Home /News /north-gujarat /

Power Corridor: એક મહેશ મોડ પકડાયા, હવે બીજા પણ પકડાઇ શકે છે

Power Corridor: એક મહેશ મોડ પકડાયા, હવે બીજા પણ પકડાઇ શકે છે

મહેસ મોડની ફાઈલ તસવીર

Power Corridor: ઉત્તર ગુજરાતના (North Gujarat) જિલ્લાના રીજનલ ફાયર હેડ (Regional Fire Head) તરીકેનું ગૌરવ જેમના નામે હતું તે મહેશ મોડ પાંચ લાખ રૂપિયાના લાંચ લેચા રંગેહાથ પકડાયા છે. 

ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગર (Gandhinagar) જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના (North Gujarat) જિલ્લાના રીજનલ ફાયર હેડ (Regional Fire Head) તરીકેનું ગૌરવ જેમના નામે હતું તે મહેશ મોડ પાંચ લાખ રૂપિયાના લાંચ લેચા રંગેહાથ પકડાયા છે. તેમની કેરિયરમાં આટલો મોટો દાગ લાગ્યો છે, કેમ કે ભારતના રાષ્ટ્રપતિએ તેમને (President of India) તેમની ફાયરની કામગીરી બદલ ચંદ્રક એનાયત કરેલો હતો. આ ચંદ્રક પણ ગયો અને નોકરી પણ ગઇ છે. તેમનો પુત્ર સુરતમાં ફાયર ઓફિસર (Surat fire officer) તરીકે ફરજ બજાવે છે. અતિ લોભ તે પાપનું મૂળ છે.

આ કહેવત મહેશ મોડની જીંદગીમાં મહત્વની બની ગઇ છે. ફાયર એનઓસી આપવામાં ગાંધીનગર જ નહીં રાજ્યના બીજા સાત મોટા શહેરોમા લાંચ લેવાતી હોવાનું ચર્ચાય છે.

મહેશ મોડ માટે એવું કહેવાય છે કે તેઓ સરકારની વધુ નજીક હોવાથી તેઓ વર્ષોથી ગાંધીનગરમાં ફરજ બજાવી રહ્યાં હતા. હાલ તો ફાયરમાં કામ કરતાં ઓફિસરોએ મહેશ મોડની હાલત જોઇને તેમની પ્રેક્ટિસ બંધ કરી દીધી છે પરંતુ લાંચની લાલચ કેટલાક ઓફિસરો રોકી શકતા નથી.

તો જાહેરસાહસોમાં અધિકારી રાજ ખતમ થશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના કહેવાથી સરકારના જાહેર સાહસોમાંથી ચેરમેન અને અન્ય હોદ્દેદારો પાસેથી રાજીનામાં લઇ લેતાં હાલ આ સાહસોમાં અધિકારીઓનું રાજ આવી ગયું છે પરંતુ જો વિધાનસભાની ચૂંટણી પહેલાં આ સાહસોમાં પોલિટીકલ નિયુક્તિ થશે તો અધિકારી રાજ ખતમ થશે અને ફરી સાહસોની કમાન પોલિટીકલ લિડરોના હાથમાં આવી જશે. સચિવાલય અને કમલમમાં એવું ચર્ચાઇ રહ્યું છે કે રાજ્ય સરકાર 30થી વધુ જાહેર સાહસો અને સરકારી કંપનીઓમાં ચેરમેન અને ડિરેક્ટરોની પોલિટીકલ નિયુક્તિ કરવા જઇ રહી છે.

જો તેમ થશે તો ભાજપના 20થી વધુ ધારાસભ્યો અને 10થી વધુ ટોચના નેતાઓને જાહેર સાહસોના બનેલાં રજવાડાં મળી જશે પરંતુ તેઓ માત્ર 10 મહિના હોદ્દો ભોગવી શકશે, કારણ કે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. કોંગ્રેસમાંથી આવેલા અને જીઆઇડીસીના ચેરમેન બનેલા બળવંતસિંહ રાજપૂતે પણ રાજીનામું આપી દીધું છે તેથી આ જાહેર સાહસમાં અત્યારે અધિકારી રાજ છે. એ ઉપરાંત 12થી વધુ સાહસોમાં જ્યાં પોલિટીકલ નિમણૂકો હતી ત્યાં અત્યારે ચેરમેનનો હોદ્દો આઇએએસ અધિકારીઓ પાસે છે. કમલમના સૂત્રો કહી રહ્યાં છે કે સીઆર પાટીલ એક એવી યાદી બનાવી રહ્યાં છે કે જેમાં જાહેર સાહસોના ચેરમેનપદના નામ છે.

વહીવટી તંત્રમાં 90 આઇએએસ ઓફિસરોની ઘટ છે
ગુજરાતના વહીવટી તંત્રમાં મંજૂર મહેકમ સામે ફરજ બજાવતા આઇએએસ ઓફિસરોમાં 90ની ઘટ પ્રવર્તી રહી છે. આ આંકડો ખૂબ મોટો છે. નિવૃત્તિ પછી નવી નિયુક્તિનું પ્રમાણ ઓછું હોવાથી આ સમસ્યા સર્જાઇ છે, પરિણામે વહીવટી તંત્રને માઠી અસર પહોંચી છે. છેલ્લા 10 વર્ષથી પ્રતિવર્ષ 15 થી 18 આઇએએસ અધિકીઓ વયનિવૃત્ત થાય છે પણ તેની સામે ભરતી માત્ર ચાર કે પાંચ અધિકારીની થતી હોય છે. ગુજરાત સરકારમાં હાલ 313 આઇએએસના મંજૂર મહેકમ સામે 231 આઇએએસ અધિકારી ફરજ બજાવે છે. જે પૈકી 20 ઓફિસરો અલગ અલગ રાજ્યોમાં ફરજ બજાવે છે.

