પાટણ: સાંતલપુરમાં કાળજું કંપાવી દેતી ઘટના, 'સત પારખા' માટે 11 વર્ષની બાળકીનો હાથ ઊકળતા તેલમાં નંખાવ્યો

સાંતલપુર પોલીસે મહિલાની અટકાયત કરી.

Patan News: સાંતલપુર ગામ ખાતે રહેતી લખીબેન મકવાણા નામની મહિલાને પીડિત બાળકીએ થોડા દિવસ પહેલા કોઈ અજાણ્યા વ્યક્તિ સાતે વાતચીત કરતા જોઈ લીધી હતી.

  • Share this:
    પાટણ: પાટણ જિલ્લાના સાંતલપુર ગામ (Santalpur village) ખાતે કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. અહીં સતના પારખા માટે એક 11 વર્ષની બાળકીનો હાથ ઊકળતા તેલમાં નંખાવવામાં આવ્યો (Girl forced to dip hand in hoi oil) હતો. બાળકીના વાલી તરફથી આ મામલે પાડોશી મહિલા સામે સાંતલપુર પોલીસ મથકે (Santalpur police station) ફરિયાદ આપવામાં આવી છે. આ મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે. બાળકી પર અમાનુષી અત્યાચારની આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવી છે. મહિલાએ પોતાની વાતની ખરાઈ કરવા માટે બાળકીનો હાથ ઊકળતા તેલમાં નંખાવ્યો હોવાની વાત સામે આવી છે. ઊકળતા તેલમાં હાથ નંખાવ્યા બાદ બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી.

    મહિલાને અજાણી વ્યક્તિ સાથે વાત કરતી જોઈ ગઈ હતી બાળકી

    આ અંગે મળતી માહિતી પ્રમાણે સાંતલપુર ગામ ખાતે રહેતી લખીબેન મકવાણા નામની મહિલાને પીડિત બાળકીએ થોડા દિવસ પહેલા કોઈ અજાણ્યા વ્યક્તિ સાતે વાતચીત કરતા જોઈ લીધી હતી. જે બાદમાં મહિલાને શંકા પડી હતી કે બાળકીએ આ વાત કોઈને કહી દીધી હશે. બાળકીએ કોઈને આ વાત નથી કરતી તેની ખાતરી કરવા માટે મહિલાએ બાળકીને પોતાના ઘરે બોલાવીને ઊકળતા તેલમાં હાથ નંખાવ્યો હતો. ઊકળતા તેલમાં હાથ નાખવાથી બાળકીનો હાથ બળી ગયો હતો. જે બાદમાં તેને સારવાર માટે ખેડવામાં આવી હતી. આ મામલે બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ આપી છે.

    મહિલાએ બાળકીને ધમકાવી

    પીડિત 11 વર્ષીય સંગીતા મંગળવારે ઘરે એકલી હતી ત્યારે આરોપી મહિલા લખીબેન મકવાણા ઘરે આવ્યા હતા અને અજાણી વ્યક્તિ સાથે વાત કરવાના બનાવને લઈને બાળકીને ધમકાવી હતી. લખીબેને એવું જાણવાનો પ્રયાસ કર્યો હતો કે સંગીતાએ આ વાત કોઈને કરી છે કે નહીં. બાળકીએ ઇન્કાર કરતા લખીબેને તેણીને ઊકળતા તેલમાં હાથ નાખીને સતના પારખા કરવા માટે જણાવ્યું હતું. જે બાદમાં લખીબેન બાળકીને પોતાના ઘરે લઈ ગયા હતા અને અજાણી વ્યક્તિ સાથે વાત કરવાની વાત કોઈને કહી ન હોય તો ખાતરી માટે ઊકળતા તેલમાં હાથ નાંખવા જણાવ્યું હતું.

    બળજબરીથી હાથ ઊકળતા તેલમાં નંખાવ્યો

    એવી પણ મહિતા મળી છે કે લખીબેનની ઊકળતા તેલની વાત સાંભળીને બાળકી ડરી ગઈ હતી અને તેણીએ આવું કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં લખીબેને બળજબરીથી બાળકીનો હાથ પકડીને ઊકળતા તેલમાં નાખી દીધો હતો. ઊકળતા તેલમાં હાથ નાખતા જ બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જે બાદમાં આસપાસના લોકોએ બાળકીને તાત્કાલિક હૉસ્પિટલ ખાતે ખસેડી હતી. આ મામલે ફરિયાદ થતાં પોલીસે આરોપી લખીબેનની ઘરપકડ કરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: