રાજ્યમાં ચિંતાજનક રીતે કોરોના વાયરસનાં સંક્રમણનાં કિસ્સા સામે આવી રહ્યાં છે. ત્યારે વિસનગરના એક સમાચાર સામે આવ્યા છે. વિસનગરના ગુરૂ મહારાજે એક જાહેરાત આપી છે. જેમાં લખ્યું છે કે, ગુરૂમહારાજના પગલા પડાઓ અને કોરોનાથી બચવા વિધિ કરાવો. આ જાહેરાતમાં નંદુબાઇનો મોબાઇલ નંબર પણ આપવામાં આવ્યો છે. એકતરફ જ્યારે આખા વિશ્વના લોકો કોરોનાની રસી વિકસાવવામાં લાગ્યા છે ત્યારે આવા ઢોંગી મહારાજો રૂપિયા કમાવવા માટે લોકોને ગુમરાહ કરી રહ્યાં છે. આ કપરાકાળમાં મહેરબાની કરીને આવા ઠગોથી બચજો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, મહેસાણાના વિસનગરમાં એક વ્યક્તિએ કોરોનાથી બચાવવા માટે જાહેરાત આપી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 'ગુરૂ મહારાજના પગલા પડાઓ, કોરોના વાયરસથી બચવા માટે વિધી કરાવો. તમારા ઘરની અંદર કોઇપણ વ્યક્તિને કોરોના થાય તો બળદેવદાસ બાપુની જવાબદારી. સંપર્ક તિરૂપતિ માર્કેટ, કોમર્સ કોલેજની સામે, વિનશ ગીફ્ટ પેલેસ, વિસનગર. મો. 7046174084 (નંદુભાઇ)' જોકે, આ આખો મામલો સામે આવ્યા બાદ બળદેવદાસ પરિવાર સાથે ફરાર થઇ ગયા છે.
થોડા દિવસ પહેલા મધ્ય પ્રદેશના રતલામનો આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં લોકોના હાથ ચૂમીને કોરોના મટાડતા અસલમ બાબા પોતે કોવિડ-19 ઇન્ફેક્શનથી મૃત્યુ પામ્યા હતા. દર્દીઓના હાથ ચૂમીને તેમને કોરોના- ઇન્ફેક્શનથી મુક્તિ અપાવવાનો દાવો કરતા બાબા અસલમને એ જ બીમારી થઈ હોવાનો રિપોર્ટ ત્રીજી જૂને મળ્યો અને ચોથી જૂને તેમનો ઇન્તકાલ થયો હતો. બાબા હાથ ચૂમીને બીમારી નાબૂદ કરવાને બદલે વધારે ફેલાવતા હતા. અસલમ બાબાના ઇન્તકાલના સમાચાર જાણીને તેમના અનુયાયીઓ ભેગા થવા માંડ્યા હતા.
બીજી બાજુ બાબાના પાઝિટિવ રિપોર્ટથી સતર્ક થયેલા સરકારી સત્તાવાળાઓએ બાબાના સંપર્કમાં આવેલા લોકોનું ચેકઅપ અને ટેસ્ટિંગ શરૂ કર્યું હતું. બાબાના આશીર્વાદથી ચેપી મહારોગથી મુક્તિ મેળવવા ગયેલા લોકો અને તેમનાં સગાને તપાસતા 40માંથી 20 લોકોના રિપોર્ટ પાઝિટિવ આવ્યા હતા. (નોંધ- ન્યૂઝ18ગુજરાતી આવી કોઇપણ અંધશ્રદ્ધાને સમર્થન આપતુ નથી. )
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર