પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 16 દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર બેઠો છે. ખેડૂતોના દેવા માફી, પાટીદાર સમાજને લાભ અને અલ્પેશ કથીરિયાને જેલ મૂક્ત કરવાની માંગણીઓ સાથે હાર્દિક પટેલે ગત 25 ઓગસ્ટે આમરણાંત ઉપવાસ શરુ કર્યા છે. ત્યારે ભાજપના કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીએ અનામત મામલે મોટું નિવેદન આપ્યું હતું. ખાનગી કાર્યક્રમમાં મંત્રી હરી ચૌધરીએ દરેક સમાજને અનામતનો લાભ મળવો જોઇએ એવું નિવેદન આપ્યું હતું.
ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા ભાજપના મંત્રી હરી ચૌધરીએ જણાવ્યું હતું કે, "દરેક સમાજને અનામતનો લાભ મળવો જોઇએ. 20થી 25 ટકા લોકોએ જ અનામતનો લાભ લીધો છે. જે લોકો એકવાર અનામતનો લા લે બાદ અન્ય સમાજને પણ અનામતનો લાભ મળવો જોઇએ"
ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને સમાજના આગેવાનો વચ્ચે 10 મુદ્દા પર ચર્ચા થઈ છે. આ ચર્ચા દરમિયાન પાસ તરફથી મનોજ પનારા, ધાર્મિક માલવીયા અને બ્રિજેશ પટેલ હાજર રહ્યા હતા. જ્યારે પાટીદાર સમાજની સંસ્થા તરફથી સી.કે.પટેલ, દિનેશ કુંભાણી અને પ્રહલાદ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. બીજી તરફ હાર્દિક ઝડપથી પોતાના ઉપવાસ છોડી દે તે માટેની કવાયત તેજ કરવામાં આવી છે.
બેઠક દરમિયાન સંસ્થાઓના નેતાઓએ પાસના કન્વીનરોને સૂચના આપી હતી કે આંદોલનને સમજલક્ષી બનાવવામાં આવે. રાજકીય પક્ષો સાથે આંદોલન જોડાયેલું હોવાની છાપને ભૂંસી નાખવામાં આવે તેમજ પાસની અંદર રહેલા આંતરિક વિખવાદોને પણ ભૂલી જવામાં આવે. તે સાથે જ પાટીદાર સંસ્થાઓના નેતાઓએ પાસના કન્વીનરોને ખાતરી આપી હતી કે સામાજિક સંસ્થાઓ પણ તેમની સાથે જ છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર