શિવમ પુરોહિત, પંચમહાલ: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા ખાતે આવેલું પોપટપુરા (Popatpura) ગામ જ્યાં ઉભા છે ગણેશ કોટ (Ganesh Kot) ગણપતિ મહારાજ, પોપટપુરા ખાતે આવેલા ગણપતિ મંદિરનું અનેક ઘણું મહત્વ છે. અહીં લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા ખુલ્લા પગે ચાલતા દુર દુરથી આવતા હોય છે. ગોધરા વડોદરા હાઈવે ઉપર આવેલું આ ગણપતિ મંદિર એક અનોખો ઇતિહાસ પણ ધરાવે છે. તેમજ પુનમ પછીની ગણેશ ચોથ (Ganesh Chauth) ના દિવસે અનેક ભક્તો ગણપતિ મંદિરે ઉમટી પડતા હોય છે. ગોધરા શહેરથી અંદાજે સાત કિલોમીટર દૂર આવેલા ગણપતિ મહારાજ નું શું મહત્વ છે તેમજ મંદિરમાં ઉભેલા ગણેશજીની ઉત્પતિ કેવી રીતે થઈ આવો જાણીએ.
ગણેશજી ના ભક્ત પ્રવીણ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું કે પોપટપુરા ખાતે આવેલા ગણેશ કોટ મંદિર ની કહાની સાત પેઢી જૂની છે. લગભગ 50 વર્ષ પહેલા આ મંદિરની સેવા ચંદ્રશેખર દેવેન્દ્ર ગીરી મહારાજ કરતા હતા તેમના પૂર્વજ લગભગ તેમની પહેલા ની છઠ્ઠી પેઢી માં તેમના દાદા જ્યારે આ સ્થળેથી પસાર થતા હતા ત્યારે તેમને રસ્તામાં ભૂખ લાગતાં તેઓ એક બીલીનું વૃક્ષ જોયું અને તેના ફાયદા નીચે બેસી જમવાનું નક્કી કર્યું હતું. પરંતુ જેવા તે બિલીના વૃક્ષ પાસે જાય છે ત્યાં તેમણે ગણેશજીનું મુખ જોવા મળ્યું હતું. બિલીના વૃક્ષ નીચે ગણપતિની પ્રતિમા જોઈને ચંદ્રશેખર દેવેન્દ્ર ગીરી મહારાજ ના પૂર્વજ કૃતકૃત્ય થયા અને ત્યાં જ મંદિરનું નિર્માણ કર્યું હતું.
તેમજ પ્રવીણભાઈ એ ઉમેર્યુ કે આ મૂર્તિની હજુ સુધી સ્થાપના કરવામાં આવી નથી તે વર્ષો પહેલા જે સ્થિતિમાં હતી તે જ સ્થિતિમાં આજે પણ જોવા મળે છે. સાથે સાથે પુનમ પછીની ચોથી ની ઉજવણી આ મંદિર ખાતે કરવામાં આવે છે તેમજ અનેક લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા તેમજ અધૂરા કામો લઈને જ્યારે પણ દાદા પાસે આવે છે ત્યારે દાદા ની પ્રતિમા ઉભી હોવાના કારણે એવી આસ્થા છે તે તેમના કામ ઝટ પુરા થઇ જાય છે.
તેમજ દર વર્ષે આવતી તમામ ચોથ ના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો ગણેશજી ના દર્શનાર્થે આવતા હોય છે પરંતુ હાલ કોરોના મહામારી ના કારણે આજરોજ ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે, તેમજ મંદિરના મેનેજમેન્ટ દ્વારા પણ પૂર્ણ guideline સંપૂર્ણ પાલન થાય તે રીતે ભક્તો માટે દાદાના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે.