Home /News /north-gujarat /મહેસાણા જીલ્લા વિધાનસભાની 7 બેઠકનું સમીકરણ

મહેસાણા જીલ્લા વિધાનસભાની 7 બેઠકનું સમીકરણ

મહેસાણા જીલ્લાની ચૂંટણીની સાત બેઠકોની માહિતી...

મહેસાણા જીલ્લાની ચૂંટણીની સાત બેઠકોની માહિતી...

1 - બેચરાજી

ગુજરાતની એક મહત્વની શકિતપીઠના નામે જાણીતી મહેસાણા જીલ્લાની Becharaji વિધાનસભા બેઠકનો સમાવેશ પહેલાં ચાણસ્મા વિધાનસભામાં બેઠકમાં થતો હતો. Becharaji વિધાનસભા બેઠકમાં Becharaji તાલુકા ઉપરાંત મહેસાણા જીલ્લાના ૭૨ ગામનો પણ સમાવેશ થાય છે. આ બેઠક કુલ મતદારોની સંખ્યા ૨,૩૭,૭૫૩ છે. જેમાં ૧,૨૪,૪૧૮ પુરુષ મતદારો છે. જયારે ૧,૧૩,૩૩૫ મહિલા મતદારો છે. આ બેઠક પર કુલ ૨૭૦ પોલીંગ બુથ છે.

મહેસાણા જીલ્લાની બેચરાજી વિધાનસભા બેઠક સીમાંકન બાદ નવી બની છે. જેમાં અત્યાર સુધી એક જ વિધાનસભા ચુંટણી આયોજિત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર રજનીભાઈ પટેલે કોંગેસના ઉમેદવાર દરબાર રાજેન્દ્રસિંહને ૬૪૫૬ મતથી હરાવીને ચુંટણી જીતી લીધી હતી. આ બેઠકનો સમાવેશ આ પૂર્વે ચાણસ્મા બેઠકમાં થતો હતો. જયારે છેલ્લા બે વર્ષ ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન બાદ મહેસાણા જીલ્લાની મોટા ભાગની બેઠકો પર પાટીદાર મતદારોના મત અલગ પરિણામ આપશે તેવું લાગી રહ્યું છે. જો કે આ બેઠક પરથી પાસના કેટલાક કાર્યકરો કોંગ્રેસમાંથી ચુંટણી લડવાની તૈયારીમાં વ્યસ્ત છે.

મહેસાણા જીલ્લાની બેચરાજી વિધાનસભાના જાતીય ગણિતની વાત કરીએ તો જણાશે કે પાટીદાર ૨૭.૦ ટકા, ઠાકોર ૨૪.૦ ટકા, ક્ષત્રિય ૧૬.૦ ટકા, રબારી ૫.૦ ટકા, ચૌધરી ૭.૦ ટકા, એસ.સી . ૧૨ .૦ ટકા, અને ઓબીસી ૯.૦ ટકા જેટલા મતદારો છે. આમ આ બેઠકની વાત કરીએ તો પટેલ અને ઠાકોર મતદારોના મત ઉમેદવાર માટે નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષ ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન બાદ મહેસાણા જીલ્લાની મોટા ભાગની બેઠકો પર પાટીદાર મતદારોના મત અલગ પરિણામ આપશે તેવું લાગી રહ્યું છે.

2 - કડી

ગુજરાત વિધાનસભાની મહેસાણા જીલ્લાની Kadi ( SC) વિધાનસભા બેઠક દલિત ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. નવા સીમાંકન બાદ આ બેઠકમાં કડી તાલુકામાં મોટાભાગના ગામોનો સમાવેશ થાય છે. Kadi ( SC) બેઠક પર કુલ ૨,૪૧,૨૮૫ મતદારો છે. જેમાં ૧,૨૫,૭૯૧ પુરુષ મતદારો અને ૧,૧૫,૪૮૮ મહિલા મતદારો છે. આ બેઠક પર ૨૬૮ જેટલાં પોલીંગ બુથ છે.

મહેસાણા જીલ્લાની Kadi ( SC) વિધાનસભા બેઠક પરના પરિણામની વાત કરીએ તો જણાશે કે નવા સીમાંકન બાદ આ બેઠક દલિત ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૧૨માં આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ભાજપના ઉમેદવાર હિતુ કનોડિયાને એક ટકાથી ઓછા મતથી સરસાઈથી હરાવીને આ બેઠક જીતી હતી. આ બેઠક નવા સીમાંકન પૂર્વે સામાન્ય બેઠક હતી. જેમાં વર્ષ ૨૦૦૭માં ભાજપના ઉમેદવાર અને હાલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ બેઠક પરથી જીત્યા હતા. નીતિન પટેલ આ બેઠક પરથી અત્યાર સુધી પાંચ વાર ચુંટણી જીત્યા છે. જો કે ૨૦૧૨માં આ બેઠક દલિત ઉમેદવાર માટે અનામત રખાતા તેવો મહેસાણા બેઠક પરથી ચુંટણી લડયા હતા.

ગુજરાત વિધાનસભાની મહેસાણા જીલ્લાની કડી(sc) વિધાનસભા બેઠકના જાતીય ગણિતની વાત કરીએ તો પાટીદાર ૨૬. ૭ ટકા, ઠાકોર ૨૧.૮ ટકા, રાજપૂત ૨.૮ ટકા, સવર્ણ ૩.૨ ટકા, મુસ્લિમ ૯.૬ ટકા, ઓબીસી ૧૬.૧ ટકા, અને એસ.સી. જાતિના ૧૯.૪ ટકા મતદારો છે. આમ આ બેઠક પર જોવા જઈ એ તો એસ.સી. મતદારોની સાથોસાથ ઓબીસી અને પાટીદાર મતદારો પણ એટલાં જ પ્રભાવી સાબિત થાય છે. જો કે સીમાંકન પૂર્વે ભાજપની કમિટેડ બેઠક રહેલી કડી સીમાંકન બાદ કોંગ્રેસના ફાળે ગઈ છે. તેથી આ સમયે કડી બેઠક પર બંને રાજકીય પક્ષો માટે રસાકસી જોવા મળશે.

3 - ખેરાલુ

ગુજરાતના મહેસાણા જીલ્લાની Kheralu વિધાનસભા બેઠકમાં ત્રણ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. જેમાં સતલાસણા, ખેરાલુ અને વડનગર તાલુકાના કેટલાંક ગામોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠક પર કુલ ૨,૩૭, ૭૫૩ મતદારો છે. જેમાં ૧,૨૪,૪૧૮ પુરુષ અને ૧,૧૩,૩૩૫ મહિલા મતદારો છે. ખેરાલુ વિધાનસભા બેઠક પર કુલ ૨૭૦ પોલીંગ બુથ છે.

મહેસાણાની ખેરાલુ વિધાનસભા બેઠક પરની ચુંટણી પરિણામો પર નજર કરીએ તો જણાશે કે વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોરને ૧૪.૪૯ ટકા મતથી હરાવીને બેઠક જીતી હતી. જયારે વર્ષ ૨૦૦૭માં પણ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના ઉમેદવાર અંજના દેસાઈને ૧૭ હજાર મતથી હરાવ્યા હતા. આ બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી ભાજપના ઉમેદવાર સતત ચુંટણી જીતતા આવ્યા છે. જયારે વર્ષ ૧૯૯૦ થી અત્યાર સુધી યોજાયેલી ૬ વિધાનસભા ચુંટણીમાં બે વાર કોંગ્રેસના ઉમેદવાર વિજયી બન્યાં છે.

મહેસાણા જીલ્લાની ખેરાલુ વિધાનસભા બેઠક પરના જાતીય ગણિતની વાત કરીએ તો જણાશે કે ૫૨( બાવન) ટકા ઓબીસી, ૯ ટકા મુસ્લિમ, ૧૦ ટકા એસ.સી., ૧ ટકા એસ.ટી અને ૨૬ ટકા અન્ય જાતિનો સમાવેશ થાય છે. આ બેઠક પર ઠાકોર અને ક્ષત્રિય સમાજના મતોનું પ્રભુત્વ વધારે છે.

4 - મહેસાણા

ગુજરાતના મહેસાણા જીલ્લાની Mehsana વિધાનસભા બેઠક પરની ચુંટણી રાજકીય પક્ષો માટે રસાકસીભરી બની રહેશે. રાજ્યના પાટીદાર અનામત આંદોલનના એપીસેન્ટર એવા મહેસાણા પર હાલ તમામ રાજકીય પક્ષોની નજર ટકી છે. મહેસાણા વિધાનસભા બેઠકમાં મહેસાણા તાલુકાના મોટાભાગના ગામનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ ૨,૧૬,૧૪૯ મતદારો છે. જેમાં ૧,૧૨,૬૫૮ પુરુષ મતદારો અને ૧,૦૩, ૪૯૧ મહિલા મતદારો છે. જેમાં ૨૨૯ પોલીંગ બુથ છે.

મહેસાણા વિધાનસભા બેઠક પરના પરિણામની વાત કરીએ તો જણાશે કે વર્ષ ૨૦૧૨માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર નીતિન પટેલે કોંગ્રેસના ઉમેદવાર નટવરલાલ પટેલને ૧૪. ૮૧ ટકા મતથી હરાવીને બેઠક જીતી હતી. ભાજપના ઉમેદવાર નીતિન પટેલે કડી બેઠક એસ.સી. માટે અનામત થતાં આ બેઠક પરથી ચુંટણી લડી હતી. જયારે વર્ષે ૨૦૦૭માં ભાજપના ઉમેદવાર અનિલ પટેલે કોંગ્રેસના ઉમેદવાર નરેશ રાવલને ૧૭ હજાર મતથી હરાવ્યા હતા. આ બેઠક પર વર્ષ ૧૯૮૫ બાદની તમામ વિધાનસભા ચુંટણીમાં ભાજપના જ ઉમેદવાર વિજયી બનતાં આવ્યા છે.એટલે કે આ બેઠક ઉત્તર ગુજરાતની ભાજપની કમિટેડ બેઠક ગણવામાં આવે છે.

મહેસાણા વિધાનસભા બેઠકના જાતિગત ગણિતની વાત કરીએ તો જણાશે કે કુલ મતદારોમાં પાટીદાર ૨૨.૬ ટકા, ઠાકોર ૧૫. ૮ ટકા, સવર્ણ ૧૨. ૯ ટકા, ક્ષત્રિય ૨.૩ ટકા, ચૌધરી ૩.૪ ટકા. ઓબીસી ૧૪. ૨ ટકા, મુસ્લિમ ૫.૬ ટકા, દલિત ૧૧.૭ ટકા છે. જોવા જઈએ તો આ બેઠક પાટીદાર ઉપરાંત સવર્ણ મતદારો પણ એટલાં જ પ્રભાવી જોવા મળે છે.

જો કે ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલાં પાટીદાર અનામત આંદોલનના પગલે ભાજપમાંથી આ બેઠક પર કોણ ચુંટણી લડશે તેની પર હજુ કોઈ સ્પસ્ટતા કરવામાં આવી નથી. સુત્રોના જણાવ્યા અનુસાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ બેઠક છોડીને શહેરની અન્ય કોઈ સેફ સીટ પરથી ચુંટણી લડવા માટે ઈચ્છુક છે. જયારે આ બેઠક પરથી કોંગ્રેસ પણ મજબુત ઉમેદવાર મેદાનમાં ઉતારવા માટે કમર કસી રહ્યું છે. જેના ભાગરૂપે કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ પણ તેમના ચુંટણી પ્રચારની શરૂઆત મહેસાણામાં સભા સંબોધીને કરી હતી. જેના પગલે આ બેઠક આ વખતે ચુંટણીના ના ધારેલા પરિણામ સામે આવે તેવી શકયતા છે.

5 - ઉંઝા

Gujarat વિધાનસભાની મહેસાણા જીલ્લાની Unjha બેઠક પાટીદારોની ગઢ ગણાતી વિધાનસભા બેઠક છે. Unjha કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાજીનું ધામ પણ છે. ઊંઝા વિશ્વભરમાં ઈસબગુલ, જીરું અને વરીયાળીના ઉત્પાદન અને વેચાણ માટે પણ જાણીતું છે. ઊંઝા વિધાનસભા બેઠકમાં વડનગર ઊંઝા અને વડનગર તાલુકાના કેટલાંક ગામોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠક પર કુલ ૨,૦૨,૯૬૦ મતદારો છે. જેમાં ૧.૦૫,૪૬૯ પુરુષ મતદારો અને ૯૭,૪૮૯ મહિલા મતદારો છે. આ બેઠક પર કુલ ૨૧૫ પોલીંગ બુથ છે

Unjha વિધાનસભા બેઠક પર યોજાયેલી અત્યાર સુધીની ચુંટણીના પરિણામો પર નજર કરીએ તો જણાશે કે વર્ષ ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર અને પાટીદાર અગ્રણી નારણ પટેલે કોંગ્રેસના ઉમેદવાર ડૉ. આશાબહેન પટેલને ૧૭. ૮૧ ટકા મતથી હરાવીને સતત પાંચમી વાર ચુંટણી જીતી હતી. જયારે વર્ષ ૨૦૦૭માં પણ ભાજપના ઉમેદવાર નારણ પટેલે કોંગ્રેસના ઉમેદવાર પી.એમ.પટેલને ૨૫,૦૦૦ થી વધુ મતે હરાવ્યા હતા. આ બેઠક પર ભાજપના ઉમેદવાર નારણ પટેલ જે નારણકાકાના હુલામણા નામે પણ ઓળખાય છે તે વર્ષ ૧૯૯૦ થી સતત ચુંટણી જીતતા આવ્યા છે.

જયારે આ જ બેઠક પરથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ વર્ષ ૧૯૮૫ અને વર્ષ ૧૯૯૦માં સતત બે વાર જનતા દળમાંથી ચુંટણી જીત્યાં હતા. આ બેઠક આમ તો ભાજપની કમિટેડ બેઠક ગણવામાં આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનની અસર આ વખતે આ વખતના મતદાન પર પડે તેવી શક્યતા છે. તેમજ આ બેઠક પર કોંગ્રેસે નજર જમાવી છે. જેના પગલે થોડા સમય પૂર્વે ગુજરાત આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉમિયા માતાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

ઊંઝા વિધાનસભા બેઠક પરની જાતીય ગણિત વાત કરીએ તો પાટીદાર ૪૦.૦ ટકા, ઠાકોર ૨૨.૩ ટકા, બક્ષીપંચ ૧૧. ૬ ટકા, દલિત ૯.૭ ટકા, મુસ્લિમ ૬.૧ ટકા, અન્ય સવર્ણ ૪.૩ ટકા, મતદારો ધરાવે છે. તેથી જોવા જઈએ આ બેઠક પાટીદારો મતદારોની સંખ્યા વધારે છે. જયારે બીજા ક્રમે ઠાકોર મતદારો જોવા મળે છે.પરંતુ આ વિસ્તારમાં ખેતીપેદાશો જ મુખ્ય બિઝનેશ હોવાના કારણે તે પટેલ સમુદાયના સીધા પ્રભાવ હેઠળ જોવા મળે છે.

6 - વિજાપુર

ગુજરાત વિધાનસભાની મહેસાણા જીલ્લાની Vijapur વિધાનસભા બેઠકમાં વિજાપુર તાલુકા તમામ ગામોનો સમાવેશ થાય છે. ગ્રામીણ મતદારો ધરાવતી આ બેઠક પર કુલ ૧,૯૯,૭૧૩ મતદારો છે. જેમાં ૧,૦૨,૭૯૫ પુરુષ મતદારો અને ૯૬,૯૧૨ મહિલા મતદારો છે. આ વિધાનસભા બેઠકમાં કુલ ૨૧૭ પોલીંગ બુથ છે .

મહેસાણા જીલ્લાની વિજાપુર વિધાનસભા બેઠકના અત્યાર સુધીના ચુંટણી પરિણામો જોઈએ તો વર્ષ ૨૦૧૨માં વિજાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પ્રહલાદભાઈ પટેલે ભાજપના ઉમેદવાર કાંતિભાઈ પટેલને ૬.૦૯ ટકા મતથી હરાવીને ચુંટણી જીતી હતી. જયારે વર્ષ ૨૦૦૭માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાંતિભાઈ પટેલે કોંગ્રેસના ઉમેદવાર બી.એસ. પટેલને ૧૪,૨૬૬ મતથી હરાવીને બેઠક જીતી હતી. જો કે આ બેઠક પર ભાજપ હોય કે કોંગ્રેસ સતત બે વારથી વધુ વાર ચુંટણી જીતી શકયા નથી. એટલે કે મતદારોએ આ બેઠક પર કોઈ એક પક્ષને હાવી થવા દીધો નથી.

મહેસાણા જીલ્લાની વિજાપુર વિધાનસભાના જાતીય ગણિત પર નજર કરીએ તો મતદારોમાં પાટીદાર ૩૭. ૭ ટકા, ઠાકોર ૧૬.૨ ટકા, ક્ષત્રિય ૧૧.૬ ટકા, દલિત ૧૧.૫ ટકા, ઓબીસી ૧૩. ૮ ટકા, બ્રાહ્મણ ૪. ૦ ટકા જેટલાં છે. આ બેઠક જોવા જઈએ તો ૭૦ હજાર પાટીદાર મતદારો છે. જેના લીધે આ બેઠક પર મહેસાણા જીલ્લાની અન્ય બેઠકોની જેમ રસાકસી જોવા મળશે. આ ઉપરાંત મહેસાણા જીલ્લાની વિજાપુર બેઠક રાજકીય રીતે પણ એટલી જ મહત્વની બેઠક માનવામાં આવે છે. તેવા સમયે આગામી ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલન બાદ ઉભી થયેલી સ્થિતિની અસર આ બેઠકના પરિણામમાં પણ પડશે તે ચોક્કસ છે.

7 - વિસનગર

ગુજરાતના મહેસાણા જીલ્લાની અતિ મહત્વની Visnagar વિધાનસભા બેઠકમાં વિસનગર તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આ બેઠક પર પક્ષ કોઈપણ હોય પરંતુ આખરી મુકાબલો તો પાટીદાર વર્સીસ પાટીદારનો જ જોવા મળે છે. વિસનગર વિધાનસભા બેઠક પર કુલ ૧,૯૮, ૨૪૨ મતદારો છે. જેમાં ૧,૦૩, ૨૪૪ પુરુષ મતદારો અને ૯૫,૦૦૪ મહિલા મતદારો છે. આ બેઠક પર કુલ ૨૧૬ પોલીંગ બુથ છે.

મહેસાણાની વિસનગર વિધાનસભા બેઠક પરના પરિણામો પર નજર કરીએ તો જણાશે કે આ બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ સતત જીતતા આવ્યા છે. વર્ષ ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલે એનસીપી અને કોંગેસના ગઠબંધનમાં લડવામાં આવેલી બેઠકના ઉમેદવાર ભોળાભાઈ પટેલને ૨૦.૮૧ ટકા મતની સરસાઈથી હરાવીને બેઠક જીતી હતી. જયારે વર્ષ ૨૦૦૭માં ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલે કોંગ્રેસના ઉમેદવાર બબલદાસ પટેલને ૨૯,૦૦૦ જેટલા મતથી હરાવીને બેઠક જીતી હતી. જો કે આ વખતે પાટીદાર અનામત આંદોલનના પગલે આ બેઠક પાટીદાર મતદારો પણ નિર્ણાયક સાબિત થશે. પાટીદારોનું અનામત આંદોલન ભલે શરુ મહેસાણાથી થયું હોય પણ ચર્ચામાં તો વિસનગરમાં થયેલ મહારેલી અને તોડફોડ બાદ જ આવ્યું હતું. હાર્દિક પટેલની આગેવાનીના વિસનગરથી આ આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી.

મહેસાણા જીલ્લાની વિસનગર વિધાનસભા બેઠકના જાતીય ગણિતની વાત કરીએ તો જણાશે કે જેમાં ૩૩ ટકા પટેલ, ૨૩ ટકા ઠાકોર, ૬ ટકા મુસ્લિમ, ૧૪ ટકા ઓબીસી, ૧૦ ટકા એસ.સી, ૧૪ ટકા અન્ય મતદારોનો સમાવેશ થાય છે. એટલે કે આ બેઠક પર પટેલ અને ઠાકોર મતદારોનો દબદબો વધારે છે.
First published:

Tags: Assembly election 2017, Gujarat assembly elections 2017, Gujarat Election 2017, Kheralu, Unjha, Vijapur, Visnagar, કડી, મહેસાણા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन