જેનામાં તાકાત હોય તે અમને 3 જુલાઈએ જમીનનો ભોગવટો લેતા રોકી બતાવે: જીગ્નેશ

 • Share this:
  પાટણ જીલ્લામાં દલિતોને વર્ષોથી ફાળવવામાં આવેલ જમીનનના ભોગવટા મામલે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. જીગ્નેશ મેવાણી દલિતોને જમીન ફાળવણી મળે તે માટે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે.

  મળતી માહિતી મુજબ, વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દલિતોના હકની લડાઈ માટે મેદાનમાં ઉતર્યા છે. જીગ્નેશ મેવાણી દલિતોને વર્ષોથી ફાળવવામાં આવેલ જમીનો પર ભોગવટો હજુ સુધી ન મળતા આજે પાટણ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, વર્ષોથી દલિતોને જમીન ફાળવણી કરવામાં આવી છે પરંતુ હજુ સુધી દલિતોને જમીનનો ભોગવટો મળ્યો નથી. માથાભારે તત્વો દ્વારા બળજબરીથી જમીનો પચાવી પાડવામાં આવી છે. સમી તાલુકાની 1200 વીધા જેટલી જમીન પર દલિતોને ભોગવટો નથી મળી રહ્યો. જીગ્નેશ મેવાણીએ સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠાવી ખુલ્લી ચીમકી પણ આપી છે કે, 3 જુલાઈએ શેખેશ્વરમાં દલિતોને ફાળવવામાં આવેલ જમીન પર અમે કબ્જો કરીશું અને જેનામાં તાકાત હોય તે અમને રોકીને બતાવે.

  શું કહ્યું જીગ્નેશ મેવાણીએ?
  ગુજરાતની ભાજપ સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષમાં હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર પર જાતીવાદની રાજનીતી કરવાના આક્ષેપ લગાવાવમાં આવી રહ્યા છે. પણ જો છેલ્લા ત્રણ ચાર મહિનાની ઘટના જોઈએ તો સમગ્ર ગુજરાતના ખુણેખુણે દલિતો પર ભયંકર અત્યાચાર થઈ રહ્યા છે. પછી તેમાં સિંહ સરનેમ રાખવાનો મામલો હોય કે, લાંબી મૂછ રાખવાનો મામલો હોય. આવા અનેક પ્રશ્ને દલિત સમાજને સમગ્ર ગુજરાતમાં ભયંકર રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. અને એ છતાં અમે સંયમ રાખીને બેઠા છીએ. કારણ કે અમે નથી ઈચ્છતા કે દલિત વિરુદ્ધ સવર્ણનો માહોલ રાજ્યમાં ઉભો થાય. પણ આ તમામ પ્રકારની ઘટના પર રાજ્ય સરકારને ગંભીરતા હોવી જોઈએ એ નથી જોવા મળી રહી.

  જીગ્નેશ મેવાણીએ દલિત જમીન ફાળવણી મુદ્દે પાટણ જીલ્લાના દલિત સામાજીક કાર્યકર ભાનુભાઈને યાદ કરતા કહ્યું કે, દલિતના હકની લડાઈ માટે અને ગરીબ દલિતને જમીનનો ટુકડો મળે તે માટે ભાનુભાઈએ આત્મવિલોપન કર્યું, અને આખો દેશ હચમચી ગયો. અને અમે કેટલાક આંદોલન પણ કર્યા, ત્યારબાદ સરકારે જુકીને અમારી કેટલીક માંગનો સ્વીકાર પણ કર્યો. જેમાંથી સૌથી મહત્વની માંગ એ હતી કે, 31 માર્ચ 2018 સુધીમાં કયા અધિકારીની બેદરકારીના કારણે ભાનુભાઈને આત્મવિલોપન કરવાની નોબત આવી તેની એસઆઈટી દ્વારા તપાસ કરી તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવે. અને આજે એ વાતને ચાર મહિના ઉપર થઈ ગયા, તો પણ આ તપાસ એક ઈંચ પણ આગળ વધી નથી. કયા અધિકારીની બેદરકારીના કારણે આત્મ વિલોપન કરવું પડ્યું, તે રહસ્ય આ સરકાર બહાર કયા કારણોસર નથી લાવી રહી તે જાણવું છે, આવી જ સરકારની ભૂમિકા નલીયા સેક્સ કાંડ અને થાનગઢ દલિત હત્યાકાંડમાં પણ જોવા મળી હતી. જીગ્નેશે કહ્યું કે, તમને જણાવવા માંગુ છું કે આ સરકારે આ તપાસની સાથે સાથે સમગ્ર ગુજરાતના 50 લાખ દલિતોને અને ખેત મજૂરોને લેખિતમાં એ વાતનું આશ્વાસન આપ્યું હતું કે, કે આજ દીન સુધીમાં ટોચ મર્યાદાના કાયદા હેઠળ તેમજ સાથણીમાં જે સરકારી પડતર જમીન ફાળવવામાં આવી તેનો જે કોટા છે તે અંતર્ગત કેટલી જમીનો ફાળવવામાં નથી આવી, કેટલી જમીનોનો કબ્જો નથી સોંપાયો એ બધાની તપાસ કરી તમામ જમીનોનો સ્થળ પર કબ્જો સોંપીશું. પરંતુ આજે અમે પાટણ જીલ્લાના કલેક્ટ અને મહેસુલ અધિકારીને મળ્યા તો જાણવા મળ્યું કે, લગભગ 95 ટકા દલિતને હજુ સુધી જમીનોના કબ્જો સોંપવાનું કામ થોડુ પણ આગળ વધ્યું નથી. આજે પણ પાટણ જીલ્લાના દલિતો પોતાને ફાળવેલી જમીન, પોતાની માલિકીની જમીન પર પગ મુકી નથી શકતા. તો પણ તંત્ર દ્વારા હજુ નક્કર પગલા ભરવામાં નથી આવતા. તેથી આજે અમે કલેક્ટરને અલ્ટીમેટમ આપ્યું છે, કે જો આવતા મહિનાની 21મી તારીખ સુધીમાં દલિતોની મોટાભાગની જમીનોમાં પ્રોગ્રેસ હાથધરી તેમને કબ્જા સોંપણીનું કામ ન કર્યું તો અમારે રોડ પર ઉતરી ફરી એકવાર ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

  વધુમાં જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, શંખેશ્વરની અનુસુચિત જાતીની મંડળીને વર્ષો પહેલા જે જમીન ફાળવણીનો હુકમ થયેલ તે જમીનનો આજ દીન સુધી કબ્જો સોંપવામાં આવ્યો નથી. તો અમે લોકોએ નક્કી કર્યું છે કે, 3 જુલાઈએ સવારે 10 કલાકે શંખેશ્વરની આ મંડળીની સર્વે નંબર 55ની જમીનમાં ભોગવટો કરવા જઈશુ, અને જોઈએ છીએ કોની તાકાત છે કે અમને જમીનને ખેડતા અટકાવી શકે છે. કેટલાક માથાભારે તત્વો દલિતોની માલિકીની જમીન પર ભોગવટો કરવા દેતા નથી. હું રાજ્યની સરકાર, રાજ્યના હોમ મિનિસ્ટર, જીલ્લા એસપી, કલેક્ટર તમામને મીડિયાના માધ્યમથી જાણ કરૂ છું કે, હું આ જમીનનો કબ્જો લેવા જવાનો છું, તે પણ બધા લાભાર્થીઓની સાથે, જો તમારામાં ચોરી ન હોય અને ગુજરાતમાં જો કાયદાનું સાશન હોય તો 3 તારીખે અમે ત્યાં પગ મુકીએ તે પહેલા અમને જમીનનો કબ્જો સોંપવામાં આવી દે.
  Published by:kiran mehta
  First published: