Home /News /north-gujarat /

દલિત આત્મવિલોપન મામલો: હાર્દિક, અલ્પેશ અને જીગ્નેશે સરકાર પર કર્યા આકરા પ્રહાર

દલિત આત્મવિલોપન મામલો: હાર્દિક, અલ્પેશ અને જીગ્નેશે સરકાર પર કર્યા આકરા પ્રહાર

વિજય રૂપાણીએ આ મામલે નિવેદન આપતા કહ્યું કે, જવાબદાર અધિકારીઓ સામે સરકાર કડક પગલા ભરશે. ઘટનાની સમગ્ર તપાસની જવાબદારી ચીફ સેક્રેટરીને સોંપવામાં આવી છે...

વિજય રૂપાણીએ આ મામલે નિવેદન આપતા કહ્યું કે, જવાબદાર અધિકારીઓ સામે સરકાર કડક પગલા ભરશે. ઘટનાની સમગ્ર તપાસની જવાબદારી ચીફ સેક્રેટરીને સોંપવામાં આવી છે...

  પાટણ આત્મવિલોપન મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. પાસ નેતા હાર્દિક પટેલ, દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તથા ઠાકોર નેતા અને રાધનપુરના કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

  સિવિલ હોસ્પિટલ ખાતે હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, એક દલિત સમાજ સેવકે પોતાના પોતાના સમાજના લોકોને તેમની હકની જમીન મળી રહે તે માટે પોતાનો જીવ આપી દીધો છે. આ બહું જ શરમ જનક ઘટના છે. સત્તા પર બેઠેલી સરકારને કોઈના જીવની પડી નથી. આ સાથે હાર્દિક પટેલે પોલીસ તંત્ર, કલેક્ટર, અને ફાયર બ્રિગેડની કામગીરી પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

  જીગ્નેશ મેવાણીએ આત્મ વિલોપન મામલે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતની સત્તા પર બેઠેલી સરકાર દલિત વિરોધી સરકાર છે. દલિતોને પોતાની હકની જમીન માટે જીવ આપવો પડે, તો પણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. દલિતોને ફાળવાયેલી જમીન માત્ર કાગળ પર જ ચાલી રહી છે. હકિકતમાં દલિતોને જમીન ફાળવવામાં આવી નથી. આ સરકાર પૂર્ણ રીતે દલિત વિરોધી છે.

  અલ્પેશ ઠાકોરે પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, રાજ્યની સરકારને દલિતોની કઈ પડી નથી. અમે આ સરકાર સામે દલિતોના ન્યાયને લઈ આંદોલન કરીશું. આ રાજ્યમાં ઉના કાંડ જેવી ઘટના બને છે, દલિતને પોતાની હકની જમીન માટે આત્મ વિલોપન કરવો પડે છે. આ પરથી નક્કી છે કે, આ રાજ્યની સરકારને દલિતોની કઈં પડી નથી. અમે દલિતોના હકની લડાઈમાં તેમની સાથે છીએ, અને દલિતોને ન્યાય મળે અને તેમની જમીનનો હક તેમને મળે તે માટે સરકાર સામે ઉગ્ર આદોલન કરીશું.

  વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, ગાંધી અને સરદારના ગુજરાતમાં દલિત અને આદિવાસી ગરીબે દેશની આઝાદીને આટલા વર્ષઓ બાદ પણ પોતાના હકની લડાઈ લડવી પડે, અને પોતાનો જીવ આપી દેવો પડે તે ખુબ દુખદ ઘટના છે. અમારી કોંગ્રેસ સરકાર એવા તમામ લોકો સાથે છે, જે પોતાના હક માટે અવાજ ઉઠાવે છે, અમે તેમનો અવાજ બનીને જરૂર સત્તા પર બેઠેલી સરકારની આંખ ખોલવાની કોશિસ કરીશું. સત્તા પર બેઠેલી ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો અહંકારી, સત્તા લાલચું છે. માત્ર રાજકીય રોટલા સેકવાનું કામ કરી રહી છે.

  તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસના કાર્યકરોએ વિજય રૂપાણી હાય હાયના નારા લગાવી, સીએમ વિજય રૂપાણીના રાજીનામાની માંગ કરી હતી.

  ઉલ્લેખનીય છે કે, આત્મવિલોપન કરનાર ભાનુભાઈ વણકરનું મોડી રાત્રે મૃત્યું થયું હતું. ત્યારબાદ તેમની બોડીને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. હાલમાં પોસ્ટમોર્ટમ બાદ ભાનુભાઈના પરિવારજનોએ લાશ સ્વીકારવાની ના પાડી દીધી છે, તેમની માંગ છે કે, જ્યાં સુધી દલિતોની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે લાશનો સ્વિકાર નહીં કરીએ. આ મામલે અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ અને વિરોધ પક્ષના પરેશ ધાનાણી ગાંધીનગર સિવિલ ખાતે પહોંચ્યા હતા અને સરકાર પર આકરા પ્રહાર કર્યા.

  આ બાજુ ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ આ મામલે નિવેદન આપતા કહ્યું કે, જે પણ ઘટના બની તેનું મને ઘણું દુખ છે. જવાબદાર અધિકારીઓ સામે સરકાર કડક પગલા ભરશે. ઘટનાની સમગ્ર તપાસની જવાબદારી ચીફ સેક્રેટરીને સોંપવામાં આવી છે. ભોગ બનનાર પરિવારજનોને સરકાર સાંભળશે. સરકાર દલિતોની સાથે જ છે. જેથી કોઈ પણ લોકો હિંસાના માર્ગે ન જાય તે માટે હું જનતાને અપીલ કરૂ છું.
  Published by:kiran mehta
  First published:

  Tags: Dalit, Issues, Jignesh Mevani, Paresh dhanani, Self-esteem, Statement, Vijay Rupani, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन