ગાંધીનગર : બીજેપીએ તમામ 8 સીટ પર નિરીક્ષકોની નિમણુંક કરી દીધી છે. ચૂંટણી પ્લાનીંગમાં ભાજપને માસ્ટર માનવામાં આવે છે. આખરે જે તે વિધાનસભામાં જે તે મંત્રી કે નેતાઓને જ કેમ જવાબદારી સોંપી તેની પાછળ ક્યાં સમીકરણો જવાબદાર છે આવો સમજીએ.
ભાજપે તમામ 8 સીટની પેટા ચૂંટણી યોજાવાની છે તેનું પલાનિંગ કરી લીધું છે. એ સીટ પર જે તે નેતાઓ અને મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ જવાબદારી સોંપવા પાછળ પણ ચોક્કસ કારણો હોવાનું ભાજપના જ આંતરિક વર્તુળ કહી રહ્યા છે. જેથી તમામ સમીકરણો સેટ કરી શકાય અને આસાનીથી ચૂંટણી જીતી શકાય. મોરબી સીટની જો વાત કરીએ તો મોરબીના મંત્રી સૌરભ પટેલ અને સંગઠનમાંથી આઈ કે જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે. સૌરભ પટેલ ઉદ્યોગ સાથે જોડાયેલા છે અને મોરબીમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે જેથી તેનું સમર્થન મળી રહે તો બીજી તરફ એ વિસ્તાર પહેલા ધ્રાંગધ્રા બેઠકમાં આવતો હતો જ્યાં આઈ. કે. જાડેજા સારું પ્રભુત્વ ધરાવે છે, અને ક્ષત્રિય હોવાના કારણે ત્યાંના મતદારોને રિઝવી શકે છે.
તો આ સિવાય જો લીંમડી બેઠકની જો વાત કરીએ તો આ બેઠક માટે મંત્રી આર. સી. ફળદુ અને નીતિન ભારદ્વાજને જવાબદારી સોંપવામાં આવી છે. આર સી ફળદુ સંગઠન પ્રમુખ હતા, ત્યારથી જ તેની પકડ એ વિસ્તારમાં સારી છે અને નીતિન ભારદ્વાજ સીએમની નજીકના માનવામાં આવે છે અને રાજકોટના છે, જેથી તે સૌરાષ્ટ્માં સારી પકડ ધરાવે છે અને એ બેઠક પર ઉમેદવારનું નામ પણ લગભગ નક્કી માનવામાં આવે છે, જેના માટે આ બે નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો -
સુરત : પિતાએ Good ટચ - Bad ટચની સમજ આપી, દીકરીએ તેની સાથે બનેલી વાત જણાવી તો પરિવાર ચોંકી ઉઠ્યો
કરજણ બેઠક પર પ્રદીપસિંહ જાડેજા અને શબ્દ શરણ બ્રહ્મભટ્ટને જવાબદારી સોંપાઈ છે. જેનું પણ ચોક્કસ કારણ છે એ સીટમાં ભાજપમાં આંતરિક વિખવાદ છે જેના કારણે જ 2017માં ભાજપે એ સીટ ગુમાવી હતી, જેનું પુનરાવર્તન ના થાય એટલા માટે ગૃહમંત્રી પ્રદીપસિંહને જવાબદારી સોંપાઈ છે. તો શબ્દશરણ બ્રહ્મભટ્ટ ત્યાંના સ્થાનિક નેતા છે, જેના કારણે તે સ્થાનિક સમીકરણો ગોઠવી શકે તેટલા માટે તેને જવાબદારી અપાઈ છે.
ડાંગ બેઠક પર ગણપત વસાવા અને પુરનેશ મોદીને જવાબદારી આપવામાં આવી છે. ભાજપમાં અત્યારે આદિવાસી નેતામાં એક માત્ર ગણપત વસાવા છે, જે આદિવાસી વિસ્તારમાં સારી પકડ રાખે છે અને તેની સાથે સુરતના ધારાસભ્ય પુરનેશ મોદીને જવાબદારી સોંપાઈ છે.
અબડાસા બેઠક માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કે સી પટેલને જવાબદારી આપવામાં આવી છે. અબડાસા બેઠક પર ક્ષત્રિયનું પ્રભુત્વ છે સાથે જ કોંગી પૂર્વ ધારાસભ્યની કેટલીક ચોક્કસ માંગણીઓ શિક્ષણને લઈને હતી જેથી ભાજપે બાપુને મેદાને ઉતાર્યા છે. સાથે કે. સી. પટેલ પાટણના છે, પોતાનો જિલ્લો નજીક છે અને પાટીદાર મતદારોને સમજાવી શકે તેના માટે બાપુ સાથે કે. સી. પટેલને પણ જવાબદારી સોંપી છે.
ગઢડા બેઠક પર કુંવરજી બાવળિયા અને ગોરધન ઝડફિયાને જવાબદારી સોંપવામાં આવી છે. કારણ કે, આ બેઠક પર કોળી મતદારોની સંખ્યા ખૂબ મોટી છે. અને કોળી સમાજના ખૂબ મોટા નેતા છે કુંવરજી બાવળિયા સાથે જ આ વિસ્તારમાં પાટીદારો અને ધર્મ સાથે જોડાયેલા મતદારો છે જેના સાથે ગોરધન ઝડફિયાને ઘરોબો છે જેથી તેને ગઢડા મુકવામાં આવ્યા છે.
તો ધારી બેઠક પર પાટીદાર અને ક્ષત્રિય મતદારોનું સારું પ્રભુત્વ છે. કોઈપણ સમાજના વોટ સ્વીન્ગ થાય તો હારજીત થઈ શકે છે. આવા સમયે બંને સમાજને સાથે રાખવા જરૂરી છે તો બીજી તરફ અમરેલી જિલ્લામાં ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર છે જેના કારણે ગત ચૂંટણીના દિલીપ સંઘાણીની હાર થઈ હતી આમ તામામ વિસ્તારના જે સમીકરણો છે જેને ધ્યાનમાં રાખીને ભાજપે નિરીક્ષકોની નિમણુંક કરી હોવાનું ભાજપના જ વર્તુળો ચર્ચિ રહ્યા છે.