અશરફ ખાન, પાટણ : રાજ્યમાં કોરોનાવાયરસના કારણે લોકડાઉન અપાયા બાદ રોડ અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ જેમ જેમ છૂટ છાટ મળતી ગઈ તેમ રોડ અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. વાહન ચાલકની એક નજીવી ભૂલથી કમોતે મોતનો ભેટો થઈ જાય છે. ત્યારે પાટણ જિલ્લામાં આજે એક એવી રોડ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ચાલતી ગાડીમાં અચાનક આગ લાગી ગઈ અને ચાર સાથે કાર ચાલકનું પણ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ પાસે એક કાર અચાનક ભડભડ સળગવા લાગી હતી, આગ એટલી ઝડપથી વિકરાળ બની ગઈ કે, કાર ચાલક કઈં સમજે તે પહેલા તે પણ આગની લપેટમાં આવી ગયો અને કારની અંદર જ કાર ચાલક આગમાં ભડથુ થઇ જતા, દર્દનાક મોત નિપજ્યું હતું.
કારમાં આગ લાગેલી જોઈ સ્થાનિક વાહન ચાલકો તુરંત થંભી ગયા હતા, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે, તેની પાસે પણ જવું જોખમી હતું, સ્થાનિકોએ તુરંત પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી દીધી હતી. લોકોની નજર સામે જ કારમાં ચાલક ભડભડ સળગવા લાગ્યો અને થોડી જ ક્ષણમાં કાર સાથે ભડથુ થઈ ગયા હતા.
ઘટનાની જાણ સમી પોલીસને કરાતા સમી પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી, અને ગાડીમાં લાગેલી આગને અગ્નિશામક યંત્રથી ઓલવી ગાડીમાં ભસ્મીભૂત બનેલા રણજીતસિંહ સિંઘવની લાશનું પંચનામું કરી પીએમ અર્થે સમી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર