આજે વિનાયક ચોથ એટલે કે શુભણકાર્યમાં પ્રથમ પૂજનીય દેવ એવા ગજાનંદ ગણેશજીનો પ્રાગટય દિવસ કહેવામાં આવે છે. જેને લઈ મહેસાણાના ઊંઝા પાસે ઐઠોર ગામે આવેલ પૌરાણિક ગણપતિ મંદિરે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટ્યું છે.
તમને જણાવી દઈએ કે, આજથી હિન્દુ ધર્મમાં ગણેશજીના પાવન પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે, ઠેર ઠેર લોકો પોતાના ઘરમાં પંડાલમાં ગણેશજીની પધરામણી કરવામાં આવી છે, સાથે આજના આ દિવસે ગણેશ મંદિરોમાં ભગવાનના દર્શનનું પણ ખૂબ મહત્વ રહેલું હોય છે. ત્યારે મહેસાણા પાસે ઐઠોર ગામે ઐરાવતી નદીને કાંઠે બિરાજમાન ડાભી શુંઢાળા શિવજી અને પાર્વતીજીના પુત્ર એવા ગણેશજીનું પૌરાણિક મંદિર આવેલું છે. જ્યાં આજે ભકતો ભક્તિ ભાવ અને શ્રદ્ધા સાથે દર્શન કરવા મોટી સંખ્યામાં દૂર દૂરથી આવ્યા છે.
ઐઠોર ગામે બિરાજમાન ગણપતિ દાદાના દર્શનનું ખૂબ મહત્વ રહેલું છે. કારણ કે, આ ઐતિહાસિક મંદિર છે. આ મંદિરમાં વર્ષો જૂની 33 કરોડ દેવતા દ્વારા પ્રસ્થાપિત રેણુ એટલે કે રેતીમાંથી બનેલી પ્રતિમાના દર્શન થાય છે.
મહત્વની વાત એ છે કે, આ મંદિરની પૌરાણિક મૂર્તિમાં દાદાની સૂંઢ ડાબી બાજુ હોવાને લઇ દર્શનાર્થીઓ દાદાના દર્શન માત્રથી ધન્યતા અનુભવી રહ્યા છે. ભક્તોનું કહેવું છે કે, અહીં દાદાના દર્શન માત્રથી મનોકામના પરિપૂર્ણ થાય છે. આજે ગણેશ ચોથના ખાસ પર્વ પર ભક્તો ભગવાન ગણેશને રિજવવા પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મોદક લાડુ, ગોળ અને શ્રીફળની પ્રસાદ લઈ ભોગ ધરાવવા ઉમટી પડ્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર