Home /News /panchmahal /Godhra: સ્થાનિક લોકોએ જુગાર રમવા આવેલા લોકોને દબોચ્યા, ખેલીઓ પણ ફફડી ઉઠ્યા
Godhra: સ્થાનિક લોકોએ જુગાર રમવા આવેલા લોકોને દબોચ્યા, ખેલીઓ પણ ફફડી ઉઠ્યા
મોરવા હડફ પંથકમાં ડ્રોન કેમેરાના રાત્રિ દરમિયાનના આંટાફેરા અને બાળકો ઉઠાવી જવાની અફવાને લઈ સ્થાનિકો હાલ ખૂબ જ સતર્ક બન્યા છે.
વર્તમાન સંજોગોમાં સતર્ક રહેતાં સ્થાનિકોને આ અંગેની જાણ થતાં સૌ એકત્રિત થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોતાના ગામ અને ફળિયામાં બહાર ગામમાંથી ખેલીઓ જુગાર રમવા આવ્યા હોવાનું જાણી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો.
રાજેશ જોષી, પંચમહાલ: પંચમહાલ (Panchmahal)ના મોરવા (હ) ના રસુલપુર ગામમાં જુગાર (Gambling) રમવા આવેલા ખેલીઓને સ્થાનિકની સતર્કતાને પગલે જુગાર રમવા આવવું ભારે પડ્યું હતું. આક્રોશ સાથે એકત્રિત થયેલા સ્થાનિકોએ ખેલીઓની રીતસર હવા કાઢી નાંખી હતી અને આ દરમિયાન ખેલીઓએ પોતાની ભૂલ થઈ ગઈ હોવાનું જણાવી પોતે પ્રથમવાર આવ્યા હોવાની આજીજી કરી હતી. જે અંગેના કેટલાક વીડિયો પણ સોશિયલ મિડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જોકે સ્થાનિકોએ મોરવા પોલીસને જાણ કરતાં પોલીસે દોડી જઇ 11 આરોપીઓ સામે જુગારધારા અન્વયે ગુનો નોંધી 29,370 રૂપિયા રોકડા કબ્જે લઈ કાર્યવાહી કરી હતી.
ઉલ્લેખનીય છે કે મોરવા હડફ પંથકમાં ડ્રોન કેમેરાના રાત્રિ દરમિયાનના આંટાફેરા અને બાળકો ઉઠાવી જવાની અફવાને લઈ સ્થાનિકો હાલ ખૂબ જ સતર્ક બન્યા છે. જોકે જુગાર રમવા માટે કોના ઈશારે અને કેમ દૂર દૂરથી ખેલીઓ અહીં સુધી પહોંચ્યા જે અંગે અનેક તર્કવિતર્કો ચાલી રહ્યા છે.શ્રાવણ માસ હોય કે ગમે એ મહિનો જુગારીયાઓ પોતાની આદત મુજબ જુગાર રમવાની આદત મૂકી શકતા નથી અને તેઓ ગમે ત્યાં સ્થળ શોધી લેતાં હોય છે. એવું જ કંઈક કેટલાક જુગારીયાઓએ કર્યુ હતું અને 23 જુલાઈના રોજ મોડી સાંજે મોરવા હડફના રસુલપુર ગામના પટેલ ફળિયામાં જુગાર રમવા માટે પહોંચી ગયા હતા.
જોકે વર્તમાન સંજોગોમાં સતર્ક રહેતાં સ્થાનિકોને આ અંગેની જાણ થતાં સૌ એકત્રિત થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોતાના ગામ અને ફળિયામાં બહાર ગામમાંથી ખેલીઓ જુગાર રમવા આવ્યા હોવાનું જાણી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો. જેથી તેઓએ ઉપસ્થિત ખેલીઓનો રીતસર ઉધડો લીધો હતો તેમને કોણે બોલાવ્યા અને અહીં સુધી કેમ લાંબા થવું પડ્યું. જે અંગેના વેધક સવાલોનો મારો ચલાવ્યો હતો. જેથી પરિસ્થિતિ પારખી ગયેલા ખેલીઓ પારેવા જેમ ફફડી ઉઠ્યા હતા અને પોતાની ભૂલ થઈ હોવાનું જણાવી માફી માંગી રીતસર આજીજી કરી હતી.
જોકે પોલીસ પણ સમયસર પહોંચી ગઈ હતી, જેથી ખેલીઓ લોકટોળાના રોષનો ભોગ બને જેમાંથી ઉગરી ગયા હતા. મોરવા હડફ પોલીસ દ્વારા 11 ખેલીઓ પાસેથી દાવ ઉપર મુકેલા અને અંગજડતી દરમિયાન મળી આવેલા 29 હજાર રૂપિયા કબ્જે લઈ જુગારધારા જોગવાઈ મુજબ કાર્યવાહી કરી જામીન મુક્ત કરાયા હતા. જોકે ખેલીઓને પણ સમજ પડી ગઈ કે ગમે ત્યાં બેસી જુગાર રમવું ભારે પડી શકે છે.