Home /News /north-gujarat /

હાર્દિકે કોંગ્રેસનો હાથ પકડ્યો પણ આ પ્રતિકનો કોઈએ હાથ ન પકડ્યો!

હાર્દિકે કોંગ્રેસનો હાથ પકડ્યો પણ આ પ્રતિકનો કોઈએ હાથ ન પકડ્યો!

તસવીર: રાહુલ ગાંધીએ હાર્દિકને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો. બીજી તસવીરમાં પ્રતિક પટેલ

25મી ઓગષ્ટ બાદ ઉગ્ર સ્વરૂપે શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનનો જ એક ચહેરો હતો મહેસાણાનો પ્રતિક પટેલ.

    ન્યૂઝ18 ગુજરાતી : પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ 12મી માર્ચે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયો હતો. પાટીદારોને અનામત મળે તેવી માંગણી જોરશોરથી ઉઠાવનારા અનેક કન્વિનરો નેતાઓ બની ગયા અને ભાજપ કે કોંગ્રેસનો છેડો પકડી લીધો. 25મી ઓગસ્ટ, 2015ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદારોની એક વિશાળ રેલી મળી હતી. જે બાદમાં હાર્દિકે ઉપવાસ કરવાની જિદ કરી અને પોલીસે તેની ધરપકડ કરી. હાર્દિકની ધરપકડ અને પોલીસના લાઠીચાર્જ બાદ ગુજરાતભરમાં તોફાનો થયા. આ તોફાનોમાં 13 જેટલા પાટીદાર યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ જ આંદોલનનો એક ચહેરો મહેસાણાનો પ્રતિક પટેલ હતો. પ્રતિકને પોલીસના ફાયરિંગમાં ગોળી વાગી હતી, જે બાદમાં તેનું જીવન દુષ્કર બની ગયું છે.

    આવી છે પ્રતિકની કહાની

    25મી ઓગષ્ટ બાદ ઉગ્ર સ્વરૂપે શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનનો જ એક ચહેરો હતો મહેસાણાનો પ્રતિક પટેલ. મહેસાણામાં રહેતા પ્રતિક બાબુભાઈ પટેલના સાત વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તે પિતાનો ટ્રાવેલનો ધંધો કરતો હતો. ઘરની અઢી વીઘા જમીન ભાગિયાને આપી હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું. પ્રતિક તેની એક દીકરી, પત્ની, માતાપિતા સાથે સુખેથી જીવતો હતો.

    જોકે, પોતે ભણેલો ગણેલો હોવા છતાં નોકરી ન મળતા અંદર આક્રોશ હતો. આ જ સમયે 2015માં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું. મહેસાણા એ વખતે આંદોલનનું મુખ્ય સેન્ટર હતું. પ્રતિક પટેલ મહેસાણામાં આંદોલનનું નેતૃત્વ કરતો હતો. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર ધમાલ થઈ અને આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું.

    હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો.


    હાર્દિકની ધરપકડ થતાં આંદોલનકારી પ્રતિક પટેલ અને તેના મિત્રોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ ગોળીબારમાં પ્રતિકના એક મિત્રનું મોત થયું હતું. પ્રતિક પટેલને પણ માથામાં ગોળી વાગી હતી. બસ, અહીંથી પ્રતિક પટેલની કરમની કઠણાઈ શરૂ થઈ હતી. ગોળી વાગ્યા બાદ પ્રતિકને લકવો થઈ ગયો અને તેની જિંદગી દુષ્કર બની ગઈ હતી.

    પ્રતિક પટેલ


    હાલ પ્રતિક ટેકા વગર પોતાની રીતે ચાલી પણ નથી શકતો. સરખી રીતે બોલી પણ નથી શકતો. જે તે પ્રતિકના પિતા બાબુભાઈને આનંદ હતો કે તેનો પુત્ર પાટીદાર આંદોલનમાં જોડાયો છે અને સમાજ માટે કામ કરી રહ્યો છે. પરંતુ આજે બાબુભાઈ અને તેમના પત્નીની આંખોમાં એટલો જ આક્રોશ છે. બાબુભાઈનું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણી પછી પાટીદાર સમાજ કે પછી સરકારે તેમના કોઈ ખબર અંતર પૂછ્યા નથી. સાથે જ બાબુભાઈ કહે છે કે કોંગ્રેસ સાથે જોડાઈને હાર્દિક પટેલે સમાજ સાથે દગો કર્યો છે. બાબુભાઈ કહે છે કે, અમે આશા રાખીને બેઠા છીએ કે સરકાર અને પાટીદાર સમાજ અમારી હાલત તપાસીને અમને કોઈ મદદ કરે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CWC, Election 2019, Lok sabha election 2019, Paas, Sonia Gandhi, જીએમડીસી, રાહુલ ગાંધી, હાર્દિક પટેલ

    આગામી સમાચાર