Home /News /north-gujarat /

અમદાવાદ-મહેસાણામાંથી ઝડપાયો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો

અમદાવાદ-મહેસાણામાંથી ઝડપાયો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો

    ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને પોલીસ કે કાયદાની ઐસીતૈસી કરી ચોરી છુપે રાજ્યમાં દારૂ ઘુસાડવાની કોશિસ કરતા રહે છે. આવી જ રીતે દારૂના જથ્થાની હેરાફેરી કરતા લોકોને બાતમીના આધારે ઝડપી પાડી બુટલેગરોનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. આજે પોલીસે અમદાવાદમાં બે જગ્યા પર અને મહેસાણાના વડનગર નજીકથી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે.

    સૌપ્રથમ મહેસાણાના વડનગરમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાની વાત કરીએ તો, મહેસાણા જીલ્લાના વડનગરથી કહીપુર જવાના રસ્તા પર પોલીસે અગાઉથી મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન એક શંકાસ્પદ કારને રોકી તેમાં તપાસ હાથ ધરતા કારમાંથી રૂ. 1.25 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે કુલ રૂ. 9.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે વિજાપુરના મંડાલી ગામના ઉપેન્દ્રસિંહ રાજપુતની અટકાયત કરી લીધી છે. જ્યારે મંગાજી ઠાકોર નામનો બુટલેગર ફરાર થવામાં સફળ થયો છે. વડનગર પોલીસે ગુનો નોંધી બુટલેગરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

    આ બાજુ અમદાવાદમાં બે જગ્યા પર પોલીસને દારૂનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. અમદાવાદના સરદાર નગરમાં પોલીસે અચાનક જ આજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસની 50 લોકોની ટીમ દ્વારા સરદારનગરમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેને લઈ એક મહિલા બુટલેગરને ત્યાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

    બીજા બાજુ  અમદાવાદ પીસીબીની ટીમને બાતમી મળતા તેમણે નરોડા પાસે વોચ ગોઠવી હતી, ત્યારે શંકાસ્પદ ગાડીને રોકવાની કોશિસ કરતા તે રોકાઈ નહીં, જેથી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે કારનું ચેકિંગ હાથ ધરતા 17-18 વિદેશી દારૂની પેટી મળી આવી. પોલીસે કાર ચાલક અને તેના સાથીદારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Arrested, Foreign liquor, અમદાવાદ, મહેસાણા

    આગામી સમાચાર