પાટણ: રાજ્યમાં ઠંડીએ પોતાના તેવર બતાવ્યા છે. ત્યારે લોકો ઠંડીથી બચવા માટે તાંપણાનો સહારો લેતા હોય છે. પરંતુ પાટણમાં તાપણું કરતા લોકો સાથે ગોઝારી ઘટના બની છે. પાટણમાં તાપણું કરતી વખતે ભીષણ આગ લાગી હતી જેમાં બે લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. હાલ તેમની સારવાર માટે મહેસાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાધનપુર નેશનલ હાઈવે પાસે આ ગોઝારી દુર્ઘટના બની છે. ઠંડીથી બચવા માટે તાપણામાં કોઇ પદાર્થ નાંખતા આગ વિકરાળ બની હતી. જેમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બંને ગાઝેલા વ્યક્તિઓને મહેસાણા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
નલિયામાં બે ડિગ્રી તાપમાન
ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક રાજકોટ, પોરબંદર, કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. સોમવારે ગુજરાતમાં સૌથી નીચું નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. આ ઉપરાંત ગાંધીનગરમાં 5.3 ડિગ્રી, કંડલામાં 5.5 ડિગ્રી, પોરબંદરમાં 6.2 ડિગ્રી, કેશોદમાં 6.7 ડિગ્રી, ડીસામાં 7 ડિગ્રી, રાજકોટમાં 7.3 ડિગ્રી, અમદાવાદમાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.