શિવમ પુરોહિત, પંચમહાલ: આજે વર્ષ ૨૦૨૨ ની પ્રથમ પૂર્ણિમા છે. આજરોજ પોષ મહિનાની પુનમ ને પોષી પૂનમ પણ કહેવામાં આવે છે. આજરોજ માં અંબા નો પ્રાગટ્ય ઉત્સવ તેમજ શાકંભરી પુનમ તથા ભાઇ બહેન નાં પ્રેમ નું આગવું મહત્વ ધરાવતો દિવસ છે.
પંચમહાલ નાં વરીષ્ઠ પત્રકાર વિપુલ પુરોહિતે જણાવ્યું કે ભારતવર્ષની સંસ્કૃતિ માં વિવિધ ઉત્સવો તથા પરંપરાઓ છે તેમજ તેમાં પણ વિવિધ પૂર્ણિમાઓ પણ ઉજવાય છે અને તેમાં પણ પોષી પૂનમ જેમાં સામાન્ય રીતે જોઇએ તો આજે પોષ માસ ની આ પૂર્ણિમા એ માં જગદંબાનો પ્રાગટ્યોત્સવ છે , વિષ્ણુ પુરાણ મુજબ માં નો હ્રદય નો ભાગ ગબ્બર ઉપર પડ્યો હતો અને આ દિવસે પૂનમ હોવાથી તેને માં જગદંબાનો પ્રાગટ્યોત્સવ પણ મનાય છે.
સાથે સાથે ભાઈ બહેન નાં સ્નેહ નો સંબંધ પણ આ ઉત્સવ સાથે સંકળાયેલો છે , આ દિવસે બહેન ભાઇના આયુષ્ય વ્રૃદ્ધી માટે તેની સુખ સમૃદ્ધિ માટે વ્રત ઉપવાસ કરતી હોય છે. તેમજ તેમણે ઉમેર્યું કે આમ જોવા જઈએ તો આપણા ઉત્સવો છે તે વિવિધ સંબંધો માં ઉષ્મા ભરતાં હોય છે કારણકે જીવન એ સંબંધ આધારિત છે. સાથે સાથે જીવન માં વ્રત, જપ, નિયમો પણ આપતું હોય છે પરીણામે આપણું જીવન વિવિધ બંધનો સ્વિકારી જીવન નો વિકાસ કરે છે. આવી આપણાં રુષીઓ ની દિર્ઘ દ્રષ્ટિ ને લીધે ભારતવર્ષની સંસ્કૃતિ માં વિવિધ પરંપરાઓ તેમજ પૂર્ણિમા નાં ઉત્સવ આવતા હોય છે.
પોષી પૂનમ ગુજરાત માં એક અદકેરું મહત્વ ધરાવે છે, અને એ દિવસે પરીવાર ની દિકરી તેનાં વાહલા ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કરે છે, ભાઈ નાં જીવન ની સુખ, તંદુરસ્તી અને મંગલ જીવન ની પ્રાર્થના કરે છે. તેમજ સાંજે આકાશમાં ખીલેલા પૂર્ણ ચંદ્રમાં સામે વચમાં કાણું પાડેલાં બાજરી ની નાની ચાનકી કે નાનાં રોટલા માં થી ચંદ્ર માં ને આરપાર જોઈ " ચાંદા તારી ચાનકી, અગાશી એ રાંધી ખીચડી... ભાઈ ની બેન રમે કે અમે ? " એવું બાજુમાં ઉભેલા ભાઈ ને ૩ વખત પૂછે અને ભાઈ તેમ બોલે કે "જમે" પછી જ બહેન ફરાળ કરવા બેસે . આવી આપણી ગુજરાતી સંસ્કૃતિ છે...