ગાંધીનગર: રાજ્ય સરકાર રથયાત્રા બાદ સિનિયર આઇપીએસ અધિકારીઓની મોટા પાયે ફેરબદલ કરવાની છે. આ તમામ ફેરબદલ આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને હશે. ત્યારે પોલીસ બેડામાં બદલીઓને લઇને કોણ કયાં જશે એ વિશે ગણગણાટ શરુ થઇ ચૂક્યો છે. ગણગણાટ અનુસાર, સુરત પોલીસ કમિશ્નર અજય તોમરની ઘણા વર્ષોથી અમદાવાદ પોલીસ કમિશ્નર બનવાની ઇચ્છા હતી તે હવે ફળીભૂત થશે. ભૂપેનદ્ર પટેલ સરકાર એવું માની રહી છે કે, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરીકે અજય તોમરને અમદાવાદ લાવવામા આવે તો સરકાર ધાર્યું પરિણામ લાવી શકે અને એજ ગણતરી અનુસાર તોમરને અમદાવાદ લવાશે એમ ચર્ચાઇ રહ્યું છે.
સુરત પોલીસ કમિશ્નર અજય તોમરની જગ્યાએ જેલોના એડીશનલ ડી.જી લક્ષ્મીનારાયણ રાવને સુરત પોલીસ કમિશ્નર બનાવામા આવે તેવી શક્યતા છે. સુરતના એડીશનલ ડી. જી રાજકુમાર પાંડીયનને સુરતના પોલીસ કમિશ્નર બનવાની ઇચ્છા હતી. પરંતુ, સુરત રેન્જ આઇજી રાજકુમાર પાંડીયન એડીશનલ ડીજી થઇ ગયા પછી પણ એક વર્ષથી સુરતમાં જ રહ્યા છે.
આમ સુરતનો કુલ સમય ગાળો ત્રણ વર્ષ ઉપર થઇ ગયો હોય આચાર સંહિતા અનુસાર તેમને સુરત રાખવાની સંભાવના નહીવત છે. તેમને વડોદરા પોલીસ કમિશ્નર બનાવાશે તેવી એક ચર્ચા છે. વડોદરાના હાલના કમિશ્નર શમશેર સિંહે ડીજીપી આશિષ ભાટીયાના રાઇટ હેન્ડ મનાય છે. એટલે એમને સીઆઇડી ક્રાઇમના વડા બનાવાય તેવી સંભાવનાઓ પણ ચર્ચાઇ રહી છે.
રથયાત્રાને લઇને સંજય શ્રીવાસ્તવ કઇ મોટી જાહેરાત કરવાના છે?
આ વખતની રથયાત્રામાં કાંઇક એવુ થવાનું છે, જે અગાઉ ક્યારેય ના બન્યુ હોય. અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ આગામી ૨૫ જૂને રથયાત્રા થ્રુ તરક્શની જાહેરાત કરવાના છે. તરકશ - એ અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરાયેલુ એવું યુનિક સોફટવેર છે. જેના દ્વારા કોન્સટેબલની રજાઓથી લઇને પોલીસ આવાસ વહેંચણીને પ્રમોશન જેવા કાર્યો પારદર્શિતાથી ધડીના છઠ્ઠા ભાગમાં થશે. આજ સોફટવેરનો ઉપયોગ આ વખતની રથયાત્રામાં કરવામા આવશે. આ સોફટવેર પીઆઇથી લઇને ટોચના અધિકારીઓને રથયાત્રાના દિવસે મોબાઇલમાં ઉપલબ્ધ રહેશે. એ એપમાં એક દિવસ પૂરતી રથયાત્રા રુટના પોઇન્ટસ, અલગ અલગ પોઇન્ટસ પર ઉભેલા પોલીસ જવાન તેમજ પેરા મિલિટ્રી ફોર્સ જવાનોના નામ નંબર અને ફોટા સહિતની વિગતો ઉપલબ્ધ હશે. એટલુ જ નહીં, સંવેદનશીલ વિસ્તારના તોફાનીઓની યાદી પણ હશે.
અત્યાર સુધી એવું બનતુ કે, ફલાણા ધાબા પોઇન્ટ પર કોણ ઉભુ છે? કે ઢીંકણા ચાર રસ્તે કોણ ઉભુ છે? એની માહિતી માટે જથ્થાબંધ પેપરોના થોકડા ગાડીમાં લઇને પોલીસને ફરવું પડતું અને એક નામ શોધવા કેટલાય પાના ઉથલાવવા પડતા. પણ હવે તરકશને કારણે એ તમામ માહિતી મોબાઇલમાં એક કલીક દ્વારા જ મળી જશે. એટલું જ નહીં, કયા પોઇન્ટ પરથી રથયાત્રા પસાર થઇ રહી છે અથવા તો થઇ ગઇ એની તમામ માહિતી એટ એ ટાઇમ તરકશમાં ફલેશ થશે. પહેલી વખત તરકશના ઉપયોગથી ઓલ ઓવર રથયાત્રાની સુરક્ષા પોલીસ માટે સરળ બનશે એવું હાલ તો અમદાવાદ પોલીસને લાગી રહ્યું છે. પણ હાલ તો કમિશ્નર શ્રીવાસ્તવના માથાના વાળ ઉંચા થઇ ગયેલા છે. હાલ રથયાત્રાની લગાતાર બેઠકોને લઇને પોલીસ કમિશ્નર કચેરી ધમધમી રહી છે. જયાં સુધી રથયાત્રા હેમખેમ પૂરી નહી થાય ત્યાં સુધી અમદાવાદ કમિશ્નરને ઉંઘ નહી આવે એ નક્કી છે.
ડેટાપાર્ક મુદ્દે સેન્ટ્રલમાંથી આવી સૂચના
રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના સૂચન બાદ ધોલેરા ખાતે ડેટાપાર્ક બનાવવાની વિધીવત જાહેરાત કરી દીધી છે. આ સ્થળને લઇને રાજ્ય સરકારે ટૂંક સમયમાં જ ફેરબદલનો નિર્ણય જાહેર કરવો પડે તો નવાઇ નહી. કારણ કે, કેન્દ્રને ધોલેરા ખાતે ડેટા પાર્કનો નિર્ણય પસંદ આવ્યો નથી.
કેન્દ્રના ગુજરાત કેડરના ટોચના અધિકારી દ્વારા આ ડેટા પાર્ક ગાંધીનગર અથવા અમદાવાદમાં કરવાની સૂચના રાજ્ય સરકારને અપાઇ છે. એનું કારણ એ પણ છે કે, ડેટા પાર્ક માટે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચરથી લઇને તેમાં કામ કરનારા કર્મચારીઓની સુવિધા અને સોશિયલ નીડની જયાં સુધી વાત છે તે તમામ વસ્તુ ગાંધીનગર અને અમદાવાદ ખાતે જ ઉપલબ્ધ બની શકે તેમ છે. જેને લઇને ડેટાપાર્ક ધોલેરાને બદલે ગાંધીનગર અથવા અમદાવાદમાં શરુ કરવાની સૂચના અપાઇ છે.
ગુજરાત સરકારની નોકરીમાંથી અંડર સેક્રેટરી કે ડેપ્યુટી સેક્રેટરીની પોસ્ટ એવી છે કે, વયનિવૃત્ત થતાં કોઇપણ અધિકારીને જ્યારે એક્સટેન્શન આપવામાં આવે છે અથવા તો કરાર આધારિત નોકરી આપવાની થાય છે. ત્યારે તેની નોકરીનો રેકોર્ડ કે સીઆર જોવામાં આવતા નથી. બાકીની કેડરમાં વિભાગના વડા એક્સટેન્શન આપતી વખતે નોકરીનો રેકોર્ડ અને સીઆર માગતા હોય છે. તાજેતરમાં ગૃહ વિભાગમાંથી વયનિવૃત્ત થયા પછી બે વખત કરાર આધારિત નોકરી મેળવનારા એક અધિકારીને ત્રીજી વખત એક્સટેન્શન આપવાની ફાઇલ જ્યારે ચલાવવામાં આવી ત્યારે તેમની નોકરીનો રેકોર્ડ માગવામાં આવ્યો નહોતો.
" isDesktop="true" id="1220112" >
આ અધિકારીને ત્રીજી વખત તો એક્સટેન્શન સરકારે નથી આપ્યું પરંતુ કર્મચારીઓમાં એવો ગણગણાટ જરુર હતો કે, એક્સટેન્શનને લઇને જે નિયમો તમામ વર્ગના અધિકારીઓને લાગુ પડે છે એ નિયમો ડેપ્યુટી સેક્રેટેરી અને અંડર સેક્રેટરીને કેમ લાગુ પડતો નથી? આ નિયમ લાગુ નહીં પડવાને કારણે કેટલાય અધિકારીઓ કે જેમના વિરુધ્ધ ઢગલો ફરિયાદો હોય છે. એવા અધિકારીઓ પણ એક્સટેન્શન મેળવીને સુપર હીરો બની જાય છે.