રાધનપુરમાં પક્ષપલટુંઓ ચૂંટણી જીતતા નથી એ પરંપરા જળવાઇ

News18 Gujarati
Updated: October 24, 2019, 4:16 PM IST
રાધનપુરમાં પક્ષપલટુંઓ ચૂંટણી જીતતા નથી એ પરંપરા જળવાઇ
લવીંગજી, ભાવસિંહ, અલ્પેશ

આ બેઠકનો વિધાનસભાનો ઇતિહાસ જરા રસપ્રદ છે, આ બેઠક પરથી ચૂંટણી લડતા પક્ષપલટુંઓ ચૂંટણી હારી જાય છે.

  • Share this:
મયુર માકડિયા, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીનો જંગ બરાબર જામ્યો હતો. આજે ચૂંટણી પરિણામો પણ આવી ગયા છે. જેમાં ભાજપે પોતાની ત્રણ બેઠકો જાળવી રાખી છે. ચૂંટણી પરિણામમાં રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરનો કારમો પરાજય થયો છે. પણ આ બેઠકનો વિધાનસભાનો ઇતિહાસ જરા રસપ્રદ છે. આ બેઠકનો ઇતિહાસ રહ્યો છે કે અહીંથી પક્ષ પલટુંઓ ચૂંટણી હારી જાય છે. આ પરંપરાને અલ્પેશ ઠાકોર પણ તોડી શક્યો ન હતો.

રાધનપુર બેઠક પર પક્ષ પલટુંઓને જાકારો

નવમી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં રાધનપુર બેઠક પર લવીંગજી ઠાકોરે અપક્ષ ઉમેદવર તરીકે જીત મેળવી વર્ષે 1995માં ગુજરાત વિધાનસભા પહોંચ્યા હતા. પરંતુ વર્ષે 1997માં લવીંગજી ઠાકોરે તત્કાલિન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા માટે બેઠક ખાલી કરી. આ બેઠક પર પેટા ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા સામે ભાજપે 27 વર્ષેના યુવા નેતા શંકર ચૌધરીને મેદાને ઉતાર્યા હતા. પરંતુ આ ચૂંટણીમાં શંકર ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : થરાદમાં કમળ પર 'ગુલાબ' ભારે પડ્યું, કૉંગ્રેસના ઉમેદવાર 6390 મતે જીત્યા

વર્ષે 1998 માં રાજ્યમાં દસમી વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવી તેમાં ભાજપ તરફથી ફરી વખત શંકર ચૌધરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા. તેમની સામે રાજપામાંથી લવીંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી. પરંતુ રાજકીય પક્ષ સાથે જોડાવાની સાથે જ લવીંગજી ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો.

2002ની 11મી વિધાનસભા ચૂંટણીમાં આ બેઠકમાં પર લવીંગજી ઠાકોરે કૉંગ્રેસમાંથી રાધનપુર બેઠક પર ચૂંટણી લડ્યા. પરંતુ જનતાએ પક્ષપલટુંને નકાર્યા અને ફરીથી ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી સામે તેમની હાર થઇ.આ જ રીતે વર્ષે 2007ની બારમી વિધાનસભામાં ચૂંટણીમાં ફરીથી કૉંગ્રેસના ઉમેદવર રઘુ દેસાઈ સામે રાધનપુરની જનતાએ શંકર ચૌધરીને ફરીથી ચૂંટ્યા.

આ પણ વાંચો : બાયડ પેટા ચૂંટણી : રસાકસી બાદ પક્ષપલટું ધવલસિંહ ઝાલાને મતદારોનો જાકારો

વર્ષે 2012 ની તેરમી વિધાનસભામાં શંકર ચૌધરી રાધનપુર બેઠકના બદલે વાવ બેઠક પરથી ચૂંટણી લડ્યા. ભાજપે શંકર ચૌધરીના સ્થાને રાધનપુર બેઠક પર નાગરજી ઠાકોરને ટિકિટ આપી. સામે પક્ષે કૉંગ્રેસે ભાજપ છોડી કૉંગ્રેસમાં આવેલા પક્ષ પલટું ભાવસિંહ રાઠોડને ઉતાર્યા અને ભાવસિંહ રાઠોડને હારનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો : અલ્પેશ ઠાકોરની મહત્વકાંક્ષા 'અલ્પ'જીવી નીવડી, કારમો પરાજય

આ જ રીતે, વર્ષે 2017 ની 14મી વિધાસભામાં ચૂંટણીમાં રાધનપુર બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સામે ભાજપે કૉંગ્રેસ છોડી ભાજપમાં આવેલા લવીંગજી ઠાકોર મેદાને ઉતર્યા. પણ આ વખતે પણ પક્ષ પલટું લવીંગજી ઠાકોરને જનતાએ જાકારો આપ્યો અને કૉંગ્રેસના અલ્પેશ ઠાકોરની જીત થઇ.

શંકરસિંહ વાઘેલાએ એક વખત રાધનપુર બેઠક પર ચૂંટણી લડી અને બેઠક બદલી. જયારે લવીંગજી ઠાકોર અને ભાવસિંહ રાઠોડ જેવા ઠાકોર સમાજના જ દિગ્ગજ નેતાઓને પણ પક્ષ પલટો કરતા હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : ગુજરાત પેટાચૂંટણી પરિણામ: ભાજપ કૉંગ્રેસે 3-3 બેઠક કબજે કરી,અલ્પેશ-ધવલસિંહ હાર્યા
First published: October 24, 2019
વધુ વાંચો
अगली ख़बर