતું.
તદ્ઉપરાંત પરુણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી છત્રાભાઈ સામતભાઈ પરમાર દ્વારા તા. ૦૧/૦૪/૧૭ થી ૩૧/૦૩/૧૮ના સમયગાળા દરમિયાન રૂ.૧,૪૪,૩૪૬.૨૩ અને આથમણા ગામમાં ધી આથમણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રટરી ખુમાનસિંહ ઝેણસિંહ જાદવ દ્વારા તા ૦૧/૦૪/૧૮ થી ૩૧/૦૩/૧૯ સુધીના ઓડિટ સમય દરમ્યાન રૂ. ૧,૩૮,૨૩૬. ૯૬ની રકમ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી ઉચાપત કરી હોવાનું નોંધ્યું હતું. જ્યારે ગોધરા તાલુકાના ભીમા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના તારીખ ૦૧/૦૭/૧૮ થી ૩૦/૦૬/૧૯ના સમય દરમ્યાન મંડળીના સેક્રેટરી ગોપાલભાઈ અનોપસિંહ ચૌહાણ દ્વારા મંડળીની રૂ ૪,૪૫,૨૬૯.૬૧ની રકમ પોતાના અંગત વપરાશ માટે વાપરી નાખી સહકારી નાણાની ઉચાપત કર્યા હોવાનું તપાસમાં આવતા સેક્રેટરી ગોપાલભાઈ દ્વારા પોતાના નિવેદનમાં આ ઉચાપત કરી હોવાની કબુલાત કરી હતી.
આમ કાલોલ તાલુકાની ત્રણ દૂધ મંડળીઓમાં રૂ.૧૦. ૪૭ લાખની ઉચાપત અને ગોધરા તાલુકાના ભીમા દૂધ મંડળીમાં રૂ. ૪.૪૫ લાખની ઉચાપત મળીને કુલ રૂ.૧૪,૯૨,૫૫૩ની નાણાકીય ઉચાપત પ્રકાશમાં આવતા દૂધ મંડળીઓમાં ચકચાર મચી જવા પામી છે. આ ચારેય મંડળીઓની ઉચાપત સામે જિલ્લા સહકારી રજીસ્ટાર જે.એલ ચારેલ દ્વારા વિવિધ દૂધ મંડળીઓ માટે લાલબત્તી સમાન ઉચાપત કરનારા તમામ સેક્રેટરીઓ સામે ફરિયાદ નોંધાવવાના લેખિત પત્રથી હુકમ આપતા તે લેખિત પત્રના આધારે સેક્રેટરી તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી સહકારી નાણાની ઉચાપત કરવા બદલ વેજલપુર પોલીસ મથકે ચાર જેટલા સેક્રેટરીઓ સામે કુલ મળીને રૂ ૧૪,૯૨,૫૫૩.૧૭ ઉચાપત સામે ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે ઉચાપત મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.