Home /News /panchmahal /ભૂગર્ભ જળસ્તર નીચે જતા ખેડૂતો ચિંતિત, ચેકડેમ બનાવી પાણી પૂરુ પાડવામાં આવે તેવી માંગ
ભૂગર્ભ જળસ્તર નીચે જતા ખેડૂતો ચિંતિત, ચેકડેમ બનાવી પાણી પૂરુ પાડવામાં આવે તેવી માંગ
ખેડૂતો ચિંતિત
Ground Water Level In Panchmahal: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાંથી પસાર થતી ગોમા નદી ઉપર આવેલા ઘૂસર સહિતના ગામોમાં ભૂગર્ભ જળસ્તર નીચે જતા ખેડૂતો ચિંતિત બન્યા છે. અહીંથી પસાર થતી ગોમા નદીમાં ઘૂસર ગામ નજીકમાં કોઈ ચેકડેમ નહીં આવેલો હોવાથી ચોમાસાનું પાણી નિરર્થક વહી જતું હોય છે જેને અટકાવવા ચેકડેમ બનાવી સિંચાઈ માટે માઇનોર કેનાલ બનાવી સુવિધા પૂરી પાડવામાં આવે એવી ખેડૂતોમાં માંગ ઉઠી છે.
રાજેશ જોષી, પંચમહાલ: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાંથી પસાર થતી ગોમા નદી ઉપર આવેલા ઘૂસર સહિતના ગામોમાં ભૂગર્ભ જળસ્તર નીચે જતા ખેડૂતો ચિંતિત બન્યા છે. અહીંથી પસાર થતી ગોમા નદીમાં ઘૂસર ગામ નજીકમાં કોઈ ચેકડેમ નહીં આવેલો હોવાથી ચોમાસાનું પાણી નિરર્થક વહી જતું હોય છે જેને અટકાવવા ચેકડેમ બનાવી સિંચાઈ માટે માઇનોર કેનાલ બનાવી સુવિધા પૂરી પાડવામાં આવે એવી ખેડૂતોમાં માંગ ઉઠી છે. જો ચેકડેમ બનાવવામાં આવે તો અહીં કુવા અને બોર વેલના ભૂગર્ભ જળસ્તર પણ ઉંચા આવે એવો મત ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
ભૂગર્ભ જળસ્તર નીચે જતા પાકને નુકશાન
પંચમહાલ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ જોવા જઈએ તો હજી પણ જિલ્લાના કેટલા વિસ્તારો સિંચાઈ સુવિધા વિહોણા છે. જેને લઇ આજે પણ કેટલાક ગામોના ખેડૂતો માત્ર ચોમાસાની ખેતી ઉપર નિર્ભર છે. કેટલાક ગામોમાં આજે પણ બોર અને કૂવાના સહારે ચોમાસા સિવાયની ઋતુમાં સુવિધા ઉપલબ્ધ બનાવી ખેતી કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યાં પણ ઉનાળાના આખરી તબક્કામાં પાણીના સ્તર તળિયે જતા ખેડૂતોને તૈયાર થયેલો પાક બળી જવાની સ્થિતિનું નિર્માણ થતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આજ સમસ્યા અને સ્થિતિ કાલોલ તાલુકાના ગામના ખેડૂતોની જોવા મળી રહી છે.
ગુસર ગામમાંથી ગોમા નદી પસાર થઈ રહી છે જે ચોમાસામાં બે કાંઠે વહેતી જોવા મળતી હોય છે, પરંતુ આ વહેતો પાણીનો પ્રવાહ અહીં સંગ્રહ નહીં થતો હોવાથી આગળ વહી જાય છે. જેના કારણે અહીં ભૂગર્ભ જળ સ્તર સતત નીચે જઈ રહ્યું છે. જેથી ઉનાળા દરમિયાન કૂવાના તળિયા દેખાઈ જતા હોય છે. ત્યારે ગુસર નજીક ગોમા નદીમાં ચેક ડેમ બનાવવામાં આવે તો અહીંથી થતું રેતી ખનન અટકવા સાથે પાણીનો સંગ્રહ થાય અને ખેડૂતોને સિંચાઈ સુવિધા માટે ચેકડેમનો સંગ્રહિત પાણી ઉપયોગમાં આવી શકે એમ છે. જેથી સરકાર પાસે અહીંના ખેડૂતો ગોમા નદીમાં પોતાના ગામમાં ચેકડેમ બનાવે એવી માગણી કરવામાં આવી રહી છે.
કાલોલના ગુસર સહિતના આજુબાજુના ગામોમાં ખેડૂતો હવે પ્લોટની ખેતી એટલે કે ખાનગી કંપનીઓ દ્વારા હાઇબ્રીડ બિયારણ ખેડૂતોને પૂરું પાડવા સાથે જ ખેડૂતોના પાક ઉપજની ખરીદી પણ ખાનગી કંપની દ્વારા જ કરવામાં આવતી હોય છે. જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહેતા હોય છે જેથી અહીંના ખેડૂતો પણ પ્લોટનું બિયારણ ખરીદી કરી ખેતી કરતા હોય છે. અહીંના ખેડૂતોને રવિ સીઝન દરમિયાન સિંચાઈ પાણીની યોગ્ય સુવિધાના અભાવે ખેતી સારી રીતે પૂર્ણ થઈ શકતી નથી અને મહેનત તેમજ નાણાંનું યોગ્ય વળતર મળવાની જગ્યાએ ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.