પાટણ: હાલ કોરોના મહામારી (Corona pandemic) ચાલી રહી છે ત્યારે માસ્ક (Mask) પહેરવું અનિવાર્ય છે. માસ્ક ન પહેરવા પર 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. ગુજરાતમાં તંત્ર ઉપરાંત પોલીસને માસ્કનો દંડ ઊઘરાવવાની સત્તા આપવામાં આવી છે. આ દરમિયાન ઘણી વખત પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ સામે આવતા હોય છે. ક્યાંક કોઈ વખત તોડ પણ કરી લેવામાં આવ્યાના બનાવો બનતા રહે છે. તો અમુક કિસ્સામાં પોલીસ ડંડાવાળી કરતી હોય તેવા બનાવો પણ બનતા રહે છે. પાટણ જિલ્લા (Patan district)માં એક રેવન્યૂ તલાટી 'સિંઘમ' બનીને યુવકોને ફટકારી રહ્યા હોય તેવો બનાવ સામે આવ્યો છે. આ બનાવ બાદ ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તલાટીએ યુવકોને ફટકાર્યાં
હાલ એક વીડિયો ખૂબ વહેતો થયો છે. જેમાં શંખેશ્વર તાલુકાના કુંવર ગામ ખાતે એક તલાટી કેટલાક યુવકોને ડંડાથી ફટકારી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે તલાટી 'સિંઘમ' બનીને માસ્ક મામલે યુવકોને ડંડાથી ફટાકરે છે. જોકે, અહીં એ વાત પણ નોંધવી રહી કે તલાટીને કોઈને માર મારવાની સત્તા કોણે આપી? રેવન્યૂ તલાટીના આવા વર્તનથી ગામ લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે યુવકોએ માસ્ક પહેર્યું હોવા છતાં રેવન્યૂ તલાટીએ સિંઘમ બનીને યુવકોને ડંડાથી ફટકાર્યા હતા.
આ મામલે ગામના લોકો અને તલાટી દ્વારા અલગ અલગ બચાવ કરવામાં આવ્યો છે. ગામના લોકોનું કહેવું છે કે યુવકોએ માસ્ક પહેર્યું હતું. જ્યારે તલાટીનું કહેવું છે કે યુવકોએ માસ્ક પહેર્યું ન હતું. જોકે, અહીં એ વાત પણ નોંધવી રહી કે જો યુવકોએ માસ્ક ન પહેર્યું હોય તો તેમને દંડ ફટકારી શકાયો હોત. પરંતુ રેવન્યૂ તલાટીને યુવકોને માર મારવાની સત્તા કોણે આપી?
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3.66 લાખ કેસ નોંધાયા
દેશમાં કોરોના સંક્રમણ (Corona Pandemic)ની ઝડપ થોડી ઓછી ચોક્કસ થઈ છે પરંતુ એ કહેવું વહેલું ગણાશે કે કોરોનાની પીક ખતમ થઈ ગઈ છે. કોવિડ-19 (Covid-19)ના વધતા ગ્રાફની વચ્ચે છેલ્લા 24 કલાકમાં થોડા રાહતના સમાચાર આવ્યા છે. નવા દર્દીઓનો આંકડો 5 દિવસ બાદ 4 લાખની નીચે નોંધાયો છે. એક દિવસમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ 4 હજારથી નીચે નોંધાઈ છે.
10 મે સોમવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં દેશમાં 3,66,161 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3,754 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,26,62,575 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 17,01,76,603 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર