રાજ્યસભાની ચુંટણીમાં શું ભરતસિંહ સોલંકી જીતશે?

રાજ્યસભાની ચુંટણીમાં શું ભરતસિંહ સોલંકી જીતશે?
શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી

2017માં 77 ધારાસભ્ય ધરાવતી કોંગ્રેસ 65 પર પહોંચી તો સાથે જ રાજ્યસભમાં બીજા ઉમેદવારને મોકલવાનું સપનું પણ કચડાયુ.

  • Share this:
ગાંધીનગર : ગુજરાત રાજ્યસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ફરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં યાદવાસ્થલી જેવી સ્થિતિ સર્જાઇ રહી છે. કોંગ્રેસના 8 ધરાસભ્યોના રાજીનામાં સાથે જ હવે ભરત સિંહ જૂથ અને શક્તિ સિંહ ગોહિલના જૂથ વચ્ચે પોત પોતાના નેતાને રાજ્યસભામાં મોકલવા રાજકીય ચોકઠાં ગોઠવી રહ્યા છે.

ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી જાહેર થતા અને ભાજપે ત્રીજા ઉમેદવારને મેદાને ઉતારતા રાજ્યના રાજકારણમાં જોરદાર ગરમાવો આવી ગયો છે. શરૂઆતી અંક ગણિત પ્રમાણે બંને પક્ષોને 2-2 બેઠક જઈ રહી હતી. પરંતુ ભાજપ પાસે પૂરતું સંખ્યાબળ ન હોવા છતાં ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને મેદાને ઉતારતા પાટીદાર ટ્રમ્પ કાર્ડ ખેલી કોંગ્રેસને તોડવાની ઈચ્છા શક્તિના દર્શન કરાવી દીધા હતા. ભાજપે ઉમેદવારી પસંદગીમાં પૂરતું જ્ઞાતિગત સમીકરણ ધ્યાનમાં રાખી એક આદિવાસી ઉમેદવાર, એક બ્રાહ્મણ ઉમેદવાર અને ત્રીજા ઉમેદવાર તરીકે પાટીદારની પસંદગી કરી. તો બીજી તરફ કોંગ્રેસે જ્ઞાતિગત સમીકરણો વિચાર્યા સિવાય વાલા દવલાની નીતિ સાથે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહને પોતાના ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા.કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી હાઇકમાન ભરતસિંહ સોલંકીને ટિકિટ આપવાના મૂડમાં ન હતી, પરંતુ ભરતસિંહ સોલંકી સમર્થિત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા સહીત ઠાકોર ધારાસભ્યોએ પાર્ટી હાઇકમાન્ડ સમક્ષ સભ્ય સંખ્યા બળનો દબાવ કરી ભરતસિંહને બીજા ઉમેદવાર તરીકે જાહેર કરાવ્યા, આ સાથે જ 2017ની ચૂંટણીમાં બેઠી થયેલી કોંગ્રેસ 2019ની લોકસભા બાદ ફરીથી 2020માં તૂટવાનું ચાલુ થયું. વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન જ કોંગ્રેસના 5 ધારાસભ્યોના રાજીનામાં સાથે તમામ કોંગી ધારાસભ્યોને અંકબંધ રાખવા રાજસ્થાન ખાનગી રિસોર્ટ લઇ જવાયા.

વૈશ્વિક મહામારી કોરોનાના પગલે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી રદ્દ કરવામાં આવી તમામ કોંગ્રેસી ધારાસભ્યો પરત ગુજરાત આવી પોતાના મતવિસ્તારમાં કામે લાગ્યા, પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જુથવાદના પરિણામે નારાજ થયેલા ધારાસભ્યોને પક્ષના મોવડી મંડળ દ્વારા પક્ષ સંપર્ક ન કરતા જેવી રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ અને ગણતરીના દિવસોમાં કોંગ્રેસના વધુ ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં ધર્યા, આ સાથે જ 2017માં 77 ધારાસભ્ય ધરાવતી કોંગ્રેસ 65 પર પહોંચી તો સાથે જ રાજ્યસભમાં બીજા ઉમેદવારને મોકલવાનું સપનું પણ કચડાયુ.

કોંગ્રેસની અંદર જૂથવાદ એટલો પહોંચી ગયો છે કે, ભરતસિંહ સોલંકી સમર્થિત ઠાકોર સમાજના ધારાસભ્યો મિટિંગ કરી પાર્ટી હાઇકમાન્ડની પસંદગી કરેલ ઉમેદવાર સામે ભરતસિંહને જીતાડવા રાજકીય સોગઠાંબાજી ગોઠવી રહ્યા છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિતિએ ભારતસિંહનું પલડું શક્તિસિંહ કરતા ભારે છે. કારણ કે, ભરતસિંહ સોલંકીએ 2017 વિધાનસભા ચૂંટણીમાં તેમના સમર્થિત ઉમેદવારને સૌથી વધુ ટિકિટ અપાવી હતી.

ભાજપ પણ ઈચ્છી રહી છે કે, ભરતસિંહ સોલંકી જીતે કારણ કે, શક્તિસિંહ ગોહિલ મોદી જયારે તત્કાલીન CM હતા ત્યારે વિપક્ષના નેતા શક્તિસિંહ હતા અને સરકારને ઘેરવામાં શક્તિસિંહ સફળ થતા ત્યારે જો રાજ્યસભામાં શક્તિસિંહ પહોંચી જાય તો PM અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહરાજ્ય ગુજરાતના અનેક મુદ્દાઓ પર વિપક્ષ સરકારને ઘેરવામાં સફળ રહે. તો સાથે જ ભરતસિંહ સોલંકી રાજ્યસભામાં જાય તો ભાજપની પરંપરાગત વોટ બેન્ક એવી પાટીદાર વોટ બેન્ક પર પક્કડ જમાવી શકે. તો સાથે જ વિધાનસભા ગૃહમાં પણ કોંગ્રેસ અલગ અલગ જુથવા વહેંચાઈ જાય.

હવે જોવાનું એ રહશે કે ભાજપની રણનીતિમાં કોંગ્રેસ કેટલી ઘેરાઈ છે અને કેટલો પોતાનો બચાવ કરી શકે છે.
Published by:News18 Gujarati
First published:June 06, 2020, 19:43 pm

ટૉપ ન્યૂઝ