ચાર ઓફિસરો વિદેશમાં છે અને બે અધિકારીઓ વડાપ્રધાન કાર્યાલય છે. મહત્વની બાબત એવી છે કે ગુજરાતના વહીવટી તંત્રમાં 119 આઇએએસ અધિકારી 50થી વધુ વયના છે જ્યારે 22 અધિકારી એવાં છે કે જેમની વય 30 વર્ષની આસપાસ છે. રાજ્યમાં 171 આઇએએસ સીધી ભરતીના છે જ્યારે 95 અધિકારીઓને બઢતી આપવામાં આવેલી છે. ઓફિસરોની ઘટના કારણે વિભાગો અને જાહેર સાહસોમાં વધારાના હવાલા આપવામાં આવેલા હોવાથી તેની અસર કામગીરી પર પડી રહી છે, કેમ કે એક ઓફિસર એક થી વધુ વિભાગોને ન્યાય આપી શકતા નથી.

એસઆર રાવના કાર્યોની પ્રેરણાથી યુવાન આઇએએસ બન્યો
તમારે જો આઇએએસ અધિકારી બનવું હોય તો પ્રતિદિન 10 કલાકની મહેનત જરૂરી છે. એ ઉપરાંત ધગશ હોવી પણ જરૂરી છે. હવે તો ગુજરાતી યુવાનો પણ બિહાર અને ઉત્તરપ્રદેશની જેમ યુપીએસસી પરીક્ષાની ખંતથી તૈયારી કરી રહ્યાં છે.  સુરતના યુપીએસસીના એક ઉમેદવાર કાર્તિક જીવાણીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને યુપીએસસીમાં 8મો રેન્ક મેળવ્યો હતો. તે મૂળ મિકેનિકલ એન્જિનિયર છે અને 26 વર્ષનો છે. તેણે બે વખત પરીક્ષા પાસ કરી હતી.

2018માં પ્રથમ પ્રયાસમાં 94મા રેન્ક સાથે તેની આઇપીએસ તરીકે પસંદગી થઇ હતી પરંતુ તેણે આ કેડર પસંદ ન કરી, કેમ કે તેને આઇએએસ થવું હતું તેથી તેણે બીજીવાર 2020માં પરીક્ષા આપી અને 84મો ક્રમ મેળવ્યો છે. તે હાલ હૈદરાબાદમાં ટ્રેનિંગમાં છે. તે કહે છે કે સુરતમાં 1994માં મહામારી તરીકે પ્લેગ ફાટી નિકળ્યો હતો ત્યારે મને આઇએએસ બનવાની પ્રેરણા મળી હતી. તે સમયે સુરતના મ્યુનિસિપલ કમિશનર તરીકે એસઆર રાવ હતા. મહામારીમાં રાવના અવિરત કાર્યો જોઇને તેને પણ આઇએએસ બનવાની ઇચ્છા થઇ હતી. તે કહે છે કે રોજની 10 કલાકની મહેતન તમને ભારતીય વહીવટી સેવામાં અચૂક સફળતા અપાવે છે.

આરોગ્ય અધિકારીઓ માટે પડકારજનક સ્થિતિ
ગુજરાતના આરોગ્ય વિભાગના ટોચના અધિકારીઓ માટે સૌથી મોટો પડકાર સરકારની હોસ્પિટલોમાં સુપર સ્પેશ્યાલિટી તબીબોની ભરતીનો છે. ડોક્ટરેટનો અભ્યાસ કરતાં મોટાભાગના તબીબો હાલ પ્રાઇવેટ પ્રેક્ટિસ પર વધારે ધ્યાન એટલા માટે આપી રહ્યાં છે કે તેમને સારી આવક મળે છે. સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની તંગીનું મુખ્ય કારણ એવું છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસની સરખામણીએ સરકારી નોકરીમાં પગારધોરણ ઓછું છે.

આ પણ વાંચોઃ-Ahmedabad news: ઐયાશી પતિની કરતૂતોથી બીજી પત્ની પણ કંટાળી, હરકતો જાણી લાગશે નવાઈ

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં સુપર સ્પેશ્યાલિટી તબીબોની 99 ટકા જગ્યાઓ ખાલી છે જે પૈકી સર્જન, બાળરોગ નિષ્ણાંત અને ગાયનેકોલોજીસ્ટ તબીબો મળતા નથી. દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની સ્થિતિ ખૂબ કંગાળ છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સ્ટેટેસ્ટીક ઓફ ઇન્ડિયન સ્ટેટ્સના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબોની 1392 જગ્યા પૈકી 1379 જગ્યાઓ ખાલી છે.

આ પણ વાંચોઃ-Valsad Accident : બેકાબૂ કાર ડીવાઈડર કૂદીને ટ્રક સાથે થડાકાભેર અથડાઈ, બેના મોત

ગુજરાત કરતાં પાડોશી રાજ્યોમાં સ્થિતિ સારી છે. મહારાષ્ટ્રમાં 64 ટકા, મધ્યપ્રદેશમાં 96 ટકા, રાજસ્તાનમાં 80 ટકા અને ઉત્તરપ્રદેશમાં 71 ટકા જગ્યા ખાલી છે. મિઝોરમમાં 100 ટકા ખાલી જગ્યાઓ પછી ગુજરાતનો ક્રમ બીજો આવે છે કે જ્યાં સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબોની સંખ્યા ખૂબ ઓછી છે. ગુજરાતમાં માત્ર 13 જગ્યાઓ ભરાયેલી છે જે આરોગ્યના ટોચના અધિકારીઓ માટે પડકારરૂપ છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gandhinagar News, Power Corridor, Power Corridor news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन