પાટણ: આગામી ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં ખાસ કરીને પાટણ જિલ્લાની ચાર વિધાનસભા સીટ પૈકી રાધનપુર સીટ પર ભાજપ દ્વારા સ્થાનિક ઉમેદવાર મૂકવામાં આવે તેવો સુર પ્રબળ બનવા પામ્યો છે. તાજેતરમાં એક સભામાં અલ્પેશ ઠાકોરે કહ્યુ હતુ કે, રાધનપુરથી પરણવાના છે અને તમારે પરણાવવાનો છે. આ નિવેદનને લઇને સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે. અયાતી નહીં પણ સ્થાનિક ઉમેદવાર મૂકવામાં આવે તેવી માંગ સ્થાનિક પ્રજામાં ઉઠી છે. 'જીતશે સ્થાનિક હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક'ના સ્લોગન સાથે અઢારે આલમનું સંમેલન યોજાવવા જઇ રહ્યું છે.
'અલ્પેશ ઠાકોર રાધનપુરથી હારશે'
આ રોષભર્યા માહોલ વચ્ચે પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર આગામી 11 તારીખે સમીના રાણાવાડા ગામ ખાતે મહાસંમેલન યોજાવા જઈ રહ્યા છે. તેમાં સ્થાનિક ઉમેદવારની માંગ અને ક્યાંક અલ્પેશ ઠાકોરના પરણવાના નિવેદન તથા હાર -જીતની રણનીતિ આ સંમેલન થકી નક્કી થશે તેવું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ, રાધનપુરના બે પૂર્વ ધારાસભ્ય સહિત અઢારે આલમ અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ હોવાના સુર આ વિસ્તારમાં ઉઠવા પામ્યો છે. બીજી બાજુ, અલ્પેશ ઠાકોરના વિરુદ્ધમાં લવિંગજીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ છે કે, અલ્પેશ ઠાકોરની જાન લીલા તોરણે પરત ફરશે. અલ્પેશ ઠાકોર રાધનપુરથી હારશે.
ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી તે પહેલા રાધનપુર વિધાનસભામાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યું છે અને ભાજપના જ સ્થાનિક આગેવાનોમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. ભાજપના બે પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર તેમજ લવિંગજી ઠાકોર બન્ને અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિક ઉમેદવારની માંગ સાથે અલ્પેશ ઠાકોરનો વિરોધ કરાઇ રહ્યો છે, ત્યારે રાધનપુર વિસ્તારમાં ભાજપ પક્ષ કોને ટિકિટ આપશે તો આવનારા સમયમાં જોવું રહ્યું.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર