Home /News /panchmahal /Panchmahal: હવે ઘર આંગણે બાયોગેસ પ્લાન્ટ નખાવી મોંધા ભાવના LPGથી મેળવો છુટકારો; આ રીતે કરો અરજી
Panchmahal: હવે ઘર આંગણે બાયોગેસ પ્લાન્ટ નખાવી મોંધા ભાવના LPGથી મેળવો છુટકારો; આ રીતે કરો અરજી
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની પેટા શાખા સ્વચ્છ ભારત મિશન ફેઝ 2 દ્વારા પંચમહાલ જિલ્લામાં 400 બાયોગેસ પ્લાન્ટ નવા નાખવાના ટાર્ગેટ સાથે આવેદનો મંગાવવામાં આવી રહ્યા છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની પેટા શાખા સ્વચ્છ ભારત મિશન ફેઝ 2 દ્વારા પંચમહાલ જિલ્લામાં 400 બાયોગેસ પ્લાન્ટ નવા નાખવાના ટાર્ગેટ સાથે આવેદનો મંગાવવામાં આવી રહ્યા છે.
Prashant Samtani, Panchmahal: દેશભરમાંથી ગંદકી દૂર થાય અને ગામે ગામમાં સ્વચ્છતા ફેલાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન શરૂ કરવામાં આવ્યો છે .જે અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ફેસ ટુ અત્યારે અમલમાં છે જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની પેટા શાખા સ્વચ્છ ભારત મિશન ફેઝ 2 દ્વારા પંચમહાલ જિલ્લામાં 400 બાયોગેસ પ્લાન્ટ નવા નાખવાના ટાર્ગેટ સાથે આવેદનો મંગાવવામાં આવી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા કોઈપણ વ્યક્તિ કે જેઓ બે કે તેથી વધુ પશુધન ધરાવે છે , તે પોતાના ઘરે બાયોગેસ પ્લાન્ટ નખાવીને એલપીજી ગેસના મોંઘા ભાવમાંથી છુટકારો મેળવી શકે છે.
આવો જાણીએ શું છે બાયોગેસ પ્લાન્ટ?
વર્તમાન સમયમાં ઘરગથ્થુ કામકાજ માટે એલપીજી ગેસનો ઉપયોગ કરવામાં આવે છે .જેની વર્તમાન કિંમત અંદાજિત 1050 રૂપિયા ચાલી રહી છે. દિવસેને દિવસે આ કિંમતમાં ઉછાળો આવતો રહે છે, જેની સીધી અસર ગ્રામીણ વિસ્તારમાં રહેતા સામાન્ય માણસના ખિસ્સા પર થતી હોય છે .મહિનો અથવા પંદર દિવસ ગેસની બોટલ ચાલે અને પછી ફરી બીજી બોટલ મંગાવી પડે છે.
આમ પરિવારની મોટાભાગની આવક ગેસ પાછળ જ વપરાઈ જાય .ઉપરાંત ગામડાઓમાં ઘણી જગ્યાએ તો હજી પણ બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. જેના લીધે પ્રદૂષણ પણ વધે છે અને લાકડા બળવાથી આંખની અને ફેફસાની ઘણી બીમારીઓ પણ થતી હોય છે. આ બધી સમસ્યાથી છુટકારો આપવા માટે બાયોગેસ પ્લાન્ટ જ એકમાત્ર વિકલ્પ છે.
ગ્રામીણ વિસ્તારમાં રહેતા કોઈપણ પરિવાર (જેની કોઈ આવક મર્યાદા અત્યાર સુધી નક્કી કરવામાં આવેલ નથી, દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે, પરંતુ તેની પાસે બે કે તેથી વધુ પશુ હોવા આવશ્યક છે) પોતાના ઘરની બહાર જો બાયોગેસ પ્લાન્ટ નખાવે ,તો તેના પશુના છાણમાંથી એલપીજી ગેસ નું નિર્માણ થાય છે .જે ગેસનો સીધો ઉપયોગ બળતણ તરીકે ખાવાનું બનાવવા માટે કરી શકાય છે .
પશુઓ દ્વારા કરવામાં આવતું છાણ સામાન્ય રીતે ગંદકી ફેલાવે છે ,પરંતુ જો રોજના બે તગારા બાયોગેસ પ્લાન્ટમાં નાખવામાં આવે તો ,તેમાંથી દિવસભરનું એલપીજી ગેસ મેળવી શકાય છે .આ ઉપરાંત તેમાંથી જે સ્લરી નીકળે છે, તેને ખેતરમાં ખાતર તરીકે પણ વાપરી શકાય છે અથવા તો તેને સ્લરી સેન્ટર ખાતે આપીને આવક પણ મેળવી શકાય છે .તેથી બાયોગેસ પ્લાન્ટ નખાવાથી એલપીજી ગેસનો ખર્ચ પણ બચે છે અને તે આવકનો એક સાધન પણ બને છે .આ ઉપરાંત પર્યાવરણ માટે પણ તે ખૂબ હિતાવહ છે.
બાયોગેસ પ્લાન્ટ નખાવા માટે આવેદન કેવી રીતે કરી શકાય?
પોતાના ઘરે બાયોગેસ પ્લાન્ટ નખાવા માટે પોતાના તાલુકાની તાલુકા ઓફિસ કચેરી ખાતે જઈ 5000 રૂપિયાની રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ જે તે બાયોગેસની એજન્સી ના નામે કરવાનો રહે છે. જે પછી એજન્સી દ્વારા બાયોગેસની સંપૂર્ણ કીટ મોકલવામાં આવે છે. કીટ આવી ગયા પછી, નરેગા યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટના ઇન્સ્ટોલેશન માટે જમીનમાં ખાડો કરવાનો રહે છે ,બાયોગેસ પ્લાન્ટ લેનાર વ્યક્તિ જો નરેગા નો સભ્ય હોય તો તેને અલગથી મજૂરી આપી ખાડો ખોદાવડાવવામાં આવે છે. ત્યારબાદ સ્વચ્છ ભારત મિશન ફેઝ2 જિલ્લાની ટીમ દ્વારા ખાડાનું નિરીક્ષણ નિરીક્ષણ કરવામાં આવે છે અને તેને જીઓ ટેક કરીને તેનો ફોટો લઈને મંજૂર કરવામાં આવે છે, ત્યારબાદ ગામમાં અથવા આજુબાજુના વિસ્તારમાં આશરે 25 જેટલા બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાના હોય ત્યારે એજન્સી ની ટીમ આવીને ઇન્સ્ટોલેશન ની પ્રક્રિયા સંપૂર્ણ કરે છે.
સ્વચ્છ ભારત મિશન ફેઝ 2 અંતર્ગત ગોધરા માટે 200 બાયોગેસ પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 139 લોકો એ પાંચ હજારની રકમ ભરીને બાયોગેસ પ્લાન્ટ લઈ લીધા છે તેમના ઇન્સ્ટોલનની પ્રક્રિયા ચાલુ છે અને બાકી આવેદનો હજી મંગાવવામાં આવી રહ્યા છે .આ ઉપરાંત ગોધરા સિવાય અન્ય તાલુકા હાલોલ, કાલોલ ,શહેરા , ઘોઘંબા માટે અન્ય બીજા 200 બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા થઈ રહી છે. બાયોગેસ પ્લાન્ટ ની કુલ કિંમત ₹42,500 રૂપિયા છે, જેમાંથી ₹37,500 ની સબસીડી આપવામાં આવે છે અને 5000 રૂપિયા બાયોગેસ પ્લાન્ટ નખાવનાર તરફથી સ્વભંડોળે ચુકવવાના રહે છે .જે ડિમાન્ડ ડ્રાફ્ટ ની મદદથી ચૂકવવાના હોય છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સ્વચ્છતા મિશન ફેઝ2 ના એલ. ડબલ્યુ .એમ કન્સલ્ટન્ટ વિવેક શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે" આશરે 200 જેટલા બાયોગેસ પ્લાન્ટ જો ઇન્સ્ટોલ થાય તો તે વિસ્તાર માટે સેન્ટર પણ ઊભું કરી શકાય છે. જેના થકી બાયોગેસ પ્લાન્ટ ધારકો પોતાના બાયોગેસ પ્લાન્ટ માંથી ઉત્પન્ન થતી સ્લરી સેન્ટર ખાતે જમા કરાવી સારી આવક પણ મેળવી શકે છે અને તે સ્લરી માંથી ખાતર બનાવીને તેનું વેચાણ પણ કરવામાં આવી શકે છે .જેથી વધુને વધુ લોકો બાયોગેસ પ્લાન્ટ તરફ વળે તે પર્યાવરણ માટે અને લોકો માટે હિતાવહ છે . આમ ગ્રામીણ વિસ્તાર નો કોઈપણ વ્યક્તિ પોતાના તાલુકા ની સ્વચ્છ ભારત મિશન ફેઝ2 કચેરી ખાતે જઈને બાયોગેસ પ્લાન્ટ માટે આવેદન કરી બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાવી શકે છે.