પટેલ કેતન, મહેસાણા: રાજ્યમાં 23 એપ્રિલનાં રોજ લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે ત્યારે તમામ પક્ષનાં નેતા લોકોને આકર્ષવાની અનેક રીતો શોધી કાઢતા હોય છે.
ત્યારે ઊંઝાના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને હાલ ભાજપમાંથી પેટાચૂંટણી લડી રહેલા આશા પટેલનાં નામે એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. જેના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાર્દિક પટેલનો પાટીદારો ઉપર પ્રભાવ કેમ ઘટાડવો તે અંગે ઊંઝાના યુવક સાથે તેમના વાર્તલાપની ઓડિયો વાઇરલ થઇ રહ્યો છે.
આ ઓડિયો ક્લિપમાં આશા પટેલ બોલતા સંભળાય છે કે પાટીદાર શહીદ યુવકના એક પરિવારને પૈસા આપી દો અન્ય પરિવારો શાંતિથી બેસી જશે. તેઓ એવું પણ કહી રહ્યાં છે કે એક પરિવારને પૈસા આપો પરંતુ સરકારી નોકરી બધાને આપો. ઓડિયો ક્લિપ બાદ પાટીદારોના ગઢ એવા ઊંઝામાં ભારે ચકચાર મચી છે અને બીજી તરફ આશા પટેલનાં બેડામાં ફફડાટ ફેલાયો છે.
શુક્રવારે આશા પટેલની એક યુવક સાથે થયેલી કથિત વાતચીતમાં કહેવામાં આવ્યું છે કે પાટીદાર અનામત આંદોલન સમયે જે યુવકો શહીદ થયા છે તેના પરિવાર જો ઉગ્ર માગણી કરતાં હોય તો કોઈ એક શહીદ યુવકના પરિવારને પૈસા પહોંચાડી દો તો તેને જોઈને અન્ય પરિવારો શાંતિથી બેસી જશે અને હાર્દિકનો જે પાટીદારો ઉપર પ્રભાવ છે તે પણ ઘટી જશે. તેનાથી આપણને થોડો ઘણો તો ફાયદો થશે.
આ ઉપરાંત તેઓ કહી રહ્યાં છે કે જો આ વખતે હું જીતીશ તો મને મંત્રી બનાવાશે. હું લોકોનાં કામ કરૂં જ છું નાનાથી માંડીને મોટા લોકોનાં કામ કરૂં છું.
હવે મતદાનનાં આડે હવે બે જ દિવસ બાકી છે ત્યારે આ ઓડિયો ક્લિપ બહાર આવતા ભાજપને પાટીદારોનાં ગઢ સમા ઊંઝામાં ઘણું ભોગવવું પણ પડી શકે છે. તો જોવાનું એ રહ્યું કે આ ઓડિયો ક્લિપ અંગે આશા પટેલ શું કહેશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર