Home /News /north-gujarat /

આત્મવિલોપનની આગઃ પાટણની ઘટનાથી રૂપાણી નારાજ, માંગ્યો રિપોર્ટ

આત્મવિલોપનની આગઃ પાટણની ઘટનાથી રૂપાણી નારાજ, માંગ્યો રિપોર્ટ

તસવીર વિચલિત કરી શકે છે

પાટણમાં અગમચેતીના ભાગરૂપે પાટણમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

  પાટણની ઘટનાને લઈને સીએમ વિજય રૂપાણી નારાજ થયા છે. 19મી ફેબ્રુઆરીથી જ્યારે વિધાનસભાનું સત્ર મળી રહ્યું ત્યારે પાટણની ઘટનાએ સરકારની ટેન્શન વધાર્યું છે. મળતી માહિતી પ્રમાણે સીએમ રૂપાણીએ અધિકારીઓ અંગે પાટણની ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. તેમજ તેઓ પાટણની ઘટનાને લઈને સમીક્ષા પણ કરશે. રૂપાણી ઘટના અંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી અને ગૃહ વિભાગ સાથે સમીક્ષા બેઠક કરશે. તેમજ રૂપાણીએ આ ઘટનાને લઈને કોણ જવાબદાર છે તે અંગે રિપોર્ટ કરવાની પણ સૂચના આપી છે.

  પાટણ બંધનું એલાન

  ગુરુવારે પાટણની કલેક્ટર કચેરી ખાતે એક વૃદ્ધે જમીન નિયમિત કરવા બાબતે પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાને પગલે આજે (શુક્રવારે) પાટણ શહેર બંધની જાહેરાત કરવામાં આવી છે. મળી રહેલી માહિતી પ્રમાણે બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. અગમચેતીના ભાગરૂપે પાટણમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ પોતાની જાતને આગ ચાંપી લેનાર દલિત વૃદ્ધની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.

  સમાધાન માટે બેઠક

  આ અંગે સમાધાન માટે રાત્રે બેઠક મળી હતી જેમાં પરિવાર અને સ્થાનિકો દ્વારા વિવિધ માંગણી મૂકવામાં આવી હતી. જેનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. આમા મુખ્ય માંગણીઓ આ પ્રમાણે હતી.

  1) પોલીસની ભૂમિકાને લઈને ફરિયાદ નોંધવામાં આવે.
  2) પરિવારે જે જમીનની માંગણી કરી હતી તે સરકાર તેમને નિયમિત કરી આપે.
  3) પાટણ જિલ્લામાં દલિત જ નહીં જે પણ ગરીબ લોકોએ આવી રીતે જમીન નિયમિત માટે રજુઆત કરી છે તેમને જમીન મળવી જોઈએ.
  4) પીડિત પરિવારના સારવારનો ખર્ચ સરકાર ઉપાડે અને સહાય પણ આપે.

  વૃદ્ધની ચાલી રહી છે સારવાર

  પાટણમાં જાતને આગ લગાડી લેનાર વૃદ્ધની હાલમાં ગાંધીનગરની એપોલો હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે વૃદ્ધના શરીરનો 95 ટકા ભાગ બળી ગયો છે. હોસ્પિટલ ખાતે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

  આપી હતી આત્મવિલોપનની ચીમકી

  પાટણના સમી તાલુકાના દદુઆ ગામના ભાનુભાઈ વણકરે પોતે ભોગવટો કરી રહ્યા છે તે જમીને પોતાના નામે કરવા માટે સાત દિવસ પહેલા જ મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત લોકોને રજુઆત કરી હતી. ભાનુભાઈ વણકર પોતે નિવૃત્ત તલાટી છે. રજુઆતની સાથે સાથે તેમણે એવી ચીમકી પણ આપી હતી કે જો તેમને માંગણીનો સ્વીકાર નહીં કરવામાં આવે તો તેઓ આત્મવિલોપન કરશે. તેમની ચીમકીને પગલે પોલીસે પાટણ કલેક્ટર કચેરી ખાતે વિવિધ ટુકડી તૈયાર રાખી હતી.

  હિતુ અને નરેશ કનોડીઆએ ભાગવું પડ્યું

  પાટણના દલિત વૃદ્ધના આત્મવિલોપનના પ્રયાસનો મામલો રાજકીય રંગ પકડી રહ્યો છે. ગુરુવારે આત્મદાહ કરનાર ભાનુપ્રસાદને મળવા માટે ધારાસભ્ય હિતુ કનોડિયા હોસ્પિટલ પહોંચ્યો હતો. તેમની સાતે તેમના પિતા નરેશ કનોડિયા પણ હાજર રહ્યાં હતાં. જોકે, બંનેના વિરોધમાં નારાઓ લાગતા બંનેએ હોસ્પિટલ ખાતેથી ભાગી જવું પડ્યું હતું.

  વિજય રૂપાણીએ તાત્કાલિક રાજીનામુ આપવું જોઈએઃ મેવાણી

  પાટણના બનાવ અંગે દલિત નેતા તેમજ ધારાસભ્ય જિગ્નેસ મેવાણીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, 'તંત્રની બેદરકારીના કારણે ઊંઝા તાલુકાના સંનિષ્ઠ આંબેડકરવાદી ભાનુભાઈ વણકરે જમીનના એક ટુકડા માટે આજે પાટણ કલેક્ટર ઓફિસમાં કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. હાલ તેમના જીવનું પૂરેપૂરું જોખમ રહેલું છે. આ વીડિઓ સમગ્ર ગુજરાતમાં અને દેશમાં વાયરલ કરો. એક ગરીબ માણસ આ વ્યવસ્થામાં કેટલી હદે ગૂંગળામણ અનુભવતો હોય છે તેનો આ વરવો દાખલો છે. ભાનુભાઇ એ આ પગલું ભરવું પડ્યું તે રુપાણી સરકાર માટે કલંકરૂપ છે. તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. સમગ્ર ગુજરાતના દલિતો આ મુદ્દે રોડ ઉપર ઉતરી આવે અને ઉનાકાંડ જેવા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી સખત જરુર છે. મારી પણ સમગ્ર ગુજરાતની જનતાને આવી અપીલ છે. પાટણ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને સસ્પેન્ડ કરી દેવા જોઈએ જેમને અગાઉ જાણ હોવા છતાં ભાનુભાઈને રોકી શક્યા નહીં.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Dalit family, Patan Case, Self immolation

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन