ST Bus driver: હારીજ ડેપો મેનેજરે અન્ય ડ્રાઇવરની વ્યવસ્થા કરીને મુસાફરોને રવાના કર્યાં હતા. દારૂ પીને બસ ચલાવી રહેલા ડ્રાઇવર સામે મુસાફરોએ રોષ ઠાલવ્યો હતો.
પાટણ: એસ.ટી. બસનું સ્લોગન છે કે, 'સલામત સવાર એસટી હમારી.' જોકે, પાટણ શહેર (Patan city)માં એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એસ.ટી. બસના ડ્રાઇવરે (ST bus driver) નશામાં ધૂત થઈને બસ ચલાવી છે. મુસાફરો તરફથી ડ્રાઇવર નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાપર-અમદાવાદ-સુરત બસના ડ્રાઇવરે દારૂ પીને બસ ચલાવતા બસમાં સવાર મુસાફરોના જુવ પડીકે બંધાયા હતા.
ડ્રાઇવર જોખમી રીતે બસ હંકારતો હોવાનું માલુમ પડતા મુસાફરો હારજી બસ ડેપો ખાતે ઉતરી ગયા હતા. બીજી તરફ બસનો ડ્રાઇવર પણ ડેપો ખાતે બસ મૂકીને ચાલ્યો ગયો હતો. ડ્રાઇવર ચાલ્યો જતા મુસાફરો બેથી ત્રણ કલાક સુધી ડેપો ખાતે રઝળ્યા હતા. જે બાદમાં હારીજ ડેપો મેનેજરે અન્ય ડ્રાઇવરની વ્યવસ્થા કરીને મુસાફરોને રવાના કર્યાં હતા. દારૂ પીને બસ ચલાવી રહેલા ડ્રાઇવર સામે મુસાફરોએ રોષ ઠાલવ્યો હતો.
બસમાં સવાર એક મુસાફરે જણાવ્યું હતું કે, "મારી પત્નીનું ઓપરેશન હોવાથી હું આ બસમાં સવાર થયો હતો. ડ્રાઇવર નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હતો. રસ્તામાં ત્રણ વખત અકસ્માત થતાં થતાં રહી ગયો હતો. ડ્રાઇવર ચાલુ વરસાદમાં ખૂબ ખરાબ રીતે બસ ચલાવતો હતો. હારીજ ડેપોમાં ડ્રાઇવર બસ મૂકીને જતો રહ્યો છે."
આ મામલે એસ.ટી. બસના કર્મીએ જણાવ્યું હતું કે, ડ્રાઇવર હારીજ ડેપો ખાતે બસ મૂકીને ચાલ્યો ગયો છે. બસમાં 28 મુસાફરો સવાર હતા. ડ્રાઇવર નશાની હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે.
કચ્છમાં ખાનગી બસે અનેકને અડફેટે લીધા: બીજા એક બનાવમાં કચ્છના ભુજમાં વીડી હાઇસ્કૂલ પાસે એક ખાનગી બસે અનેક વાહનોને અડફેટે લીધા હોવાનો બનાવ બન્યો છે. જેમાં પૂરપાટ દોડી રહેલી બસે વાહનો અને રાહદારીઓને અડફેટે લીધે છે. મળતી માહિતી પ્રમાણે બનાવમાં બેથી ત્રણ લોકોને ઈજા પહોંચી છે, તેમજ અમુક વાહનોનો નુકસાન પણ થયું છે.
એવી માહિતી મળી છે કે કોઈ અસ્થિર મગજનો વ્યક્તિ ડ્રાઇવર સીટ પર બેસી ગયો હતો અને બસને હંકારી મૂકી હતી. જે બાદમાં તેણે વાહનોને અડફેટે લીધા હતા. આખરે દીવાલમાં ઘૂસી જતા બસ અટકી હતી. બાદમાં લોકોએ અસ્થિર મગજના વ્યક્તિને પકડી પાડ્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર