3 વર્ષનો ભત્રીજો પોતાના બાળકથી વધારે તંદુરસ્ત હોવાથી કાકાએ કરી હત્યા

ભત્રીજો તંદુરસ્ત હોવાથી આરોપીની પત્ની તેની સાથે ઝઘડો કરતી હતી, આથી કંટાળીને આરોપીએ ભત્રીજાને ટાંકીમાં નાખી દીધો હતો.

News18 Gujarati
Updated: June 4, 2019, 12:05 PM IST
3 વર્ષનો ભત્રીજો પોતાના બાળકથી વધારે તંદુરસ્ત હોવાથી કાકાએ કરી હત્યા
મૃતક બાળક
News18 Gujarati
Updated: June 4, 2019, 12:05 PM IST
કેતન પટેલ, મહેસાણા : વડનગરના મૌલીપુર ગામ ખાતે હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે. અહીં શનિવારે એક સાડા ત્રણ વર્ષના બાળકની હત્યા કરવામાં આવી હતી. હત્યા નિપજાવનાર બીજું કોઈ નહીં પરંતુ બાળકનો કાકો હતો. આ મામલે એવો ખુલાસો થયો છે કે પોતાના બાળકથી ભત્રીજો વધારે તંદુરસ્ત હોવાથી ઈર્ષામાં આવીને કાકાએ ભત્રીજાની હત્યા કરી નાખી હતી. એવી પણ માહિતી મળી છે કે ભત્રીજો તંદુરસ્ત હોવાથી આરોપીની પત્ની તેની સાથે ઝઘડો કરતી હતી. આથી કંટાળીને આરોપીએ ભત્રીજાને ટાંકીમાં નાખી દીધો હતો.

હત્યારો બાળકનો કૌટુંબિક કાકો

મળતી માહિતી પ્રમાણે શનિવારે મૌલીપુર ગામ ખાતે અશદઅલી મોમીનનો સાડા ત્રણ વર્ષનો પુત્ર ગુમ થયો હતો. બીજા દિવસે શોધખોળ બાદ મહમદ અખલાકની લાશ ઘર નજીકથી મળી આવી હતી. બાળકની લાશ ફુલાઈ ગઈ હતી તેમજ દુર્ગંધ મારી રહી હતી. બાળકની લાશ જે જગ્યાએથી મળી આવી તેના મકાન માલિકની આકરી પૂછપરછ કરતા તેણે જ બાળકની હત્યા કરી નાખી હોવાનું કબૂલ્યું હતું. મકાન માલિક અકબરઅલી બાળકનો કૌટુંબિક કાકો થાય છે.

બિસ્કિટની લાલચે ઘરે બોલાવી હત્યા કરી

પોલીસ તપાસમાં માલુમ પડ્યું છે કે અકબરઅલીએ મહમદ અખલાકને બિસ્કિટ તેમજ વેફર આપવાની લાલચ આપીને પોતાના ઘરે બોલાવ્યો હતો. જે બાદમાં પાણીના ટાંકામાં નાખી દઈને તેની હત્યા કરી નાખી હતી. બાદમાં તેને ટાંકીમાથી બહાર કાઢીને લાશને ઘરના ઉપરના માળે સંતાડી દીધી હતી. જોકે, પકડાઈ જવાને ડરે તેણે લાશને ઘરના પાછળના ભાગે ફેંકી દીધી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બાળકની હત્યા ગળું દબાવીને કે પછી પાણીમાં ડૂબાડીને કરવામાં આવી છે. બાળકની લાશ મળ્યા બાદ બાળકનો કાકો શરૂઆતથી તપાસમાં ગામ લોકો અને પોલીસ સાથે હતો. બાળકનો સંબંધી હોવાને કારણે શરૂઆતમાં કોઈને તેના પર શંકા ગઈ ન હતી. જોકે, તેના ઘર પાછળથી બાળકની લાશ મળ્યાં બાદ તેની પોલ ખુલી ગઈ હતી. આ મામલે વિસનગર ડીવાયએસપીની ટીમે 24 કલાકમાં હત્યાનો કેસ ઉકેલી નાખીને બાળકના હત્યારા કાકાની ધરપકડ કરી છે.
First published: June 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...