કેતન પટેલ, મહેસાણા : રાજ્યમાં કોરોના વાયરસ મહામારી બાદ આપવામાં આવેલા લોકડાઉન બાદ આપઘાતની ઘટનામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. કોઈ માનસિક પરેશાની તો કોઈ આર્થિક તંગીને પગલે આપઘાત કરી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. લોકડાઉન બાદ અનેક લોકોના ધંધા-રોજગાર પર મોટી અસર થઈ છે, જેને પગલે આપઘાતની ઘટનાઓમાં પણ વધારો નોંધાયો છે. ત્યારે આજે મહેસાણાથી એક દર્દનાક ગટના સામે આવી છે. જેમાં એક યુવાને સુપરફાસ્ટ રાજધાની એક્સપ્રેસ નીચે પડતું મુકી જીવન ટુંકાવી દીધુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે મહેસાણાના રામોસણા ફાટક પાસે એક યુવાને ટ્રેન નીચે પડતું મુકી દીધુ હતું. ફૂલ સ્પીડે જઈ રહેલી સુપર ફાસ્ટ એક્સપ્રેસની ટક્કર વાગતા યુવકના શરીરના 10 ટુકડા થઈ ગયા હતા. અને શરીરના અંગો કેટલાએ ફૂટ દુર જઈ પડ્યા હતા. આ ઘટનાની રેલવે પોલીસને જામ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને મામલો સંભાળી લીધો હતો.
વિગતે ઘટનાની વાત કરીએ તો, મંગળવારની સવારે લગભગ 8.30 કલાકની આસપાસ રામોસણા ફાટક પરથી દિલ્હી મુંબઈ રાજધાની સુપર ફાસ્ટ એક્સપ્રેસ પસાર થઈ રહી હતી તે સમયે એક યુવાને ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ સામે આવ્યું હતું. ટ્રેનની ટક્કરથી યુવકના શરીરના 10થી વધુ કટકા થઈ વેરવિખેર દુર જઈ પડ્યા હતા. યુવાનનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ કરતા રેલવે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.
રેલવે પોલીસ અનુસાર, યુવાનનું ટ્રેનની ટક્કરે મોત થયાની જાણ થતા પોલીસ પહોંચી ગઈ હતી. ટ્રેનની ટક્કરે યુવાનના લોહીના ફૂવારા દુર સુધી ઉડ્યા હતા, અને શરીરના અનેક કટકા થઈ ગયા હતા. યુવાનીન બોડી તપાસ કરતા તેના ખીસ્સા માંથી એક ઓળખકાર્ડ મળી આવ્યું હતું, જેમાં આ યુવાન ભાંખર ગામનો બિપીન એસ. પરમાર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા યુવાન હાાલમાં મહેસાણાના સોમનાથ રોડ પર આવેલ હાઉસિંગમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. મૃતકના પરિવારની પુછપરછમાં સામે આવ્યું કે, યુવાન માનસિક રીતે પરેશાન હતો. તે રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો. અને માનસિક રીતે બિમાર હોવાથી તેની સારવાર ચાલી રહી હતી. હાલમાં પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જ્યારે યુવાનની બોડીને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી હતી.