Home /News /north-gujarat /

ભાનુભાઈનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર, સરકાર સામે મૂકી 7 માગણી

ભાનુભાઈનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર, સરકાર સામે મૂકી 7 માગણી

  પાટણ કલેક્ટર કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ કરનાર દલિત વૃદ્ધ ભાનુભાઈ વણકરનું શુક્રવારે  મોડી રાતે મૃત્યુ થયું છે. આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેમનું પેનલ ડોક્ટર અને વીડિયોગ્રાફીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દલિતોએ અહીં પણ સિવિલ હોસ્પિટલનો ઘેરાવ કર્યો હતો. આ દરમિયાન પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. બીજી તરફ ગુજરાત દલિત સમાજ અને પરિવાર દ્વારા વિવિધ માંગણીએ મૂકવામાં આવી છે.

  સાત માગણીઃ

  1. પાટણ જિલ્લા કલેકટર, પોલીસ વડા, સેક્રેટરી, મહેસુલ, ગાંધીનગર તમામની સામે આઈ.પી.સી. ની કલમ 306, એટ્રોસીટી એકટની કલમ 3(2)5, 4 મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરી હોદ્દા પરથી સસ્પેન્ડ કરો અને ધરપકડ કરો.

  2. ગુજરાતની તમામ પડતર અને ફાજલ જાહેર થયેલ જમીન અનુસૂચિત જાતિના લોકોને તાત્કાલિક ફાળવો.

  3. ગુજરાતમાં છેલ્લાં 40 વર્ષમાં સરકારે અનુસૂચિત જાતિના લોકોને ફાળવેલ જમીન જે કાગળ પર છે અને કબજા સોંપવામાં આવેલ નથી તેવી જમીનોના કબજા તાત્કાલિક સોંપવા. તેમજ સરકારે શરત ભંગ કરી ખાલસા કરલે તમામ જમીનો રી- ગ્રાન્ટ કરવી.

  4. ભાનુભાઈ વણકર દ્રારા કરવામાં આવેલ તમામ માંગણી સ્વીકારવામાં આવે.

  5.ગુજરાત સરકાર ભાનુભાઈના કુટુંબને 1 કરોડ રૂપિયાની સહાય જાહેર કરો અને તેમનાં કુટુંબમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપો.

  6. ગુજરાત સરકારને અને જીલ્લા તેમજ તાલુકા સ્તરે છેલ્લા ૧૦ વર્ષમા અનુસૂચિત જાતિના લોકો દ્રારા કરવામાં આવેલ રજુઆત અને તેં પ્રશ્નોમાં કરવામાં આવેલ કામગીરી બાબતે હાઈ કોર્ટના જજ દ્રારા તપાસ કરવા માટે તપાસ પંચ નીમવામાં આવે તેમજ સીટ ની રચના કરી તમામ અરજીઓમા તપાસ કરી જવાબદારી નક્કી કરવામાં આવે, જેની બેજવાબદારી નક્કી થાય તેની સામે પગલાં લેવામાં આવે.

  7. પાટણ કલેકટર કચેરીમાં ભાનુભાઈનું પૂતળું મુકવામાં આવે અને સ્મારક બનાવવામાં આવે.

  મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર

  સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતક ભાનુભાઈના મોટાભાઈએ નિવેદન આપતા કહ્યું હતું કે, જ્યાં સુધી તેમની માગણીઓનો સ્વીકાર નહીં કરવામાં આવે ત્યાં સુધી પરિવાર મૃતદેહનો સ્વીકાર નહીં કરે. પરિવારે માગણી કરી છે કે મૃતક ભાનુભાઈની જમીન માટેની માગણી પૂરી કરવામાં આવે. તેમજ દરેક લાભાર્થીને તાત્કાલિક જમીનની ફાળવણી કરવામાં આવે. મૃતક ભાનુભાઈની પત્નીની યોગ્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે. એટલું જ નહીં પાટણ અને ઊંઝામાં ભાનુભાઈનું સ્મારક બનાવવાની માંગણી પણ કરવામાં આવી છે.

  ઊંઝા બંધનું એલાન

  શુક્રવારે પાટણ બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને આજે પણ શનિવારે ઊંઝા બંધનું એલાન કરવામાં આવ્યું છે. ગઈકાલે શહેરમાં ઠેર ઠેર દલિત લોકો માર્કેટ બંધ કરવા ઉતરી આવ્યા હતા. તો અમુક જગ્યાએ ટાયરો સળગાવ્યાના પણ અહેવાલ મળી રહ્યા હતા. આજે ઊંઝા બંધ કરાવવા માટે દલિતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. એટલું જ નહીં દલિતોએ ઊંઝા ખાતે નેશનલ હાઈવે પર ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો. ચક્કાજામને પગલે ઊંઝા તરફ જતી એસટી બસોના રૂટને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા હતા. જેના પગલે મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.  લોકો રસ્તા પર ઉતરી આવ્યા

  ખુલ્લી દુકાનોને બંધ કરાવવા લોકો રસ્તા પર આવી ગયા હતાં. ઊંઝા ખાતે નેશનલ હાઈવે પાસે ચક્કાજામ કરવા કાર્યકરોનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. મહેસાણા-પાલનપુર હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. કેટલાક કાર્યકરોએ બસના કાંચ તોડીને ભારે સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કર્યો હતો.

  સીએમનું નિવેદન

  પાટણ આત્મવિલોપન મામલે CM વિજય રૂપાણીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે જવાબદાર તમામ અધિકારીઓ સામે પગલાં લેવાશે. ઘટનાની સમગ્ર તપાસની જવાબદારી ચીફ સેક્રેટરીને સોંપવામાં આવી છે. ભોગ બનનારના પરિવારજનોને સરકાર સાંભળશે.  તેમને જનતાને અપીલ કરી છે કે તેઓ હિંસાના માર્ગે ન જાય.

  આ મામલે દલિતોને એક થવાની હાંકલ કરનાર વડગામના ધારાસભ્ય તેમજ દલિત નેતા જિગ્નેશ મેવાણી પણ આજે બંધને પગલે પાટણ પહોંચ્યા હતા. તેમણે પાટણ જિલ્લા કલેક્ટરને મળીને તેમને પીઆઈને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. તો બીજી તરફ પાટણ આત્મવિલોપન કેસમાં PASSએ પણ ઝંપલાવ્યું છે. આ મામલે પાસના કન્વિનર અતુલ પટેલ અને નરેન્દ્ર પટેલે મેવાણી સાથે જોડાયા છે. ગૃહવિભાગે પણ આ મામલે મુખ્યમંત્રી કાર્યાલયને પોતાનો પ્રાથમિક રિપોર્ટ સોંપી દીધો છે.  સીએમઓને સોંપાયો હતો રિપોર્ટ

  પાટણ આત્મવિલોપનને લઈને ગૃહ વિભાગ સક્રિય થયું છે. સીએમ રૂપાણીના આદેશ બાદ ગૃહવિભાગે પોતાનો પ્રાથમિક રિપોર્ટ સીએમઓને સોંપ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પીડિત પરિવાર અને ભાનુભાઈ વણકરનો ફોન છેલ્લા ત્રણ દિવસથી બંધ હતો. આ અંગે પોલીસ છેલ્લા ત્રણ દિવસથી પરિવારની શોધખોળ કરી રહી હતી, પરંતુ તેઓ મળ્યા ન હતા. પાટણ પોલીસ કચેરી ખાતે ત્રણ પૈકી બે લોકોની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે ભાનુભાઈ વણકર જિલ્લા પંચાયતના પાછળના ભાગમાંથી સળગતી હાલતમાં કલેક્ટર કચેરીમાં પ્રવેશ્યા હતા. જાતને આગ ચાંપી લેનાર ભાનુભાઈને જમીન સાથે કોઈ લેવા-દેવા નથી. ભાનુભાઈ ફરિયાદ કરનારને મદદ કરી રહ્યા હતા. પાટણ પોલીસે ગૃહવિભાગને આપેલી માહિતીની પગલે આ રિપોર્ટ તૈયાર કરીને સીએમઓને મોકલવામાં આવ્યો છે.

  પીએમઓએ લીધી નોંધ

  પાટણના બનાવની નોંધ વડાપ્રધાન કાર્યકાલયે પણ લીધી છે. આ અંગે સરકારે શું પગલા લીધા તે અંગેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને મોકલવામાં આવશે. ઉપરાંત રાજ્ય સરકારે આઈબીને અલગથી એક તપાસ રિપોર્ટ તૈયાર કરવાનું પણ કહ્યું છે.

  સારવારનો તમામ ખર્ચ સરકાર ભોગવશેઃ રૂપાણી

  બીજી તરફ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા સીએમ વિજય રૂપાણીએ કહ્યું છે કે, 'પાટણમાં જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે. દલિત વૃદ્ધની સારવાર માટે જે પણ ખર્ચ થશે તે સરકાર દ્વારા ભોગવવામાં આવશે. ઘટનામાં દોષિત હશે તેની સામે પગલા ભરવામાં આવશે. સરકાર આ મુદ્દે ખૂબ જ ગંભીર છે. આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવાની કોઈ જરૂર નથી. આ મામલે તપાસની જવાબદારી ચીફ સેક્રેટરીને સોંપવામાં આવી છે.'

  ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડીઃ કોંગ્રેસ

  પાટણની ઘટના બાબતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા કહ્યું હતું કે, 'ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી ગઈ છે. પાટણમાં જે ઘટના બની છે કે ખૂબ જ કમનસિબ છે. રાજ્યમાં દલિત અને પછાત વર્ગના લોકો સામે જુલમ વધતો જઈ રહ્યો છે. આ બનાવ બનવા પાછળ રાજ્યસરકાર જવાબદાર છે, તેમણે માફી માંગવી જોઈએ. ઉપરાંત સરકારે જવાબદારી અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ.'
  Published by:Kaushal Pancholi
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन