Home /News /north-gujarat /ગુજકોમાસોલ પૂર્વ ચેરમેનની 6.78 કરોડ નાણાકીય ગેરરીતિ મામલો, રિકવરી પ્રોસિડિંગ HCમાં પડકારાઇ

ગુજકોમાસોલ પૂર્વ ચેરમેનની 6.78 કરોડ નાણાકીય ગેરરીતિ મામલો, રિકવરી પ્રોસિડિંગ HCમાં પડકારાઇ

ગુજકોમાસોલ અમદાવાદના પૂર્વ ચેરમેન નટવરલાલ પિતાંબરદાસ પટેલ

ગુજકોમાસોલ અમદાવાદના પૂર્વ ચેરમેન નટવરલાલ પિતાંબરદાસ પટેલ દ્વારા વર્ષ ૨૦૧૩થી ૨૦૧૬ના સમયગાળામાં રૂ.૬,૭૮,૨૪,૩૩૧ની કથિત નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હતી

    ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન નટુ પીતાંબરદાસ પટેલ તરફથી કરાયેલી કથિત ગેરરિતિના મામલે કો-ઓપરેટીવ સોસાયટીઓના રજિસ્ટ્રારે નટુભાઈ પીતાંબરદાસ પટેલ સામે નુકસાનની રિકવરી માટેની કાર્યવાહી શરૂ કરી છે. રજીસ્ટાર દ્વારા શરૂ કરાયેલા રિકવરી પ્રોસિડિંગને નટુ પીતાંબરદાસ પટેલે હાઇકોર્ટમાં પડકારી છે.

    હાઇકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે સરકાર તેમજ કો-ઓપરેટીવ સોસાયટીઓના રજિસ્ટ્રારને નોટિસ ઇશ્યૂ કરી છે. આગામી મુદત સુધી નટુભાઈ પીતાંબરદાસ પટેલ સામે રિકવરી પ્રોસિડિંગ્સ આગળ નહીં વધારવા હાઇકોર્ટ દ્વારા સરકારને નિર્દેશ આપવામાં આવ્યો છે.

    આપને જણાવી દઈએ કે, ગુજરાત કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ)માં વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૬ના સમયગાળામાં થયેલી કથિત રૂ.૬.૭૮ કરોડની નાણાકીય ગેરરીતિ મામલે રાજ્ય સરકારે જૂન ૨૦૧૭થી ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન સામે વસૂલાતની કાર્યવાહી હાથ ધરી છે.

    રાજ્યના સહકારી મંડળના રજિસ્ટ્રારની યાદીમાં જણાવ્યા મુજબ ગુજકોમાસોલ અમદાવાદના પૂર્વ ચેરમેન નટવરલાલ પિતાંબરદાસ પટેલ દ્વારા વર્ષ ૨૦૧૩થી ૨૦૧૬ના સમયગાળામાં રૂ.૬,૭૮,૨૪,૩૩૧ની કથિત નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હતી. જે સંદર્ભે સરકાર દ્વારા તે અંગે સહકારી કાયદાની વિવિધ જોગવાઇઓ અન્વયે વસૂલાતની કાર્યવાહી આરંભ કરવામાં આવેલ છે. જેમાં ૭૯ જેટલા કર્મચારીઓની ગેરકાયદે રીતે રૂ.૮ થી ૧૫ લાખ લઇને ભરતીની બાબત, નવરંગપુરાના મકાનની ખરીદીમાં પોતાના મળતિયાને વચેટીયા તરીકે ઉભા કરીને મૂળ માલિક સારસ્વત બેંક પાસેથી રૂ.૧૬.૩૫ કરોડનું મકાન વચેટીયા પાસેથી રૂ.૨૦.૫૦ કરોડમાં ખરીદીને સંસ્થાને કરાવેલ રૂ.૪.૧૫ કરોડના નુકસાનની બાબતનો સમાવેશ થાય છે.

    આ ઉપરાંત મગ અને તુવેરની ખરીદીમાં નાણાકીય ગેરરીતિ, એક જ કંપની કુસુમ એન્ટરપ્રાઇઝ પાસેથી બધો માલ ખરીદીને અને ખરીદ કિંમત કરતાં ઓછી કિંમતે વેચીને સંસ્થાને ઠરાવેલ રૂ.૨.૧૩ કરોડનું નુકસાન, ઓફીસમાં હલકી કક્ષાનું ફર્નિચર વધુ કિંમતે બતાવીને સંસ્થાને કરાવેલું નુકસાન અને વકીલોને લીગલ ફી પેટે રૂ.૫૦.૪૦ લાખ જેટલી રકમ બોર્ડમાં ઠરાવ કર્યા વગર ચૂકવીને ગુજકોમાસોલને અંદાજે કુલ રૂ.૬,૭૮,૨૪,૩૩૧નું નુકસાન કરાવી તેમણે અંગત લાભ સારૂ નાણાકીય અનિયમિતતાઓ આચરવામાં આવેલ છે.

    રાજ્ય સરકાર દ્વારા ગુજકોમાસોલના તે સમયનાં પૂર્વ ચેરમેન નટવરલાલ પીતાંબરદાસ પટેલ સામે સહકારી કાયદા હેઠળ કાનૂની પ્રક્રિયા કરી વસૂલાતની કાર્યવાહી ૨૧/૦૬/૨૦૧૭ તથા તા.૧૩/૦૭/૨૦૧૭ના ગુજકોમાસોલના કસ્ટોડિયનની ભલામણના આધારે જૂન ૨૦૧૭ના વર્ષથી એટલે કે છેલ્લા બે વર્ષથી હાથ ધરવામાં આવી છે. વધુ સુનાવણી આગામી દિવસોમાં.
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો