Home /News /north-gujarat /

આકાશમાંથી વરસેલી અનરાધાર આફતે પાટણના ખેડૂતોના પાક ખાખ કરી નાખ્યા

આકાશમાંથી વરસેલી અનરાધાર આફતે પાટણના ખેડૂતોના પાક ખાખ કરી નાખ્યા

સાંતલપુર

ખેતરોમાં ભરાયેલી પાણી ઝડપથી નહીં ઓસરે તો રવિપાકમાં પણ મુશ્કેલી નડવાની શક્યતા છે.

  સંજય ટાંક, પાટણ : આ વર્ષે રાજ્યમાં મેઘો ધોધમાર વરસ્યો છે. તેનાથી લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. અનેક ખેડૂતો પાયમાલીના આરે આવીને ઉભા છે. ખેડૂતોની સ્થિતિની તાગ મેળવવા માટે ન્યૂઝ18 ગુજરાતી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં પહોંચ્યું હતું. અહીં આકાશમાંથી વરસેલી અનરાધાર આફતે ખેડૂતોના પાક ખાખ કરી નાખ્યા છે. ખેડૂતની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ છે.

  સાંતલપુર તાલુકામાં વરસાદે જ્યાં જુઓ ત્યાં તબાહી જ મચાવી હતી ખેતરોમાં નજર કરો ત્યાં પાણી જ પાણી હતું. સાંતલપુર તાલુકાના અબિયાણા ગામના કરશનભાઈ આહીરને બાપદાદાની 12 વિઘા જમીન મળી છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતાં કરશનભાઈએ પાંચ વીઘા જમીનમાં એરંડા અને કપાસનું વાવેતર કર્યું હતું. બીજા સાત વીઘામાં બાજરી, મઠ અને ગુવારની ખેતી કરી હતી .જેમાં દવા બિયારણ અને ખાતર સહિતના 40 હજારનો ખર્ચે પણ કર્યો હતો.  ચોમાસું સારુ હોવાથી કરશનભાઈને સારા પાકની આશા હતી. પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો કે આ વર્ષે દિવાળી પણ સારી જશે. કરશનભાઈ અને તેમના પરિવારની આ ખુશી કદાચ મેઘરાજાને મંજૂર નહોતી. પાક ઉગીને તૈયાર થઈ ગયો હતો પરંતુ જતાં જતાં આકાશમાંથી વરસેલી આફતે ખેતરોમાં પાણી ફેરવી દીધા. કરશનભાઈના ખેતરમાં ઘૂંટણ સમા પાણી ફરી વળ્યા છે. આ પાણીમાં ઓસરતાં બે મહિના જેટલો સમય લાગશે. જેના કારણે રવિપાકના વાવેતરને પણ ભારે અસર પહોંચશે. મતલબ કે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ છે. કરશનભાઈના પરિવારમાં 15 સભ્યો છે. વરસાદના પાણીમાં પરિવારના સપના પણ ધોવાય ગયા છે. ખેતી પર નિર્ભર પરિવારને પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે યક્ષ પ્રશ્ન છે.  કરશનભાઈનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી ખેતીમાં સતત નુક્સાન થઈ રહ્યું છે. વર્ષ 2017માં ભયંકર પૂરમાં પાક તબાહ થયો હતો. 2018માં વરસાદ ન પડતા પાક બળીને ખાખ થયો. આ વિસ્તારને સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યો હતો. આ વર્ષે વરસાદ તો વરસ્યો પરંતુ એટલો વરસ્યો કે સર્વત્ર પાણી જ પાણી કરી નાખ્યું. કરશનભાઈના પત્નીનું કહેવું છે લીલો દુષ્કાળ પડવાથી પરિસ્થિતિ વણસી છે. ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. એક દીકરાને અકસ્માત થતાં તેને હાલ પગમાં ફ્રેક્ચર થયું છે, ઢોરઢાંખર માટે ઘાસચારાના પણ વલખાં છે.

  કરશનભાઈના દીકરા લક્ષ્મણભાઈના પગમાં પ્લેટ નાખી હોવાથી તેઓ ચાર મહિનાથી કંઈ કામકાજ નથી કરી શક્તા. કરશનભાઈના માથે પરિવારના ભરણપોષણની જવાબદારી છે. પરંતુ માથે ચિંતાના વાદળો પણ ઘેરાયા છે. કરશનભાઈનું કહેવું છે કે સરકાર વગર પૂછે પાક વીમાના પૈસા કાપી લે છે, પરંતુ તેમનું વીમો મળતો નથી.

  ખેડૂતોના કાચા મકાનો પણ વરસાદમાં ધોવાયા

  પાટણના માત્ર સાંતલપુર તાલુકામાં પરંતુ સમી તાલુકાના ખેડૂતોના જ પણ આજ હાલ છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ન્યૂઝ18 ગુજરાતી સમી તાલુકાના આદગામ પહોંચ્યું હતું. અમે જોયું તો અહીં ખેતરોમાં જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી હતું. ખેતરો બેટમાં ફેરવાયા હતા. આદગામના ખેડૂત જેરામભાઈ ઠાકોરની ઉંમર 55 વર્ષની છે. પરિવારના ભરણપોષણની જવાબદારી તેમના માથે છે. વરસાદે ખેતરો એવા ભરી દીધા કે પરિવારની જવાબદારી કેમ નિભાવવી તે મુશ્કેલ બન્યું છે. જેરાભાઈ ઠાકોર 15 વિઘા જમીન ધરાવે છે. ચોસમાની સિઝનમાં તેમણે ગુવાર, કપાસ, એરંડા, કઠોળ સહિતના પાકની વાવણી કરી હતી.  પરિવારનું કહેવું છે કે છેલ્લા ચાર વર્ષથી કુદરત થપાટ પર થપાટ મારી રહી છે. ખેતી નિષ્ફળ જઈ રહી છે અને તેઓ મરવાના વાંકે જીવી રહ્યા છે. આ વર્ષે પણ ત્રણ લાખ સુધી નુક્સાની વેઠવાનો વારો આવ્યો છે. ખેતરમાં કેડ સમા પાણી ભરાયા છે. 15 વિઘાનો પાક સંપૂર્ણ જાય તેવી ભીતિથી જેરામભાઈ પર ચિંતાના વાદળ ઘેરાયા છે. જોકે, જેરામભાઈને તો પડ્યા પર પાટું વાગ્યું હોય તેમ ગામમાં તેમનું કાચું મકાન પણ ચોમાસામાં જમીનદોસ્ત થયું છે. એક તરફ ખેતરમાં વરસાદે તબાહી મચાવી તો બીજી તરફ વરસાદે તેમનો આશરો પણ છીવની લીધો.  કુદરતના કેર વચ્ચે આ પરિવાર લાચાર છે. મકાન એટલી હદે તબાહ થઈ ગયું કે ત્યાં રહેવું એટલે કે જીવનું જોખમ છે. હાલ આ પરિવાર ઉપર છત અને નીચે જમીનનો આશરો લઈ જીવન ગુજારી રહ્યો છે. ઘરની પરિસ્થિતિ એટલી હદે બદતર બની ચે કે જેરામભાઈના પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. પેટિયું રળવા માચે જેરામભાઈના ત્રણ દીકરા કચ્છમાં મજૂરી કરવા મજબૂર બન્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Ground Report, ખેડૂત, ચોમાસુ, પાટણ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन