વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટેનું પ્લાનિંગ શરુ થઈ ચૂક્યું છે. વિધાનસભા ચૂંટણી માટે ભાજપની (BJP) રણનીતિ અને કેવી રીતે ફાળવાશે ટિકિટ તેના પર સૌ કોઈની નજર છે. સત્તાપક્ષ તરફથી આ ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓ માટે અને કોંગ્રેસમાંથી આયાત નેતાઓ માટે નો-રિપિટ થિયરીનો ઉપયોગ થઈ શકે છે. તો બીજી તરફ કોંગ્રેસ માટે હજી દિલ્લી દૂર હોય તેવુ લાગી રહ્યું છે અને હાલ સુધી કોઈ સ્પષ્ટ રણનીતિ તેમના તરફથી સામે આવી નથી. હાલ આમ આદમી પાર્ટીના પ્રવેશ સાથે આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે આપણી નિર્તર ચાલતી ચર્ચાઓ વચ્ચે આપણે આજે વાત કરીશું પાટણની ચાણસ્મા વિધાનસભા (Patan Chanasma assembly seat) બેઠક વિશે.
ચાણસ્મા વિધાનસભા બેઠક
ગુજરાત વિધાનસભાના પાટણ જીલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠકમાં હારીજ , ચાણસ્મા અને સમી તાલુકા કેટલાંક ગામોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં રદ્દ થયેલી સમી અને હારીજ બેઠકના ગામો પણ સમાવવામાં આવ્યા છે. આ બેઠક પર સમી તાલુકાના 51, હારીજના 40 અને ચાણસ્માના 60 ગામો મળીને કુલ 151 ગામોનો સમાવેશ થાય છે. ચાણસ્મા વિધાનસભા બેઠક પર કુલ 2,43,282 મતદારો છે. જેમાં 1,26,403 પુરુષ અને 1,16,879 મહિલા મતદારો છે. આ બેઠકમાં કુલ 280 પોલીંગ બુથ છે. ગુજરાત વિધાનસભાની આ ગ્રામીણ બેઠક છે.
ચાણસ્મા વિધાનસભા બેઠક પર રાજકીય સમીકરણ
પાટણ જીલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠક પર યોજાયેલી વર્ષ 2012ની વિધાનસભા ચુંટણીમાં ભાજપના દિલીપકુમાર ઠાકોરે કોંગ્રેસના દિનેશકુમાર ઠાકોરને 10.46 ટકા મતથી હરાવીને વિજય મેળવ્યો હતો. જો કે વર્ષ 2007માં આ બેઠક પરથી ભાજપના રજનીભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર માલજીભાઈ દેસાઈને 16,361 મતથી હરાવીને વિજયી બન્યા હતા.
આ બેઠક પર સામાન્ય રીતે છેલ્લી બે વિધાનસસભા ચૂંટણી સિવાય કોઈપણ એક પક્ષ સતત વિજયી બન્યું નથી. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વારાફરતી રીતે જીતતા આવ્યા છે. જેમાં વર્ષ 1995માં આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ગાંડાજી ઠાકોર વિજયી બન્યા હતા.
ચાણસ્મા વિધાનસભા બેઠક પર જાતિગત સમીકરણ
પાટણ જીલ્લાની ચાણસ્મા બેઠકના જાતિય ગણિતની વાત કરીએ તો જણાશે કે ઠાકોર 28.5 ટકા, પટેલ 14.1 ટકા, માલધારી 5.3 ટકા, દલિત 10.8 ટકા, મુસ્લિમ 5.1 ટકા, ક્ષત્રિય 9.6 ટકા પ્રભુત્વ ધરાવે છે. એટલે કે જોવા જઈએ આ બેઠક પર ઠાકોર મતદારોનું પ્રભુત્વ વધારે છે. જયારે પાટીદાર મતદારોના મતને કાપવા માટે રાજકીય પક્ષો અપક્ષ ઉમેદવારોની સંખ્યા વધારીને તેમના મતોનું વિભાજન કરાવી નાંખે છે. આ બેઠક પર 3.50 લાખ ઠાકોર મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે.
ચાણસ્મા બેઠક પર કુલ મતદારોમાંથી 24772 દલિત,289 આદિજાતિ, 11736 મુસ્લિમ, 65232 ઠાકોર, 630 કોળી, 14782 રબારી, 7566 ચૌધરી અને 44320 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
આ સિવાય સવર્ણ મતદારોની વાત કરવામાં આવે તો આ બેઠક પર 8244 લેઉવા પટેલ, 24086 કડવા પટેલ, 6440 બ્રાહ્મણ, 830 જૈન, 12428 દરબાર અને 2902 અન્ય સવર્ણ મતદારોના સમાવેશ થાય છે.
ચાણસ્મા વિધાનસભા બેઠક પર હાર જીતના સમીકરણો
વર્ષ | વિજેતા ઉમેદવારના નામ | પક્ષ |
2017 | ઠાકોર દિલીપકુમાર | BJP |
2012 | ઠાકોર દિલીપકુમાર | BJP |
2007 | પટેલ રજનીકાંત | BJP |
2002 | દેસાઈ માલાજીભાઈ | INC |
1998 | પટેલ અરવિંદભાઈ | BJP |
1995 | પટેલ રમેશભાઈ | BJP |
1990 | ઠાકોર ગાંડાજી | IND |
1985 | દરબાર ઉદયસિંહ | INC |
1980 | પટેલ અરવિન્દભાઈ | BJP |
1975 | પટેલ વિક્રમભાઈ | KLP |
1972 | અમીન ભગવાનદાસ | BJS |
1967 | બી કે પટેલ | SWA |
1962 | પટેલ પ્રહ્લાદજી | INC |
2017ની વિધાનસભા ચૂંટણીમાં આ સાતમાંથી ત્રણ કૉંગ્રેસે જીતી હતી, વડગામ બેઠક પર અપક્ષ જીજ્ઞેશ મેવાણી કૉંગ્રેસના સપોર્ટથી જીત્યા હતા. જ્યારે ભાજપે ત્રણ બેઠક મેળવી હતી. જોકે 2017 વિધાનસભા ચૂંટણીના પરિણામો પ્રમાણે કુલ મતોમાં કૉંગ્રેસ ભાજપ કરતાં 38,000 જેટલા મત આગળ છે.
ગુજરાતની ચાણસ્મા વિધાનસભા બેઠક પરથી ભાજપના દિલીપકુમાર વિરાજી ઠાકોરનો વિજય થયો છે. તેમણે INCના દેસાઈ રઘુભાઈ મેરાજભાઈને 8234 મતોથી હરાવ્યા હતા. ચૂંટણી મેદાનમાં ભાજપના ઉમેદવાર દિલીપ કુમારને 73771 અને કોંગ્રેસના દેસાઈ રઘુભાઈને 65537 મત મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, ગત ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર દિલીપ કુમાર જીત્યા હતા. જૂના વિજેતા ઉમેદવાર પર ફરી દાવ લગાવવો નિર્ણય ભાજપ માટે ફાયદાકારક હતો.
જણાવી દઈએ કે 2017માં ચાણસ્મામાં કુલ મતોના 41.32 ટકા મત મળ્યા હતા.
લોકસભાની સ્થિતી
સરહદ નજીક આવેલી પાટણ લોકસભા બેઠકમાં કુલ સાત વિધાનસભા મતક્ષેત્ર આવેલા છે. જેમાં વડગામ, ખેરાલુ, કાંકરેજ, પાટણ, ચાણસ્મા, રાધનપુર અને સિદ્ધપુરનો સમાવેશ થાય છે. 1952થી 2004 સુધી આ બેઠક અનામત હતી,
ત્યારબાદ નવા સીમાંકન આધારે વર્ષ 2009માં આ બેઠક બિનઅનામત બનતા ઓબીસી મતદારોનું પ્રભુત્વ હોવાથી વર્ષ 2009માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના જગદીશ ઠાકોરનો અહીં વિજય થયો હતો.
પાટણ લોકસભા બેઠક પર અત્યાર સુધી 6 વખત કોંગ્રેસના ઉમેદવારો વિજય બન્યાં છે અને પાંચ વખત ભાજપના ઉમેદવારો વિજય થયા છે. જ્યારે જનતા દળ પાર્ટીના ઉમેદવાર ત્રણ વાર અને સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર એક વખત વિજય થયા છે.
ચાણસ્મા વિધાનસભા બેઠક પર અસરકર્તા પરિબળ
દરેક બેઠક પર જેમ કોઈ જ્ઞાતિનું પ્રભુત્વ હોય છે, તેમ ત્યાંના સ્થાનિક મુદ્દાઓ સાથે જ મતદારો અને મતદાનને અસર કરતા પરિબળો પણ હોય છે. પાટણની ચાણસ્મા બેઠક પર અસરકર્તા પરિબળોની વાત કરીએ તો અહીં સૌ પ્રથમ જાતિવાદ અને જ્ઞાતિવાદનુ ફેક્ટર ખૂબ અસર કરતા પરિબળોમાંનું એક છે. અહીંના મતદારો ઉમેદવારની જ્ઞાતિના આધારે મતદાન કરે તેવું હોઈ આ ફેક્ટર ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ સિવાય અહીંના લોકો રેલ્વે લાઈનને લઈને ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા હતા. જો કે સરકાર દ્વારા ગત વિધાનસભા ચૂંટણી પહેલા તેમની માંગ સંતોષી હતી તે છતાં હજી પણ આ બાબતને લઈને મતદારોમાં સંતોષ છે કે કેમ તે આગામી સમયમાં જ જાણી શકાય તેમ છે.
ચાણસ્મા વિધાનસભા બેઠકની મુખ્ય સમસ્યા વિશે વાત કરીએ તો અહીં ઔદ્યોગિક વસાહતોનો પ્રશ્ન ખૂબ જ વિકટ જોવા મળતો હોય છે. સ્થાનિક લોકો દ્વારા આ સમસ્યાની વારંવાર રજૂઆત પણ કરવામાં આવતી હોય છે.
સાથે જ પોતાને વિકાસનો પર્યાય ગણાવતી અને સતત ટર્મથી ચૂંટાઈ આવતી ભારતીય જનતા પાર્રટીના શાસનમાં હજુ પણ કેટલાક વિકાસના કાર્યો પૂર્ણ થયા નથી જેને લઈને પ્રજામાં ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Patan news