મહેસાણાઃ હાર્દિક પટેલ સહિતના પાટીદારોને જેલમાંથી છોડાવવા માટે સરદાર પટેલ ગ્રૂપ(એસપીજી)એ 17મી એપ્રિલથી જેલભરો આંદોલનની જાહેરાત કરી છે. આ આંદોલનને સફળ બનાવવા માટે પાટીદારોએ એક અનોખી નિમંત્રણ પત્રિકા બનાવી છે અને આ નિમંત્રણ પત્રિકા અત્યારે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાસ્પદ બની છે.
આ કંકોત્રીની વાત કરીએ તો ઉપરના ભાગે ડાબેથી મા ઉમિયા અને ખોડિયાર માતાજીનો ફોટો છે. તો જમણી બાજુ ઉપર એસપીજીનો લોગો અને સરદાર પટેલનો ફોટો છે. તેની નીચે પાટીદાર સમાજ સાથે કાયદાની દીકરી 144 સાથે લગ્ન નક્કી કરવામાં આવ્યા છે, તેમ લખાયું છે. નોંધનીય છે કે, મહેસાણામાં પાટીદારોના જેલભરો આંદોલનને લઈને 144 કલમ લાગુ કરી દેવામાં આવી છે. જેનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આંદોલનના 11 વાગ્યાના સમયનો હસ્ત મેળાપ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આંદોલનની તારીખને લગ્ન તારીખ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ યજમાન તરીકે ગુજરાત સરકાર લખવામાં આવ્યું છે.
આ ઉપરાંત જ્યાંથી આંદોલન શરૂ થવાનું છે, તેને શુભ સ્થળ દર્શાવાયું છે. એટલું જ નહીં, ગુજરાતમાં આંદોલનો દરમિયાન ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદી દેવામાં આવે છે, તેને ધ્યાનમાં રાખીને ખાસ નોંધ લખવામાં આવી છે અને ઇન્ટરનેટ પ્રથા બંધ છે, તેવું ટાંકવામાં આવ્યું છે. એટલું જ નહીં, લગ્નના ટહુકામાં લખવામાં આવ્યું છે. જય સરદાર જય પાટીદાર, અબકી બાર સત્તર ચાર.
વાહન વ્યસ્થા અંગે લખવામાં આવ્યું છે કે, લગ્ન સ્થળે સ્વખર્ચે પહોંચવાનું રહેશે. વિદાય વેળાએ ગુજરાત પોલીસ દ્વારા વાહનની વ્યવસ્થા કરેલ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: અજબ-ગજબ, ગુજરાત, જેલભરો આંદોલન, પાટીદાર આંદોલન