કડી : વરઘોડો કાઢવા બદલ દલિતોનો સામાજિક બહિષ્કાર

News18 Gujarati
Updated: May 9, 2019, 4:46 PM IST
કડી : વરઘોડો કાઢવા બદલ દલિતોનો સામાજિક બહિષ્કાર
દલિતોએ બે દિવસ પહેલા વરઘોડો કાઢ્યો હતો.

દલિતોને કોઈ વસ્તુ આપે તો રૂ. 5000નો દંડ ફટકારવાની જાહેરાત, ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો.

  • Share this:
કેતન પટેલ, મહેસાણા : મહેસાણાના કડીના લ્હોર ગામમાં દલિતોનો બહિષ્કાર કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. દલિત પરિવારે બે દિવસ પહેલા ઘોડા પર વરઘોડો કાઢ્યો હતો. આ વાતને લઈને વરઘોડામાં જ માથાકૂટ થઈ હતી. વરઘોડો કાઢ્યાના બે દિવસ બાદ ગામ લોકોએ દલિતોનો બહિષ્કાર કર્યો છે. આ મામલે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વર પરમારે જણાવ્યું હતું કે આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, તેમજ આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવશે.

શું બન્યું હતું?

કડીના લ્હોર ગામમાં લગ્ન પ્રસંગે એક દલિત પરિવારે વરઘોડા કાઢ્યો હતો. જે બાદમાં ગામના કેટલાક લોકોએ આ વરઘોડાને અન્ય વિસ્તારમાં ન લઇ જવાનું કહ્યું હતું. એટલું જ નહીં વરઘોડા દરમિયાન માથાકૂટ પણ થઈ હતી. જોકે, દલિતોએ વરઘોડા કાઢતા ગામના અન્ય સમાજના લોકો એકઠા થયા હતા અને દલિત પરિવારોનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું. અન્ય સમાજના લોકોએ બેઠક કરીને નક્કી કર્યું હતું કે જો ગામનો કોઈ વ્યક્તિ દલિતોને કોઈ વસ્તુ આપશે તો તેની પાસેથી રૂ. 5,000નો દંડ લેવામાં આવશે.

ધોરણ-12 સાયન્સનું પરિણામ જાણો  :ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

સામાજિક બહિષ્કારની જાહેરાત બાદ ગુરુવારે ગામમાં રહેતા દલિત પરિવારોની હાલત કફોડી બની હતી. ગામમાં રહેતા દલિતોએ ગુરુવારે દૂધ અને પાણી માટે પણ બીજા ગામમાં જવું પડ્યું હતું. ગામમાં વાતાવરણ વધારે ખરાબ ન થાય તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

દુલ્હાએ શું કહ્યું?

વરરાજા મેહુલ પરમારે જણાવ્યું કે, 'અમે વરઘોડા કાઢ્યો એટલે ગામના લોકોએ કહ્યું કે વરઘોડા કાઢવાનો નહીં. બાદમાં ગામલોકોએ બેઠક કરીને અનાજ, પાણી કંઈ ન આપવાની જાહેરાત કરીને અમારો સામાજિક બહિષ્કાર કર્યો. સવારથી લોકો દૂધ પણ નથી આપતા. અમે પોલીસ રક્ષણ માંગ્યું હોવાથી ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.'

વંદના પરમાર નામની એક યુવતીએ જણાવ્યું કે, "ગામ લોકોનું કહેવું છે કે દલિતોને વરઘોડા કાઢવાનો હક્ક નથી. આ કારણે અમારો બહિષ્કાર કર્યો છે. દલિતોને દૂઘ, શાકભાજી, પાણી સહિતની કોઇ વસ્તુ નથી આપવામાં આવતી. ગામથી કડી જવા માટે ચાલતી રીક્ષામાં પણ દલિતોને બેસવા દેવામાં નથી આવતા."

વંદના પરમાર, દલિત યુવતી


મિત્તલ નામની યુવતીએ જણાવ્યું કે, ગામ લોકોએ અમારો બહિષ્કાર કર્યો છે. ગામનો કોઈ વ્યક્તિ અમારી મદદ કરે તો તેને રૂ. પાંચ હજારનો દંડ અને ગામ બહાર કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી રહી છે. એટલું જ નહીં ગામના રામજી મંદિરમાં કે મહાદેવના મંદિરમાં પણ અમને પ્રવેશ આપવામાં આવતો નથી.

તપાસ કરીશું : મંત્રી ઇશ્વર પરમાર

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વર પરમારે આ બાહતે જણાવ્યું હતું કે, "આ ઘટનાની મને જાણ થઈ છે. આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે. જે કોઈ વ્યક્તિએ ભૂલ કરી હશે તેની તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે. ખરેખર આવું થયું હશે તો શા માટે બને છે તેની ગંભીરતાથી તપાસ કરીને ભવિષ્યમાં આવું ન થાય તેની કાળજી લઈશું."

લ્હોર ગામ મામલે મુખ્યમંત્રી દખલગીરી : જિગ્નેશ મેવાણી

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, "કડીની ઘટનામાં પોલીસને આગોતરી જાણ કરી હતી, છતાં તંત્ર કે પોલીસ તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે મુખ્યમંત્રી વિજ રૂપાણી અને મંત્રીએ દખલગીરી કરીને ગામના સમાજના લોકો સાથે બેસીને તેમને સમજાવવા જોઈએ. આમ છતાં ન માને તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ."
First published: May 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading